ડેન્ગ્યુ અને ન્યુમોનિયા જેવી બીમારીઓ સાથે લડવા માટે મોનોક્લોનલ વેક્સિન બનાવી ચૂકેલ પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોના વાયરસનો ખાત્મો કરવા માટે વેક્સિન તૈયાર કરવામાં આવી રહેલ છે. કંપની અનુસાર આગલા મહિનાથી તેની ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને ભારતમાં પ્રતિ ડોઝનાં હીસાબે તેની કિંમત ૧૦૦૦ રૂપિયા રહેશે.
૧૦૦૦ રૂપિયા રહી શકે છે વેક્સિનની કિંમત
કંપનીના સીઈઓ અદાર પુનાવાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “અમને મે મહિનાથી ભારતમાં ટ્રાયલ શરૂ કરવાની આશા છે. ટ્રાયલ સફળ રહેશે તો સપ્ટેમ્બર-ઓકટોબર સુધીમાં મોટી સંખ્યામાં વેક્સિન તૈયાર થઇ જશે. અમે ભારતમાં ૧૦૦૦ રૂપિયાની વ્યાજબી કિંમત પર આ વેક્સિનને તૈયાર કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.”
સપ્ટેમ્બર સુધી ૨ થી ૪ કરોડ વેક્સિનનું લક્ષ્ય
પુનાવાલાએ જણાવ્યું કે, “કોરોના વાયરસ માટે પર્યાપ્ત વેક્સિન ઉપલબ્ધ થઈ જાય એટલા માટે ઉત્પાદન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. ક્લિનિકલ ટ્રાયલ સફળ થાય તો અમે પાછલા ૬ મહિના સુધી ૪૦ થી ૫૦ લાખ ડોઝ દર મહિને તૈયાર કરવાના લક્ષ્ય સાથે કામ કરીશું. ત્યારબાદ ઉત્પાદન ૧ કરોડ કરી દેવામાં આવશે. આ હિસાબે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં ૨ થી ૪ કરોડ વેક્સિનનાં ડોઝ તૈયાર થઇ જશે.
પુણે સ્થિત કંપનીમાં તૈયાર થઈ રહી છે વેક્સિન
તેમણે જણાવ્યું કે,”આ સીરમ પુણે સ્થિત સીરમ કંપનીમાં તૈયાર કરવામાં આવશે. નવો પ્લાન્ટ તૈયાર કરવામાં ૩ હજાર કરોડ અને ૨ વર્ષનો સમય લાગશે. તેના માટે અમે અહીંયા બાકી બધી વેક્સિનનું ઉત્પાદન બંધ કરી દેશું. પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે આ પ્રોજેક્ટમાં ૧૫ કરોડ ડોલરનો ખર્ચ આવશે. અમને આશા છે કે સરકાર પણ ભાગીદાર બનશે, જેના લીધે અમે ખર્ચને રિકવર કરી શકશું.”
ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને વેક્સિન ઉત્પાદન
સીઇઓ એ જણાવ્યું કે ભારતમાં આ વેક્સિનની કિંમત અપેક્ષાકૃત ઓછી હશે. બ્રિટન જેવા દેશોમાં ભારત થી ૧૦ ગણી વધારે કિંમત પર વેક્સિન મળશે. જણાવી દઈએ કે પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા એ ૭ વૈશ્વિક કંપનીઓમાં સામેલ છે, જેમની સાથે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ વેક્સિન ઉત્પાદન માટે ભાગીદારી કરી છે.