કેરીનું નામ પડતાં જ મ્હોં માંથી લાળ ટપકવાં લાગે એવો એનો ખટમધુરો સ્વાદ છે. ભાગ્યેજ કોઇ એવું હશે કે જેને કેરીનો ટેસ્ટ પસંદ નહીં હોય. એમાંય કેસર કેરી ગુજરાતનું ઘરેણું… કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ ગણાય છે. કાચી અને પાકી કેરીમાં અઢળક ઔષધીય ગુણો સમાયેલાં છે. એવું કહેવાય છે કે, અંદાજે પાંચ હજાર વર્ષ પહેલાં કેરીનું ભારતમાં આગમન થયું હતું. એમાં વિટામીન – એ વિટામીન – સી અને ફાઇબર પ્રચુર માત્રામાં હોય છે. દુનિયામાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન ભારતમાં થાય છે. ટચુકડો દેશ ઇઝરાયેલ ઓછાં વરસાદે મબલખ કમાણી કરે છે. એ દેશનાં કૃષિ વિશેષજ્ઞોની ટીમે ભારતમાં આવીને કેરીનાં ઉત્પાદન વિશે મહત્વની જાણકારી આપી હતી. બુદ્ધ ભગવાને કેરીનાં વૃક્ષ હેઠળ બેસીને તપ- સાધના કરી હતી એ વાત જાણીતી છે.
કાઠીયાવાડમાં કાચી કેરીનાં ગોળકેરી જેવાં ચટાકેદાર અથાણાં બને છે. ઘણાં તો કાચી કેરી ખમણીને એમાં ગોળ ભેરવીને હોંશભેર ખાય છે. ઉપરાંત કાચી કેરીનાં ખમણમાં ગોળ ભેળવીને સ્વાદિષ્ટ શાક પણ બનાવી શકાય છે. ભરઉનાળે ગરમીને કારણે લૂ લાગે તો કાચી કેરી ઔષધ તરીકે સરસ કામ આપે છે. કાચી કેરીનાં સરબત ઘણાં બનાવીને પીવે છે. ગરમીથી છૂટકારો મેળવવા માટે પાકી કેરીનો જ્યુસ બજારમાં વેચાય છે પણ બને ત્યાં સુધી આવાં બજારુ પીણાં પીવાનું ટાળો. કેમકે, એવાં પીણાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. તેથી કેરીનાં સરબત કે જ્યુસ ઘરે બનાવો.
કેરીનાં ગુણધર્મો :
કેરી વાતનાશક, શક્તિવર્ધક, બળ-વિર્યવર્ધક, ત્વચા માટે ફાયદાકારક, કબજિયાત દૂર કરનારી, પિત્તવર્ધક, ભુખ ઉઘાડનાર વગેરે અનેક ગુણોથી ભરપૂર છે. જોકે, કેરી ગુણકારી હોવાં છતાં એનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ એવું જાણકારોનું માનવું છે. અધિક માત્રામાં કાચી કેરીનું સેવન કરવાથી તાવ, ગેસ, ગળામાં દુખાવો, અપચો, રક્ત વિકાર વગેરે તકલીફ પેદા થઈ શકે છે. ખાલી પેટે સેવન કરવું નહીં.
કેરીની વિવિધ જાતો :
કેસર, કાગડા, તોતાપૂરી, હાફુસ, લંગડો, રાજાપૂરી, પાયરી, જમાદાર, સરદાર, આમ્રપાલી, દશેરી, વનરાજ, નીલમ, રત્ના, બદામ, દાડમીયો સિંધુ, નીલેશ, ફજલી, ગુલાબ ખાસ, ફજલી વગેરે કેરીની અસંખ્ય જાતો જોવા મળે છે.
આ વાત ખાસ નોંધી લેશો
ઉનાળામાં કેરીને પાકતાં વાર લાગતી નથી પરંતુ કેટલાક લોકો વધું વેંચાણ કરવાં માટે કેલ્શિયમ કાર્બોનેટ તથાં પ્રવાહી કેમિકલ નો ઉપયોગ કરીને કેરીને પકાવે છે. આ રીતે પકવેલી કેરી દેખાવમાં એકદમ પીળી અને આકર્ષક લાગે છે. પરંતુ આરોગ્ય માટે ખતરનાક છે. આવી કેરીનું સેવન કરવાથી કેન્સર, લિવર-આંતરડામાં ચાંદા પડવાં, ત્વચાની બિમારી સહિત અનેક પ્રકારનાં રોગો પેદા થઈ શકે છે.
કેરી વિશે અવનવું જાણવા જેવું
પાકી કેરીની ગોટલી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. એનું ચુર્ણ પરસેવો અટકાવે છે. આંબાના પાંદડાના રસ લગાવવાથી લોહી બગાડ અટકે છે. આંબાના પાનની અંતર છાલ, મૂળ,મ્હોર, ગુંદર વગેરેનું પણ આયુર્વેદિક મહત્વ છે.
- પાંદડાના અર્ક અસ્થમા અને ડાયાબીટીસ માટે ગુણકારી
- કલમ અને ગોટલી દ્વારા વાવેતર કરવામાં આવે છે.
- ફળનો રંગ અને આકાર અલગ અલગ હોય છે. ખાસ કરીને પીળો, આછો લાલ, લીલો અને નારંગી.
- એક કપ મેંગો શેક માંથી ૧૦૦ કેલેરી પ્રાપ્ત થાય છે.
- કેસર કેરી સર્વાધિક લોકપ્રિય છે.એની વધું ડિમાન્ડ હોય વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે.
- સૌરાષ્ટ્રનાં તાલાલા, ધારી ગીરનો સ્વાદ દાઢે વળગે એવો સ્વાદિષ્ટ હોય છે.
કેરી વિશે અઢળક માહિતીનો ભંડાર ધરબાયેલો છે. એ બાબતની વધું જાણકારી હવે પછી…
લેખસંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)