સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે ત્યારે લોકડાઉનને કારણે લોકોના ધંધા રોજગાર બંધ પડેલા છે. જેના કારણે લોકોને આર્થિક અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધા રોજગાર બંધ હોવાને કારણે લોકોને ઘરનો ખર્ચ તથા હપ્તાઓ ભરવામાં મુશ્કેલી થઈ રહી છે. તેવામાં હાલ નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થવાથી બાળકોની ફી ભરવા માટે પણ અમુક સ્કૂલ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં લોકોનું માનવું છે કે કોરોનાનાં આ કપરા સમયમાં સ્કૂલ દ્વારા ફી માફ કરવી જોઈએ.
એક તરફ જ્યાં મોટાભાગની પ્રાઇવેટ સ્કૂલો દ્વારા વાલીઓને ફી આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યાં ગાઝિયાબાદની એક નાની પ્રાઇવેટ સ્કુલ દ્વારા સાર્થક પહેલ કરવામાં આવી છે. મેનેજમેન્ટ દ્વારા આઠમાં ધોરણ સુધીનાં સ્કૂલના તમામ બાળકોની ૩ મહિનાની ફી માફ કરી દેવામાં આવી છે. આ સ્કૂલમાં ૨૫૦થી વધારે બાળકો અભ્યાસ કરે છે અને અંદાજે ૨૫ શિક્ષક છે. સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર વિનુ અને સ્કૂલનાં માલિક મમતા ચૌધરી, બંનેનું કહેવું છે કે ટીચર અને સ્ટાફને પૂરો પગાર આપવામાં આવશે.
તેની ભરપાઈ તેમના બી.એડ કોલેજમાં ચાલી રહેલ કામથી કરી લેવામાં આવશે. જો કે સ્કૂલના પ્રિન્સિપાલનું કહેવું છે કે તેમના આ નિર્ણય બાદ આસપાસની સ્કૂલના માલિકો તમને પરેશાન કરી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે તેમનો આ નિર્ણય પરત લેવામાં આવે પરંતુ મમતા ચૌધરી નું કહેવું છે કે કોરોના યુગની આ કપરી પરિસ્થિતિમાં જો બધા સાથે મળીને લડીશું તો જરૂર સફળતા મળશે. તેવામાં બાળકોની ફી ન લેવી તેમના વાલીઓની મદદ કરવા માટેની આ એક નાની રીત છે.