અને અનાયાસે મેડમને પછાત બાળકોનાં અભ્યાસ માટે કાર્ય કરવાની પ્રેરણા જાગી. સુરતી યુવાનોનું પ્રેરણાદાયી સેવાકાર્ય.

Posted by

અગાઉ એક ગુજરાતી અખબારમાં વાંચેલુ કે, તામીલનાડુનાં તિરુવેલ્લુરનાં આવડી ગામની આર. મીરા સુરતમાં આવીને ગુજરાતી શિખી ગઇ હતી. આ મહિલા બી. કોમમાં ગોલ્ડ મેડલ જીતીને આઇ. એ. એસ.ની તૈયારી કરવામાં લાગી ગઈ હતી. કૈવલ્યમ ફાઉન્ડેશનમાં ગાંધી ફેલો તરીકે આવેલા આર. મીરાને ઝુંપડપટ્ટીના બાળકો સાથે રહેવામાં મજા પડતી હતી. આ વાંચીને આપણને સવાલ થશે કે, શું ગુજરાતમાં પછાત બાળકોનાં ઉત્કર્ષ માટે કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓ શા માટે રસ લેતી નહીં હોય? ના, એવું નથી… ગુજરાતી સંસ્થાઓ હંમેશા આવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં આગળ પડતી હોય છે પરંતુ આપણને ઘણીવાર એની માહિતી હોતી નથી.

આજે બરાબર ધુળેટીનાં દિવસે અમે એ જગ્યાએ કુતુહલવશ પહોંચી ગયા ત્યારે સંસ્થાનાં સભ્યો  પછાત બાળકો સાથે ધુળેટીનાં રંગોત્સવનો આનંદ માણતાં હતાં.  બાળકોનાં ચહેરા પર તહેવારો ઉજવવાનો આનંદ છલકાતો હતો. આવું તમને કોઈ સરકારી શાળામાં જોવાં નહીં મળે. રંગોત્સવ પછી બાળકોને વિવિધ પ્રકારની રમતો શિખવવામાં આવી અને છેલ્લે નાસ્તા-ઠંડા પીણાં પીરસ્યાં બાદ બાળકોને રજા આપવામાં આવી.

મહત્વની વાત એ છે કે, બીજી સંસ્થાની જેમ યુવા જાગૃતિ એજ્યુકેશનને આર્થિક સહાય મળતી નથી પણ સભ્યો આનો ખર્ચ અંદરોઅંદર ભાગે પડતો વહેંચી લે છે. અલબત્ત કોઈ દાતા મળી જાય તો અલગ વાત છે. નાનાં બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં સંસ્થાનાં સભ્યો તલ્લીન બની જાય છે. આપણાં મહાન વૈજ્ઞાાનિક – મિસાઇલમેન સ્વ. અબ્દુલ કલામ પણ આજ રીતે નાનપણમાં ગરીબાઈ વચ્ચે ભણીને આગળ આવેલાં એ દરેકને ખબર હશે. એકંદર આવી સેવાભાવી સંસ્થાઓ સરકારી આર્થિક સહાય વગર આપબળે શિક્ષણકાર્ય દ્વારા પછાત પરિવારોને ઉપયોગી બને એ આપણાં માટે ગૌરવની વાત છે.

સુરતનાં વરાછા વિસ્તારમાં પછાત બાળકોમાં શિક્ષણનો વ્યાપ વઘારવાં માટે ‘યુવા જાગૃતિ એજ્યુકેશન’ નામની સંસ્થા ગુપચુપ કામ કરી રહી છે. આ સંસ્થાનું મિશન રસ્તામાં રખડતાં કે ભીખ માંગતાં ગરીબ બાળકો અને ને તેમનાં પરિવારોને શિક્ષણદાન આપવાનું છે. જેથી બાળકો નોકરી-ધંધા કરતાં થાય અને પરિવાર આગળ જતાં સધ્ધર બને. આ સંસ્થાની પ્રવૃત્તિની વિગતો જાણીને તમને સાનંદાશ્ર્ચર્ય થશે. રસ્તે રખડતાં – ભીખ માંગીને પેટ ભરતાં બાળકોનાં “પથદર્શક” બનવાનું એ કામ સહેલું તો નથી એ સંસ્થાની પ્રવૃત્તિ જોઈને ખ્યાલ આવી જાય છે.

“ગરીબોના બાળકો પણ ખાવાનું ખાઈ શકે તહેવારમાં, એટલા માટે ભગવાન ખુદ વેચાઈ જાય છે બજારમાં !” આ જાણીતું વાક્ય ગણેશોત્સવ દરમ્યાન ગણેશજીની મૂર્તિ બનાવતાં નાનકડાં બાળકોને જોતાં યાદ આવે છે. જોગાનુજોગ યુવા જાગૃતિ એજ્યુકેશનની કામગીરીનો પ્રારંભ પણ બરાબર ગણેશોત્સવ વખતેજ થયો હતો. વરાછાનાં હિરાબાગ વિસ્તારમાં આની શરૂઆત થઈ અને હવે ટુંકા સમયમાં સરથાણા જકાતનાકા પાસે દિપકમલ મલ્ટીપલ કોમ્પ્લેક્ષની સામે ઓવરબ્રીજની નીચે ખૂલ્લાં મેદાનમાં ” ઓપન એર સ્કૂલ”નો પ્રારંભ થઈ ચૂક્યો છે.

આવી પ્રવૃત્તિ ચાલું કરવાની પ્રેરણા તમને શેમાંથી મળી સંસ્થાનાં સંચાલક મેડમને આવો સવાલ કર્યો એનો જે જવાબ મળ્યો એ ઘણોજ રસપ્રદ હતો. ” હું એકવાર અનાથાશ્રમનાં બાળકોને જમાડવા માટે ગઇ અને ત્યાંથી બહાર નીકળી એ વખતે આશ્રમનાં બાળકોએ મને પૂછ્યું કે, બહેન હવે તમે અહીં પાછાં ક્યારે આવશો? એ સાંભળીને મારું હૈયુ ભરાઈ ગયું…

ત્યાર પછી મેં એક બાળકને રસ્તામાં ભીખ માંગતા જોયું.  વાતચીત દરમિયાન મેં જોયું કે ‘એ બાળકને ભણવામાં રસ હતો. બસ, એ પછી મેં પછાત બાળકો માટે કામ કરવાનો દ્ઢ સંકલ્પ કર્યો અને એ કામમાં મને સાથી મિત્રોનો સહકાર મળી ગયો… “સામાન્ય રીતે સંસ્થાનાં સભ્યોનાં નામ મિડીયા સમક્ષ જાહેર કરવાં અને ફોટા પડાવવામાં દરેકને રસ હોય પરંતુ આ સંસ્થાને સભ્યોનાં નામ જાહેર કરવામાં રસ નહોતો.  કોઈ દાતાઓ તરફથી મળતી તમામ પ્રકારની મદદનો વહીવટ પારદર્શી હોય છે. જેની વિગતો તપાસતાં જણાઇ આવે છે.

લેખ સંપાદક – મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *