કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન ૨૨ મે ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના કાર્યકારી બોર્ડ અધ્યક્ષનું પદ સંભાળશે. ડૉ. હર્ષવર્ધન COVID-19 ની વિરુધ્ધ ભારતની જંગ માં સૌથી આગળ ઉભેલા લોકોમાં એક છે. હર્ષવર્ધન જાપાનના ડૉ. હીરોકી નકાતાની ની જગ્યા લેશે, જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ૩૪ સદસ્યોના બોર્ડના વર્તમાન અધ્યક્ષ છે.
તમને જણાવી દઈએ કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની બેઠકમાં ભારત તરફથી નામાંકિત કરવામાં આવેલ ડોક્ટર હર્ષવર્ધનને નિયુક્ત કરવાનો પ્રસ્તાવ ૧૯ મેના રોજ ૧૯૪ દેશોએ પસાર કર્યો છે. જોકે હવે ડોક્ટર હર્ષવર્ધનનું પદ સંભાળવું ફક્ત ઔપચારિકતા રહી ગઈ છે, જ્યારે તે નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેઓ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના દક્ષિણ-પૂર્વ એશિયા ગ્રુપ માટે ભારત તરફથી તેમને નિયુક્ત કરવામાં આવશે. તેમાં સર્વસંમતિથી એવું પણ નક્કી કરવામાં આવેલ છે કે ભારત મે મહિનાથી શરૂ થનાર ૩ વર્ષના કાર્યકાળ માટે કાર્યકારી બોર્ડમાં રહેશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતિ આપી હતી કે અત્યાર સુધીમાં ભારતમાં ૧૦ લાખની વસ્તી પર કોરોના વાયરસ થી મૃત્યુના લગભગ ૦.૨ મામલા સામે આવી રહ્યા છે. જ્યારે વિશ્વભરમાં આ આંકડો ૪.૧ મૃત્યુ પ્રતિ ૧૦ લાખ છે. ભારતમાં મંગળવારે કોરોનાને લીધે મૃત્યુ ના આંકડા ૩૧૬૩ સુધી પહોંચી ગયા હતા અને દર્દીઓના કુલ મામલાનો આંકડો ૧,૦૧,૧૩૯ થઈ ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે, ૧૮ મે ના રોજ દેશભરમાં કોરોના વાયરસ માટે રેકોર્ડ ૧,૦૮,૨૩૩ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૨૪,૨૫,૭૪૨ સેમ્પલની તપાસ થઇ ચૂકી છે. WHO ના રિપોર્ટ અનુસાર મંત્રાલયે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ૧૯ મે સુધી કોરોના વાયરસ થી કુલ ૩,૧૧,૯૪૭ મૃત્યુના મામલા સામે આવ્યા છે જે લગભગ ૪.૧ મૃત્યુ પ્રતિ ૧૦ લાખ વસ્તીના છે.