૧૧૬ વર્ષમાં ૬ વખત બદલાયેલો છે રાષ્ટ્રીય ધ્વજ, જાણો આઝાદી થી પહેલાનાં પાંચ ભારતીય ધ્વજની કહાની

૧૫ ઓગસ્ટ, ૨૦૨૨નાં રોજ દેશની આઝાદીને ૭૫ વર્ષ પુરા થઈ રહ્યા છે. આ અવસર પર વીતેલા એક વર્ષ એટલે કે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ થી જ સમગ્ર હિન્દુસ્તાનમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ અંતર્ગત દરેક ઘર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગામડા અને શહેરના લોકોને પોતાના ઘર અને દુકાનો પર તિરંગો લગાવવાની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ આ તિરંગા પાછળની કહાની ખુબ જ લાંબી છે. ૧૧૬ વર્ષમાં ૬ વખત દેશનો ધ્વજ બદલાયેલો છે. જો કે આ બદલાવ આઝાદી મળવા સુધી જ થયેલો છે. એટલા માટે આઝાદીના વર્ષગાંઠ પર દેશવાસીઓ માટે જાણવું જરૂરી છે કે આપણા રાષ્ટ્રીય ધ્વજ ની આ યાત્રામાં ક્યારે અને શું-શું બદલાવ થયેલા છે. ભારતીય રાષ્ટ્રધ્વજ માં છેલ્લી વખત ૧૯૪૭માં બદલાવ થયો હતો. તે સમયે તેને તિરંગા નું નામ પણ આપવામાં આવ્યું હતું. તો ચાલો તિરંગા ને સફર વિશે જાણીએ.

૧૯૦૬ માં મળ્યો પહેલો રાષ્ટ્રીય ધ્વજ

ભારતની આઝાદીની લડાઈ જેમ જેમ પ્રબળ બનતી રહી હતી ક્રાંતિકારી દળ પોતાના સ્તર પર સ્વતંત્ર રાષ્ટ્રની અલગ ઓળખ માટે પોતાનો ધ્વજ પ્રસ્તાવિત કરી રહ્યા હતા. ૧૯૦૬ માં દેશનો પહેલો પ્રસ્તાવિત ધ્વજ સામે આવ્યો હતો, જેને ૭ ઓગસ્ટ, ૧૯૦૬નાં રોજ પારસી બાગાન ચોક કલકત્તા માં ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજમાં ત્રણ લીલા, પીળા અને લાલ રંગની પટ્ટીઓ હતી. તેમાં ઉપર લીલા રંગ વાળી પટ્ટીમાં આઠ કમળના ફુલ હતા, જેનો રંગ સફેદ હતો. વચ્ચેની પીળી પટ્ટીમાં વાદળી રંગથી વંદે માતરમ લખેલું હતું. તે સિવાય સૌથી નીચે વાળી લાલ રંગની પટ્ટીમાં સફેદ ચંદ્ર અને સુરજનાં ચિત્ર અંકિત હતા.

બીજા જ વર્ષે બદલવામાં આવ્યો ધ્વજ

પહેલા રાષ્ટ્રધ્વજને મળ્યા ને એક વર્ષ થયું હતું કે ૧૯૦૭ માં દેશને બીજો ધ્વજ મળી ગયો હતો. પહેલા ધ્વજમાં અમુક બદલાવ કરીને મેડમ ભીકાજીકામા અને તેના અમુક ક્રાંતિકારી સાથીઓએ તેને જાહેર કરી દીધો હતો. ભારતનાં આ બીજા ધ્વજ ને પેરિસમાં ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજ પણ દેખાવમાં અમુક હદ સુધી પહેલા ધ્વજ જેવો જ હતો, પરંતુ તેમાં કેસરિયો, પીળો અને લીલા રંગની ત્રણ પટ્ટી હતી. વચ્ચે વંદે માતરમ પણ લખેલું હતું. વળી તેમાં ચંદ્ર અને સુરજની સાથે ૮ સીતારાઓ પણ બનેલા હતા.

