આ મોબાઇલ કંપની ચીનને આપશે મોટો ઝટકો, ચીન માંથી પોતાનો વ્યવસાય સંકેલીને ભારતમાં કરશે ૮૦૦ કરોડનું રોકાણ

મોબાઇલ ઉપકરણ બનાવતી કંપની લાવા ઇન્ટરનેશનલ ચીનને મોટો ઝટકો આપ્યો છે. કંપની શુક્રવારે કહ્યું હતું કે તે હવે ચીનમાંથી પોતાનો વ્યવસાય સંકેલીને ભારત લાવી રહી છે. ભારત દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ નીતિગત બદલાવને કારણે કંપનીએ આ પગલું ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. કંપનીના સીએમડી એ કહ્યું હતું કે ભારતમાંથી ચીનને મોબાઈલ નિકાસ કરવા, તે તેમનું સપનું છે. કંપનીએ પોતાના મોબાઇલ ફોન ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ કામગીરીને વધારવા માટે આગલા પાંચ વર્ષ દરમિયાન ૮૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે.

લાવા ઇન્ટરનેશનલ ના અધ્યક્ષ તથા પ્રબંધ નિર્દેશક હરિ ઓમ રાયે કહ્યું, “ઉત્પાદન ડિઝાઇનના ક્ષેત્રમાં ચીનમાં અમારા ઓછામાં ઓછા ૬૦૦થી ૬૫૦ કર્મચારી છે. અમે હવે ડિઝાઇનનું કામ ભારતમાં સ્થાનાંતરિત કરી દીધું છે. ભારતમાં અમારી વેચાણ જરૂરિયાતોને સ્થાનિય કારખાનાઓમાંથી પૂર્ણ કરવામાં આવી રહી છે.”

તેમણે કહ્યું કે, “અમે ચીનમાં પોતાના કારખાનામાં થી અમુક મોબાઇલ ફોનને દુનિયાભરમાં નિકાસ કરી રહ્યા છીએ, હવે આ કામ ભારતથી કરવામાં આવશે.” ભારતમાં લોકડાઉન ની અવધી દરમ્યાન લાવાએ પોતાની નિકાસ માંગને ચીનથી પૂર્ણ કરેલ છે.

રાયે કહ્યું કે, “મારું સપનું છે કે ચીનને મોબાઇલ ઉપકરણ નિકાસ કરવામાં આવે. ભારતીય કંપનીઓ મોબાઈલ ચાર્જર પહેલાથી જ ચીનને નિકાસ કરી રહી છે. ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજનાઓથી અમારી સ્થિતિમાં સુધારો આવશે. એટલા માટે હવે સંપૂર્ણ વ્યવસાય ભારતમાંથી જ કરવામાં આવશે.”