ચોંકાવનારો અહેવાલ : દોઢ લાખમાં વેંચાઇ રહ્યો છે Truecaller નાં ગ્રાહકોનો ડેટા : Truecaller નાં ૧૪ કરોડ યુઝર્સમાં ૬૦% ભારતીય

Posted by

નવી દિલ્હી : ટ્રુકોલરનો ઉપયોગ કરનારાંને ખબર નહીં હોય કે  યુઝર્સનાં ડેટા વેંચાણ માટે ઉપલબ્ધ છે. મોબાઈલ પર કોલરની ઓળખ આપનાર ટ્રુકોલરનાં યુઝર્સનાં ડેટા એક ખાનગી ઇન્ટરનેટ ફોરમ પર વેંચાણ માટે ઉપલબ્ધ છે. એક સાયબર સિક્યોરિટી એનાલિસ્ટે આની જાણકારી આપી હતી. એ મુજબ ટ્રુકોલરનાં ભારતીય યુઝર્સનાં કહેવાતાં ડેટા વેબ પર અંદાજે દોઢ લાખ રૂપિયા મતલબ બે હજાર યુરોમાં વેંચાઇ રહ્યા છે.

ટ્રુકોલરનાં લગભગ ચૌદ કરોડ યુઝર્સ પૈકી અંદાજે ૬૦ % ભારતીય છે. જેનાં ગ્લોબલ યુઝર્સ નાં ડેટાની કિંમત ૨૫૦૦૦ યુરો સુધીની છે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ મારફત ભારતીય યુઝર્સને પેમેન્ટ સર્વિસ આપનાર ટ્રુકોલરે જોકે આ વાતનું ખંડન કર્યું છે. ટ્રુકોલર એક પ્રિમિયમ સર્વિસ પણ પેશ કરે છે જેમાં સબક્રાઇબર્સ પેમેન્ટ ચુકવીને જેટલાં ઇચ્છે એટલાં નંબર સર્ચ કરી શકે છે.

કંપનીનાં પ્રવક્તાનાં જણાવ્યા મુજબ હાલમાં તેમનાં ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક યુઝર્સ પોતાના એકાઉન્ટનો દુરુપયોગ કરી રહ્યા છે. કંપની ભરોસો આપવાં માંગે છે કે તેમનાં ગ્રાહકોનાં સંવેદનશીલ મામલામાં કોઈ ગરબડ થઈ નથી. વેંચાણ માટે ઉપલબ્ધ ડેટાનાં એક નમુનો જોઇને માલુમ પડયું હતું કે એમાં યુઝર્સનાં નિવાસનાં રાજ્ય અને તેમનાં મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર જેવી જાણકારીનો સમાવેશ થાય છે.

કંપનીનાં પ્રવક્તાએ આ મુદ્દે તપાસ ચાલી રહી હોવાની વાત કરી હતી. કંપનીએ આ વરસનાં આરંભમાં કહેલું કે તેમણે પોતાના પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરનાર યુઝર એકાઉન્ટ સામે તપાસ ચાલું કરી દીધી છે. કંપનીએ એમનાં દ્વારા સ્ટોર કરાયેલાં ડેટા સંપુર્ણ રીતે સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો. એ ઉપરાંત યુઝર્સની પ્રાઇવસીનાં મુદ્દે ગંભીર હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ સાયબર નિષ્ણાંતો પણ આમાં કંઇક ગરબડ હોવાનું માને છે. સાઇબર એન્ડ પ્રાઇવસી ફાઉન્ડેશનના જે. કે. પ્રસન્નાએ જણાવ્યું કે ‘આ સામાન્ય ડેટા નહીં બલ્કે ઘણી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટયૂટસનાં ડેટા છે. કંપનીઓએ સાવધાની રાખીને કસ્ટમર્સનાં ડેટાને સુરક્ષિત રાખવી જોઈએ.

લેખ સંપાદક :મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *