કહેવત છે કે, “મન હોય તો માળવે જવાય” જો ધગશ હોય તો કેડી માંથી રસ્તો બની જતાં વાર લાગતી નથી. આનું જીવતું જાગતું ઉદાહરણ છે કેરળનાં ૬૫ વર્ષનાં વિજયન અને તેની પત્ની મોહનાનું… આ દંપતી ફક્ત ચ્હા વેંચીને દુનિયા ઘુમવાનાં સપનાં પૂરા કરી રહ્યા છે. કોચનાં વતની વિજયન તેની પત્નીની સાથે ૫૫ વરસથી ચ્હા વેંચવાનો ધંધો કરે છે. બસ, ધંધો કરતાં કરતાં દંપતિ પોતાનાં શોખ પ્રમાણે “दुनिया की सैर कर लो..” ની જેમ આટલાં બધાં દેશોની ધરતી ખૂંદી નાખી છે.
વિજયનનાં લગ્નને ૪૫ વરસ થઇ ચૂક્યા છે. બન્નેની મહેચ્છા દુનિયા ઘૂમવાની હતી. એ સાકાર કરવા માટે એમણે ૧૯૬૩ માં સડકનાં કાંઠે ચ્હા બનાવવાનું કામ શરું કર્યું. જે આજ પર્યંત ચાલું છે.
વિજયનનાં સંઘર્ષની સફર :
વિજયનની સંઘર્ષ સફરની કહાણી જોઇએ તો, એમનું બચપણ ખૂબજ challenging હતું. કેરલનાં મોટાભાગનાં મંદિરની સફર એમણે પિતાની સાથે કરી અને એમાંથી બહાર હરવા-ફરવાનો શોખ જાગ્યો… પરંતુ પિતાનાં મૃત્યું પછી એનાં માથાં પર પારિવારિક જવાબદારી આવી પડી. એ જવાબદારીમાં શોખ થોડો સમય દબાઇ ગયો. પછી એની જીંદગીમાં મોહનાનો પ્રવેશ થયો… જે વિજયનની જીંદગીની નહીં, બલ્કે એનાં અનોખા સફરની સાથી બની ગઈ.
ચ્હાની દુકાનના મજુર અને મેનેજર એક :
વિજયનની ચ્હાની દુકાનના દૈનિક કસ્ટમર્સની સંખ્યા અંદાજે ત્રણસોથી સાડાત્રણસો હશે. સ્થાનિક લોકો ઉપરાંત બહારથી ફરવા આવનાર પ્રવાસીઓ પણ ચ્હા પીવા સ્ટોલ પર આવે. જે રકમ મળતાં આવક થાય એમાંથી દૈનિક ૩૦૦ રૂપિયા જુદા કાઢી રાખે… પૈસા બચાવવાના આ ફંડા સિમ્પલ અને સ્માર્ટ હોવાની સાથેજ આશ્ચર્યજનક પણ છે. કેમકે, એની દુકાનમાં કોઇ મદદનીશ નથી, ખુદ ચ્હા બનાવે અને પોતે કસ્ટમર્સને સર્વ કરે. બચતની આટલી રકમ સામે બજેટ ઓછું ગણાય એટલે એ માણસ બેન્કની લોન લઈ સફર બાદ ત્રણ વર્ષ સુધી હપ્તા ભરે, ફરી પાછી બીજા ટ્રીપનું પ્લાનિંગ કરે…
બ્રાઝિલ, આર્જેટીના, પેરૂ, દેશની સફર ખેડી ચૂકનાર કપલનાં ફેવરિટ સ્થળ સિંગાપોર, સ્વિટઝર્લેંન્ડ અને ન્યુયોર્ક છે. અને હવે તે સ્વિડન, ડેનમાર્ક, હોલેન્ડ ગ્રીનલેન્ડ, નોર્વે ફરવાનાં આયોજન કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, તમે એની દુકાનમાં ડોકિયું કરશો તો કેટલીય તસવીરો એવી જોવાં મળે કે, દરેક દેશોની સફર દરમિયાન દરેક હોટલ અને રેસ્ટોરાંનાં ચૂકવેલ બિલ પણ ફ્રેમમાં મઢેલાં હોય…
વિજયન માને છે કે, હરવા-ફરવાથી તમારાં આચાર વિચારમાં બદલાવ આવી જાય છે. મશહૂર ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એ ટ્વિટર ઉપર એ કપલનાં વિડિઓ શેર કરતાં લખ્યું કે, ‘ બેશક, આ કપલને ફોર્બસનાં અમીર લોકોનાં લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યાં નથી. પરંતુ એ દેશનાં સૌથી અમીર આદમી છે. જીંદગી જીવવાની એમની રીત કાબીલે તારીફ છે. હવે પછી હું જ્યારે એમનાં શહેર જઇશ તો એની બનાવેલી ચ્હા ચોક્કસ પીવા જઇશ.
લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી – વરિષ્ઠ પત્રકાર, સુરત