૧૯૧૭માં એની બેસેંટ અને લોકમાન્ય તિલકે ફરકાવ્યો નવો ધ્વજ

હજુ અંદાજે એક દશક નો સમય પસાર થયો હતો કે ૧૯૧૭માં દેશ માટે એક નવો ધ્વજ સુચવવામાં આવ્યો હતો. આ નવા ધ્વજને ડૉ. એની બેસેંટ અને લોકમાન્ય તિલકે ફરકાવ્યો હતો. ત્રીજી વખત સુચવવામાં આવેલા આ નવા ધ્વજમાં પાંચ લાલ અને ચાર લીલા રંગની પટ્ટીઓ હતી. ધ્વજના અંતમાં કાળા રંગમાં ત્રિકોણ આકૃતિ બની રહી હતી. વળી ડાબી તરફ કહુંણામાં યુનિયન જેક પણ હતો. વળી એક ચંદ્ર અને તારાની સાથે તેમાં સપ્તઋષિને દર્શાવતા સાત તારા પણ સામેલ કરવામાં આવ્યા હતા.

૧૯૨૧માં ચોથી વખત બદલવા માં આવ્યો ધ્વજ

અંદાજે ૪ વર્ષ પસાર થયા કે ૧૯૨૧માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સત્ર દરમિયાન બેજવાડા (અત્યારે વિજયવાડા) માં આંધ્રપ્રદેશનાં એક વ્યક્તિએ મહાત્મા ગાંધીને એક નવો ધ્વજ આપ્યો હતો અને તે લીલા અને લાલ રંગનો બનેલો હતો. ગાંધીજીને તે ધ્વજ પસંદ આવ્યો અને તેમણે તેમાં અમુક બદલાવ કરાવ્યા. તેમણે તેમાં સફેદ રંગની એક પટ્ટી જોડાવી હતી. વળી દેશના વિકાસને દર્શાવવા માટે વચ્ચે ચાલતો ચરખો પણ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે જઈને તેને આઝાદ ભારતના ધ્વજ માટે સ્વીકાર કરવામાં આવ્યો હતો.

એક દર્શક બાદ ૧૯૩૧માં ફરીથી બદલાયેલો રાષ્ટ્રીય ધ્વજ

આઝાદ ભારતની ઓળખ માટે સુચવવામાં આવેલ ધ્વજ ૧૯૩૧માં એકવાર ફરીથી બદલવામાં આવ્યો હતો. નવા સુચવવામાં આવેલા ધ્વજમાં સૌથી ઉપર કેસરિયો રંગ, વચ્ચે સફેદ રંગ અને અંતમાં લીલા રંગની પટ્ટી બનાવવામાં આવી હતી. તેમાં વચ્ચે સફેદ પટ્ટીમાં ચરખો પણ દર્શાવવામાં આવ્યો હતો. સફેદ પટ્ટીમાં ચરખો રાષ્ટ્રની પ્રગતિનું પ્રતીક જણાવવામાં આવેલ હતો. આ નવા ધ્વજને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા કાયદેસર રૂપથી અપનાવવામાં આવ્યો હતો.

અંતમાં ૧૯૪૭માં દેશને મળ્યો તિરંગો

તમામ પ્રયાસો બાદ આખરે જ્યારે ૧૯૪૭માં દેશ આઝાદ થયો હતો ત્યારે દેશને તિરંગો મળી ગયો હતો. ૧૯૩૧માં બનેલ ધ્વજમાં એક બદલાવની સાથે ૨૨ જુલાઈ, ૧૯૪૭માં સંવિધાન સભાની બેઠકમાં આઝાદ ભારતનાં નવા રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર કરવામાં આવેલ. આ ધ્વજમાં ચરખાની જગ્યાએ મૌર્ય સમ્રાટ અશોકનાં ધર્મચક્રને ઘાટા વાદળી રંગમાં દર્શાવવામાં આવેલ છે. આ ધ્વજને પિંગલી વેંકૈયા એ તૈયાર કરેલ હતો. તેમાં ઉપરની તરફ કેસરિયા, વચ્ચે સફેદ અને નીચે લીલા રંગની પટ્ટી છે. તેની લંબાઈ પહોળાઈ બે ગુણા ત્રણ છે.