હિન્દુ કેલેન્ડર અનુસાર શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથને સમર્પિત છે. આ મહિનામાં ભગવાન શિવની પુજાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે. આ મહિનો ભગવાન શિવને પણ ખુબ જ પ્રિય છે. ભોલેનાથને સોમવારનો દિવસ પ્રિય છે, એટલા માટે શ્રાવણ મહિનામાં આવતા સોમવારનું મહત્વ વધી જાય છે. માન્યતા છે કે શ્રાવણ મહિનામાં આવતા સોમવારનું વ્રત રાખવાથી અને પુજા પાઠ કરવાથી ભગવાન શિવની કૃપા મળે છે.
ભગવાન શિવ ભક્તોથી પ્રસન્ન થઈને તેમની બધી મનોકામના પુરી કરે છે. આ દિવસે ભગવાન શિવને બીલીપત્ર, ભાંગ, ધતુરો અને જળ અર્પિત કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. સોમવારના દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ખુબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે વ્રત રાખતા પહેલા વ્રતના નિયમો જાણી લેવા જરૂરી હોય છે.
શ્રાવણ મહિનાના સોમવારનું મહત્વ
શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત રાખવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જળાભિષેક માટે આ દિવસ ખુબ જ શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જ માતા પાર્વતીએ કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પતિ રૂપમાં પ્રાપ્ત કર્યા હતા. જેના લીધે આ મહિનાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વ્રત પરિણીત અને કુંવારી કન્યાઓ પણ રાખી શકે છે. સોમવારનું વ્રત રાખવાથી પરિણીત મહિલાઓના પતિનું આયુષ્ય લાંબુ થાય છે. વળી કુંવારી કન્યાઓને ઇચ્છિત વર ની પ્રાપ્તિ થાય છે. સાથોસાથ ગ્રહ દોષ દુર કરવા માટે પણ આ વ્રત ઉત્તમ વાનવામાં આવે છે.
શ્રાવણ મહિનાના સોમવારની પુજન વિધિ
શ્રાવણ મહિનામાં સોમવારના વ્રતની વિશેષ માન્યતા છે. આ દિવસે પાણીમાં દુધ અને કાળા તલ ઉમેરીને શિવલિંગને અભિષેક કરવો જોઈએ. આ દિવસે ૨૧ બીલીપત્ર ઉપર ચંદન થી “ૐ નમઃ શિવાય: લખીને શિવલિંગ ઉપર અર્પિત કરવાથી ભોલેનાથ ભક્તોની બધી મનોકામના પુરી કરે છે.
વિવાહમાં આવી રહેલી અડચણને દુર કરવા માટે શ્રાવણ મહિનાના સોમવારનાં દિવસે નિયમિત શિવલિંગ ઉપર કેસર ઉમેરેલું દુધ અર્પિત કરો. આવું કરવાથી વિવાહના યોગ જલ્દી બની જાય છે. શ્રાવણ મહિનામાં નિયમિત રૂપથી નંદી ને લીલો ચારો ખવડાવવો જોઈએ. આવું કરવાથી જીવનમાં રહેલા દરેક પ્રકારના કષ્ટનું નિવારણ થાય છે અને તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે.
આ મહિનામાં ગરીબોને ભોજન કરાવવાથી તમારા ઘરમાં અન્નની કમી રહેશે નહીં. સાથો સાથ પિતૃઓના આત્માને શાંતિ મળશે. આ દિવસે પુજા કરતા સમયે મંદિરમાં થોડો સમય “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ.