ભારતીય રેલવેની અનોખી ભેટ : પસંદગીની ટ્રેનોમાં મસાજની સુવિધા ઉપલબ્ધ થશે

પેસેન્જરોને આનંદનો આંચકો લાગે એવાં સમાચાર રેલવેતંત્ર તરફથી પ્રાપ્ત થયાં છે. રેલવેનાં એક અધિકારીએ શનિવારે આપેલી માહિતી મુજબ રેલવે દ્વારા ઇંદોરથી ઉપડતી ૩૯ ટ્રેનોમાં મસાજની સુવિધા અપાશે. રતલામ ડિવિઝન તરફથી આવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત ઉતારૂઓની સુવિધા માટે ચાલતી ટ્રેનમાં મસાજ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આનાથી રેલવેને આવક તો વધશે તે ઉપરાંત યાત્રાળુઓની સંખ્યામાં તોતીંગ વધારો થશે. એ અનુમાન મુજબ આનાથી રેલવેને વાર્ષિક વીશ લાખથી વધુ રકમની આવક થવાની શક્યતા છે. ઉપરાંત એક એવો અંદાજ છે કે ૨૦,૦૦૦ સર્વિસ પ્રોવાઇડર્સને ટિકિટના વેચાણથી ૯૦ લાખ રૂપિયાની કિંમતની ટિકિટોથી વધુ વેંચાણ થશે.

રેલવે બોર્ડના મિડીયા એન્ડ કોમ્યુનિકેશનનાં નિર્દેશક રાકેશ બાજપાઈએ આ અંગેની જાણકારી આપતાં કહ્યું હતું કે, પહેલી વખત આવો કોન્ટ્રાક્ટ સાઈન કરવામાં આવ્યો છે. તેમણે કિંમત બાબતે ફોડ પાડયો કે પગ અને હાથનાં મસાજ માટે વ્યક્તિને ૧૦૦ રૂપિયા ચાર્જ ચુકવવાનો રહેશે. આ રેલવેની એ સ્કિમનો હિસ્સો છે જેમાં દરેક ઝોન અને ડિવિઝનોને નવાં તેમજ ઈનોવેટીવ આઇડિયા આપવાની સુચના આપવામાં આવી હતી. કેમકે એનાથી ભાડાં ઉપરાંત બીજી ચીજોથી આવકમાં વધારો થઈ શકે છે.

રેલવેતંત્ર દ્વારા પહેલી વખત આ પ્રકારે આવક વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલવે પ્રશાસનને આશા છે કે આનાથી લોકોનો  રેલવે પ્રત્યેનો અભિગમ બદલાઈ જશે. અગાઉ પણ રેલવે પ્રસાશને ખાનગીકરણ કરવાનાં સંકેત આપ્યાં હતાં. એ પછી સુધારીકરણની દિશામાં તંત્રે નવું કદમ ઉઠાવ્યું છે.

આમ જોઇએ તો રેલવેની લોકોમાં જે છાપ ઊભી થઈ છે તેમાં નવાં નવાં લેવાતાં ક્રાંતિકારી પગલાંને હિસાબે લોકોને વધું સગવડો મળવાને કારણે રેલવે ટ્રેનોમાં મુસાફરી કરવાનો મોહ પેદા થશે એથી રેલવેને પણ અઢળક કમાણી અને ફાયદાઓ થશે જ.

મહેન્દ્ર સંઘાણી (નિવૃત્ત પત્રકાર – સુરત)