કારનાં AC માં રીસર્ક્યુલેશન બટન શા માટે હોય છે? કારનો ઉપયોગ કરતાં મોટાભાગનાં લોકોને તેની સાચી માહિતી હોતી નથી

ઉનાળામાં કારની અંદર એરકન્ડીશન ની સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય છે. ગરમીમાં આપણે મુસાફરી દરમિયાન ઇચ્છતા હોઈએ છીએ કે કાર અંદરથી ખુબ જ જલ્દી ઠંડી થઈ જાય અને આપણને ગરમીમાંથી રાહત મળે. સામાન્ય રીતે કારના એર કન્ડિશનને કારને સંપુર્ણ ઠંડી કરવામાં સરેરાશ ૧૦-૧૫ મિનિટનો સમય લાગે છે. જો કાર મોટી હોય તો તે સમય વધારે લાગી શકે છે.

જો કે તમે કારમાં આપવામાં આવેલ એક ફીચરનો ઉપયોગ કરો છો તો કારને ખુબ જ ઓછા સમયમાં ઠંડી કરી શકો છો. કારનાં એરકન્ડીશન ની સાથે આપવામાં આવેલ રીસર્ક્યુલેશન સિસ્ટમ નો ઉપયોગ કરીને કારને તુરંત ઠંડી કરી શકાય છે. હકીકતમાં આ સિસ્ટમ એક બટન થી કામ કરે છે, જે એરકન્ડીશન સિસ્ટમના પેનલ પર આપવામાં આવેલ હોય છે.

કેવી રીતે કામ કરે છે રીસર્ક્યુલેશન સિસ્ટમ

તે સાધારણ રૂપથી એર કન્ડિશન નો ઉપયોગ કરવાથી થોડું અલગ છે. જો રીસર્ક્યુલેશન ઓન છે તો કારની બહારથી ગરમ હવા લેતું નથી, પરંતુ કારની અંદરની હવા ને વારંવાર ઠંડી કરે છે. એર કન્ડિશન ને બહારથી ગરમ હવા લઈને તેને ઠંડી કરવામાં વધારે પરેશાની થાય છે, જેનાથી કારને ઠંડી કરવામાં વધારે સમય લાગે છે.

પરંતુ જ્યારે રીસર્ક્યુલેશન નો ઉપયોગ કરવામાં આવે ત્યારે એરકન્ડીશન સિસ્ટમ બહારથી ગરમ હવા લેતું નથી, પરંતુ કારની અંદર જે હવા હોય છે તેને સર્ક્યુલેશન માટે ઠંડુ કરતું રહે છે. તેનાથી કારની અંદરની હવા જલ્દી ઠંડી થઈ જાય છે અને લાંબો સમય સુધી ઠંડી પણ રહે છે.

ક્યારે કરવો જોઈએ રીસર્ક્યુલેશન નો ઉપયોગ

રીસર્ક્યુલેશન સિસ્ટમનો ઉપયોગ ઉનાળાના સમયમાં કરવો વધારે શ્રેષ્ઠ હોય છે. ચોમાસાની ઋતુમાં રીસર્ક્યુલેશન સિસ્ટમનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવતી નથી. આવું એટલા માટે કારણ કે ચોમાસાની ઋતુમાં હવામાં ભેજ વધારે હોય છે. આ દરમિયાન જો રીસર્ક્યુલેશન નો ઉપયોગ કરવા પર ભેજવાળી હવા કારની અંદર ફરતી રહેશે, જેનાથી કાચ ઉપર ધુમ્મસ જામી જાય છે.