અમેરીકામાં મૃત્યુનાં આંકડા વધતાં જોઈ ટ્રમ્પે આપી ચીનને ધમકી, ચીન જવાબદાર હશે તો ભોગવવા પડશે પરિણામ

કોરોના મહામારી થી સમગ્ર દુનિયા પરેશાન છે અને ઘણા દેશોએ પોતાના હજારો નાગરિકોના જીવ ગુમાવ્યા છે. ચીન ઈટાલી સ્પેન બાદ અમેરિકામાં પણ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમેરિકામાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો આને કારણે મૃત્યુ પામી રહ્યા છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર વાત કરીએ તો પાછલા ૨૪ કલાકમાં ૨ હજારથી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને સંક્રમિત લોકોનો આંકડો ૭.૫૦ લાખ ઉપર પહોંચી ચૂક્યો છે. વળી હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચીનને ધમકી આપી છે કે જો કોરોના વૈશ્વિક મહામારી ફેલાવવા માટે ચીન જવાબદાર હશે તો તેણે પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

જો ભૂલ કરી તો પરિણામ ભોગવવું પડશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું હતું કે કોરોના વાયરસ ચીનમાં શરૂ થતાં પહેલાં તેને રોકવામાં આવી શકતો હતો, પરંતુ આવું થયું નહીં. આજે આ બીમારી સમગ્ર દુનિયામાં ફેલાઈ ગઈ છે. ટ્રમ્પે આગળ કહ્યું હતું કે જો ચીન દ્વારા જાણી જોઈને કોરોના વાયરસ ફેલાવવામાં આવ્યો હશે અથવા કોઈપણ પ્રકારે તે તેના માટે જવાબદાર હશે તેણે તેના પરિણામ ભોગવવા પડી શકે છે. જો આ ફક્ત એક ભૂલ હતી તો ભૂલ તો કોઈપણ થી શકે છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીની શરૂઆત ચીનના વુહાન શહેરથી શરૂ થઈ હતી. જ્યાં હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં દુનિયામાં ૧.૬૦ લાખથી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ભૂલથી કાબૂ બહાર ચાલી જવું અને જાણી જોઈને કરવામાં ફરક હોય છે. જોકે કોઈપણ પરિસ્થિતિમાં તેઓ અમને જણાવવું જોઈતું હતું. મને લાગે છે કે તેઓ જાણે છે કે કંઈક ખરાબ થયું છે અને મને લાગે છે કે તેઓને પસ્તાવો પણ છે. ટ્રમ્પે ચીન ઉપર મોતના આંકડા છુપાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીનમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા અમારા થી પણ વધારે છે, અમે પહેલા નંબર પર નથી. તેઓ મૃતકોની સંખ્યામાં અમારાથી પણ આગળ છે.

ચીને છુપાવ્યા આંકડા

આ પહેલા પણ અમેરિકાના રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે ચીનમાં કોરોના થી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હકીકતમાં બતાવવામાં આવેલ સંખ્યા સૌથી વધારે છે. ટ્રમ્પનું માનવું છે કે ચીનમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યાના સાચા આંકડા છૂપાવવામાં આવ્યા છે અને ત્યાં અમેરિકા કરતાં પણ વધારે લોકોના મૃત્યુ થયા છે. જણાવી દઈએ કે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જોઆ લીજિયાન ને કોરોના વાયરસને લઈને અમેરિકાની આ ખબરો નું ખંડન કર્યું હતું.

ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે કોરોના વાયરસ સંકટે આપણા બધાને ખૂબ જ નુકસાન પહોંચાડયું છે. તેમણે આગળ કહ્યું હતું કે અમારી અત્યાર સુધી દુનિયામાં સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી, ચીન તો અમારી નજીક પણ હતું નહીં. કોરોના ને કારણે ઘણા દેશોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે જેના લીધે દેશની અર્થવ્યવસ્થા પર તેની ઊંડી અસર પડી રહી છે. તેવામાં અમેરિકા પણ ધીરે ધીરે સ્થિતિને નિયંત્રિત કરીને લોકડાઉન ખોલવા વિશે વિચાર કરી રહ્યું છે. જો સ્થિતિ કાબૂમાં આવી જાય છે તો આશા છે કે અમેરિકામાં અમુક ફેક્ટરીઓ ખોલવામાં આવશે.