૪ મે થી કોરોના પર નવી ગાઇડલાઇન, અમુક છુટછાટ સાથે વધી શકે છે લોકડાઉન

સરકારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે દેશવ્યાપી લોકડાઉનને ૩ મેથી આગળ વધારવામાં આવશે. પરંતુ ઘણા જિલ્લાઓમાં લોકો અને સેવાઓની દ્રષ્ટિએ નોંધપાત્ર છૂટછાટ આપવામાં આવી શકે છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૪ માર્ચના રોજ સૌથી પહેલા દેશવ્યાપી લોકડાઉન કરવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ ૩ મે સુધી તેને વધારી દેવામાં આવ્યું હતું.

હવે તેની અવધિ સમાપ્ત થવા આવી છે. ત્યારે બુધવારના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૪ મે થી નવી ગાઇડલાઇન પ્રભાવી થઇ જશે. તેનો મતલબ સ્પષ્ટ છે કે ૩ મે બાદ પણ લોકડાઉનમાં સંપૂર્ણ રીતે છૂટછાટ આપવામાં આવશે નહીં. અમુક શરતોની સાથે લોકડાઉન વધારવામાં આવી શકે છે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ પોતાના ટ્વિટમાં કહ્યું કે, કોરોના વાયરસ સાથે લડવા માટે નવા દિશાનિર્દેશ ૪ મે થી પ્રભાવિત થઇ જશે. જે ઘણા જિલ્લામાં મોટાભાગે રાહત આપશે. આ સંબંધમાં વિવરણ આવનારા દિવસોમાં સૂચિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલય તરફથી એવું પણ જણાવવામાં આવ્યું છે કે MHA એ આજે લોકડાઉન સ્થિતિ પર એક વ્યાપક સમીક્ષા બેઠક કરી. અત્યાર સુધીમાં લોકડાઉનને કારણે સ્થિતિમાં જબરદસ્ત લાભ અને સુધારો થયેલ છે. આપણે એ લાભને આગળ ગુમાવી શકતા નથી. લોકડાઉનનાં દિશાનિર્દેશોને ૩ મે સુધી સખ્તાઇથી પાલન કરવા જોઈએ.

આ પહેલા બુધવારે સાંજે ગૃહ મંત્રાલય લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજુર, વિદ્યાર્થીઓ, તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓને પોતાના રાજ્યમાં પરત જવા માટેની પરવાનગી આપી દીધી હતી. જોકે તેના માટે રાજ્યની સહમતીની જરૂરિયાત રહેશે. ગૃહમંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલ દિશાનિર્દેશ અનુસાર અન્ય રાજ્યોમાં જવાની પરવાનગી ફક્ત બસનાં માધ્યમથી જ મળશે અને ઘરે પહોંચ્યા બાદ તેમણે ક્વોરંટાઈન માં રહેવાનું રહેશે.

ગૃહ મંત્રાલયે આપી છૂટ

ગૃહ મંત્રાલય તરફથી રજુ કરવામાં આવેલ દિશાનિર્દેશ અનુસાર બધા રાજ્યોમાં ફસાયેલા લોકોને મોકલવા માટે તથા પોતાને ત્યાં બોલાવવા માટે નોડલ અધિકારી નિયુક્ત કરવાના રહેશે અને માનક પ્રોટોકોલ તૈયાર કરવાનું રહેશે. નોડલ અધિકારી પોતાના રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફસાયેલા લોકોને પંજીકૃત કરશે. જો ફસાયેલા લોકોનો સમૂહ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા ઈચ્છે છે તો રાજ્ય એકબીજા સાથે પરામર્શ કરીને સડક માર્ગથી અવર-જવર પર પરસ્પર સહમત થઇ શકે છે.

પંજાબે ૧૭ મે સુધી વધાર્યું લોકડાઉન

બુધવારે જ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આ પ્રદેશમાં લોકડાઉનની અવધિ ૩ મે બાદ બે સપ્તાહ વધુ વધારવાની ઘોષણા કરી હતી. જોકે નિષિદ્ધ ક્ષેત્ર અને રેડ ઝોનને છોડીને અન્ય ક્ષેત્રોમાં તેમાં અમુક છૂટછાટ આપવાનો પણ એલાન કર્યું છે. મુખ્યમંત્રીએ પંજાબની જનતાને સંબોધિત કરતાં કહ્યું હતું કે નિષિદ્ધ ક્ષેત્રમાં કોરોના વાયરસનાં સંક્રમણનો પ્રસાર રોકવા માટે સંપૂર્ણ તથા સખત લોકડાઉન ચાલુ રહેશે.