કોરોના વાયરસ વેક્સિનને લઈને મહત્વનાં સમાચાર, સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાનાં CEO અદાર પુનાવાલાએ જણાવ્યું કે ક્યારે મળશે વેક્સિન

સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા (SII)નાં CEO અદાર પુનાવાલાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કોરોના વાયરસની વેક્સિનને લઈને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે SII દ્વારા ઉત્પાદિત ઓક્સફોર્ડ કોરોના વાયરસનાં ૧૦૦ મિલિયન ડોઝની પહેલી બેચ વર્ષ ૨૦૨૧નાં બીજા અથવા ત્રીજા ક્વાર્ટર સુધીમાં ઉપલબ્ધ થઇ શકશે. પુનાવાલાએ કહ્યું હતું કે, ઓક્સફર્ડની કોરોના વાયરસ વેક્સિન ખુબ જ સસ્તી હશે. પુનાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે પહેલી વખતમાં ૧૦૦ મિલિયન ડોઝ ઉપલબ્ધ કરાવવાના લક્ષ્ય પર કામ કરી રહ્યા છીએ. આ ૨૦૨૧નાં બીજા અથવા ત્રીજા ક્વાર્ટર સુધી ઉપલબ્ધ થઈ જવા જોઈએ.”

તેમણે કહ્યું હતું કે, “વર્તમાન પ્રગતિને ધ્યાનમાં રાખીને હું કહીશ કે પરીક્ષણની પ્રક્રિયા લગભગ ડિસેમ્બરનાં અંત સુધી સમાપ્ત થઈ જશે અને જો બધું યોગ્ય રહ્યું તો પછી આપણે જાન્યુઆરીમાં રસી લગાવવામાં સક્ષમ બની જઈશું. અમે પહેલાં જ તેની સફળતાને ધ્યાનમાં રાખીને ફેક્ટરીમાં પ્રોડક્શન શરૂ કરી દીધું છે.”

પુનાવાલા કહ્યું હતું કે, “જો બ્રિટન, કે જ્યાં એડવાન્સ ટ્રાયલ ચાલી રહ્યા છે, તેમના દ્વારા અમારી સાથે ડેટા શેર કરવામાં આવશે, તો અમે તાત્કાલિક ટ્રાયલ માટે સ્વાસ્થ્ય મંત્રાલયમાં આવેદન કરીશું અને જો ત્યાંથી તેને મંજૂરી મળી ગઈ તો અમે તે ટેસ્ટ ભારતમાં પણ કરી શકીશું અને જો આ બધું સફળ રહ્યું તો આગામી ડિસેમ્બરનાં મધ્ય સુધીમાં આપણી પાસે વેક્સિન હોઈ શકે છે.”

સીરમ ઇન્સ્ટિટયૂટ, જે વેક્સિનનું ઉત્પાદન કરવાની ક્ષમતાના મામલામાં દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની છે. કોરોના વાયરસને અટકાવવા માટે એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિનનાં ઉત્પાદન સહિત ઘણી વેક્સિન પર કામ કરી રહ્યું છે. એસ્ટ્રાજેનેકા-ઓક્સફર્ડની વેક્સિન દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર રહેલી છે. તે સિવાય સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા (SII) પોતાની વેક્સિન પણ બનાવી રહ્યું છે.

જણાવી દઈએ કે હાલના સમયમાં વિશ્વ સ્તર પર ૧૫૦થી વધારે કોરોના વાયરસની વેક્સિનનાં વિકાસ અને પરીક્ષણ પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી ૩૮નું માનવ પરીક્ષણ ચાલી રહ્યું છે. મોડર્ન ઇંક, ફાઇઝર ઇંક અને એસ્ટ્રાજેનેકા પીએલસી જેવી ફાર્માસ્યુટિકલની વેક્સિન પરિક્ષણનાં અંતિમ સ્ટેજમાં છે.