ગાયને હિન્દુ સંસ્કૃતિમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે અને તેને માતાનો દરજ્જો આપવામાં આવેલ છે. ગામડાના વિસ્તારોમાં પહેલી રોટલી ગાય માટે બનાવવામાં આવે છે. ગાયને પ્રાચીન કાળથી જ વધારે મહત્વ આપવામાં આવે છે. ગાયને દેવી-દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવેલ છે. શાસ્ત્રો અનુસાર સવારે સ્નાન કર્યા બાદ ગાય માતાને સ્પર્શ કરવાથી તમામ પાપ નાશ પામે છે.
એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સવારે સ્નાન કરીને ગાયને સ્પર્શ કરે છે. તે બધા પાપ માંથી મુક્ત થઈ જાય છે. દુનિયાના સૌથી જુના શાસ્ત્ર અને પુરાણોમાં ગાયની મહત્વતા અને તેના અંગ પ્રત્યાંગમાં દિવ્ય શક્તિઓ હોવાનું વર્ણન મળી આવે છે. ગાયનાં છાણમાં લક્ષ્મી, ગૌમુત્રમાં ભવાની, ચરણોના અગ્ર ભાગમાં આકાશચારી દેવતા, અવાજમાં પ્રજાપતિ અને આંચળમાં સમુદ્ર હોય છે. એટલે કે સનાતન ધર્મમાં ગાયને હંમેશા દુધ આપનાર જાનવર નહીં, પરંતુ દેવતાઓનું પ્રતિનિધિત્વ માનવામાં આવેલ છે. માન્યતા છે કે ગાયના પગમાં રહેલી માટીનું તિલક કરવાથી તીર્થસ્થાન માં સ્નાન કરવાનું પુણ્ય મળે છે, એટલે કે સનાતન ધર્મમાં ગાયનું મહત્વ ખૂબ જ વધારે રહેલું છે.
પદ્મ પુરાણ અનુસાર ગાયના મુખમાં ચાર વેદોનો નિવાસ હોય છે. તેના શીંગડામાં ભગવાન શંકર અને વિષ્ણુ હંમેશા બિરાજમાન રહે છે. ગાયના ઉદરમાં કાર્તિકેય, માથામાં બ્રહ્મા, કપાળમાં રુદ્ર, શિંગડાના આગળના ભાગમાં ઈન્દ્ર, બંને કાનમાં અશ્વિનીકુમાર, નેત્રોમાં સૂર્ય અને ચંદ્ર, દાંતમાં ગરુડ, જીભમાં સરસ્વતી, મૂત્ર સ્થાનમાં ગંગાજી, રોમકુંપોમાં ઋષિ ગણ, પૃષ્ઠ ભાગમાં યમરાજ, દક્ષિણ પાર્શ્વમાં વરુણ તથા કુબેર, વામ પાર્શ્વમાં મહાબલિ યક્ષ, મુખની અંદર ગંધર્વ, નાસિકાના આગળના ભાગમાં સાંપ સ્થિત હોય છે. ભવિષ્ય પુરાણ સ્કંદપુરાણ, બ્રહ્માંડ પુરાણ અને મહાભારતમાં પણ ગાય માતાના અંગોમાં દેવી દેવતાઓની સ્થિતિનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે.
ગાય જે જગ્યાએ સમુહમાં બેસીને શ્વાસ લે છે તે સ્થાનની ફક્ત શોભા વધતી નથી, પરંતુ તે સ્થાનના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. તીર્થોમાં સ્નાન અને દાન કરવાથી, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી, વ્રત-ઉપવાસ અને તપ-જપ તથા યજ્ઞ-હવન કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય ગાયને લીલો ઘાસચારો ખવડાવવાથી પ્રાપ્ત થાય છે.
ગાયની સેવા કરવાથી દુઃખ અને દુર્ભાગ્ય નાશ પામે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જે મનુષ્ય ગાય માતાની શ્રદ્ધાપૂર્વક પૂજા સેવા કરે છે દેવતાઓ હંમેશા તેની ઉપર પ્રસન્ન રહેશે. જે ઘરમાં ભોજન કરતા પહેલા ગૌ-ગ્રાસ કાઢવામાં આવે છે તે પરિવારમાં અન્ન અને ધનને ક્યારેય પણ કમી રહેતી નથી.