આખરે ક્યારે મળશે આપણને કોરોના વાયરસથી છૂટકારો? વૈજ્ઞાનિકોએ જણાવી વાત

કોરોના વાયરસની તીવ્ર ગતિએ વિશ્વના તમામ દેશોને ડરાવી દીધા છે. કોરોના વાયરસના ચેપને રોકવા માટે તમામ દેશોને લોકડાઉન કરવાની ફરજ પડી છે. દેશમાં કોરોના ચેપના વધતા જતા કેસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩ મે સુધી લોકડાઉન વધાર્યું છે. લોકડાઉનને કારણે લોકો ફરી ઘરોમાં કેદ થઈ ગયા છે. જેની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહી છે. આરોગ્ય ઉપરાંત લોકડાઉનથી લોકોની આજીવિકા પર પણ સંકટ સર્જાયું છે. આવી સ્થિતિમાં બધા લોકોના મનમાં એ સવાલ ઉભો થવા લાગ્યો છે કે બધું ફરી સામાન્ય ક્યારે થશે? કોરોના વાયરસથી છૂટકારો ક્યારે મળશે?

ઘણા દેશો લોકડાઉન અને સામાજિક અંતર દ્વારા કોરોના વાયરસના ચેપને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે તેમનો દેશ ૧૨ અઠવાડિયામાં કોરોના વાયરસને પહોંચી વળશે. તે જ સમયે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં ટૂંક સમયમાં જ બધું સામાન્ય થઈ જશે. જો કે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે વિશ્વ કોરોના વાયરસ પડકારમાંથી એટલી જલ્દીથી મુક્તિ મેળવી શકશે નહીં.

વિશ્વ આરોગ્ય સંગઠનના વિશેષ રાજદૂત ડેવિડ નબારોએ પણ ચેતવણી આપી છે કે કોરોના વાયરસ લાંબા સમય સુધી માનવજાતનો પીછો કરતી રહેશે. લોકો રસીથી પોતાને બચાવવા માટે સક્ષમ ન થાય ત્યાં સુધી કોરોના વાયરસનો ફેલાવો ચાલુ રહેશે.

હાર્વર્ડ ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વૈશ્વિક આરોગ્ય અર્થશાસ્ત્રી એરિક ફિગેલ ડિંગે સીએનબીસીને જણાવ્યું હતું કે, “અત્યારે આપણે એકાદ-બે મહિના લોકડાઉનમાં રહેવું પડશે. “તે નિશ્ચિત છે કે આવતા ત્રણ અઠવાડિયામાં કોરોના વાયરસથી છૂટકારો મળવાનો નથી. આપણે વુહાન સાથે પણ સરખામણી કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ તે શક્ય નથી. આપણી પાસે વુહાન જેવા કોરોના વાયરસનું એક જ કેન્દ્ર નથી. ચાઇનાની જેમ આપણે દેશના બાકીના બધા ડોકટરો અને નર્સોને એક જગ્યાએ લાવી શકતા નથી. તેથી આપણને ઓછામાં ઓછા બે મહિના અથવા વધુ સમય લાગી જશે. જો રસી ૧૨ મહિના પહેલા આવે તો અમે શક્ય તેટલી વહેલી તકે તમામ લોકોને રસીથી બચાવવાનું શરૂ કરીશું.

અમેરિકન કોરોના વાયરસ ટાસ્કફોર્સના સભ્ય અને રોગચાળાના નિષ્ણાંત ડો. એન્થોની ફૌચીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, અમે એમ કહી શકતા નથી કે રોગચાળો એક કે બે અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે. મને નથી લાગતું કે આવી કોઈ સંભાવના છે. ડો. ફૌચીએ એમ પણ કહ્યું હતું કે કોરોના વાયરસને મૂળમાંથી દૂર કરવું મુશ્કેલ છે. તે કોઈ બીજા રોગનું પણ સ્વરૂપ લઈ શકે છે.

યુનિવર્સિટી ઓફ રીડિંગના સેલ્યુલર માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડો.સિમન ક્લાર્કે ધ ઇન્ડિપેન્ડન્ટને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કોરોના વાયરસની અંતિમ તારીખ કહેવી અશક્ય છે. તેણે કહ્યું જો કોઈ તમને કોરોના વાયરસના અંતની તારીખ જણાવે છે તો તેનો અર્થ એ છે કે તેઓ ક્રિસ્ટલ બોલ જોઈને કોઈ આગાહી કરી રહ્યા છે. સત્ય એ છે કે કોરોના વાયરસ ફેલાયો છે અને હવે તેને દૂર કરવામાં ખૂબ જ વધારે સમય લાગી શકે છે.

ડો. ક્લાર્કે જણાવ્યું હતું કે કોરોના વાયરસનો રોગચાળો ખૂબ જ પડકારજનક છે કારણ કે લોકોના શરીરમાં લક્ષણો વિના ચેપ લાગે છે અને આ ચેપ અન્ય લોકોમાં પણ ફેલાવી શકે છે. સાઉથ હેમ્પ્ટન યુનિવર્સિટીના ગ્લોબલ હેલ્થના સંશોધનકાર માઇકલ હેડ કહે છે કે કોરોના વાયરસ વિશે કોઈ ધારણા કરવી મુશ્કેલ છે. આ એક સંપૂર્ણપણે નવો વાયરસ છે અને તેણે વિશ્વવ્યાપી રોગચાળાનું સ્વરૂપ લીધું છે. તેમણે કહ્યું કે આવતા કેટલાક મહિનાઓમાં કોરોના વાયરસના ચેપના કેસોમાં ઘટાડો થઈ શકે છે. જો કે, શિયાળો આવતાની સાથે જ કોરોના વાયરસના કેસ ફરીથી વધી શકે છે કારણ કે તે સમયે ફ્લૂ પણ વધારે હોય છે.

રસી ક્યારે તૈયાર થશે?

આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે કોરોના વાયરસની રસી બન્યા બાદ જ કોરોના વાયરસને રોકી શકીશું. જો કે કોરોના વાયરસ માટે હજી સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી. ઇમ્પિરિયલ કોલેજ લંડનના પ્રોફેસર નીલ ફર્ગ્યુસનના જણાવ્યા અનુસાર ચેપની ધીમી ગતિ માટે સામાજિક અંતર જેવા પગલાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. રસી આવે ત્યાં સુધી મોટા પાયે સામાજિક અંતરની જરૂર રહેશે. કોલેજના અહેવાલમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે કોરોના વાયરસની રસી બનવામાં લગભગ 18 મહિનાનો સમય લાગી શકે છે. તે જ સમયે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકારોએ આશા વ્યક્ત કરી છે કે આ રસી છ મહિનાની અંદર આવી શકે છે.