દરેક શુભ કાર્યની શરૂઆત ભગવાન શ્રીગણેશ થી શા માટે કરવામાં આવે છે? સૌથી પહેલા “શ્રી ગણેશાય નમઃ” શા માટે લખવામાં આવે છે

Posted by

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશજીની પુજા સૌથી પ્રથમ દેવનાં રૂપમાં થાય છે. કોઈપણ શુભ કાર્ય કરવા પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પુજા-અર્ચના થાય છે. માન્યતા છે કે બાપા પોતાના ભક્તોના બધા દુઃખ દુર કરે છે, એટલા માટે તેમને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. દર વર્ષે ભાદરવા માસમાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનું પર્વ ઉજવવામાં આવે છે. કોઈપણ પુજા, આરાધના, અનુષ્ઠાનમાં સૌથી પહેલા ભગવાન ગણેશજીને પુજવામાં આવે છે. કોઈપણ કામનો શુભારંભ કરતા સમયે સર્વ પ્રથમ “શ્રી ગણેશાય નમઃ” લખવામાં આવે છે. એટલે કે દરેક સારા કામની શરૂઆત ભગવાન ગણેશનું નામ લઈને જ કરવામાં આવે છે. પરંતુ એવું કેમ?

એક પ્રચલિત કથા પ્રમાણે બધા દેવતાઓમાં એકવાર આ વાતને લઇને વિવાદ થયો કે સૌથી પહેલા કયા ભગવાનની પુજા કરવી જોઈએ. બધા દેવતાઓનું પોતાનું મહત્વ અને કાર્ય છે. બધા ભગવાન વચ્ચે ચર્ચા થઈ અને દરેક પોતાને સર્વશ્રેષ્ઠ બતાવવા લાગ્યા. ત્યારે નારદમુની પ્રગટ થયા અને તેમણે દેવતાઓને ભગવાન શિવ પાસે જવા માટે કહ્યું. બધાની વાત સાંભળી શિવજીએ કહ્યું કે જે પણ દેવતા આ આખા બ્રહ્માંડનું ચક્કર લગાવીને સૌથી પહેલા આવશે તે સર્વ પ્રથમ પુજનીય માનવામાં આવશે.

બધા દેવતા પોતાના વાહનો પર સવાર થઈ બ્રહ્માંડનું ચક્કર લગાવવા નીકળી ગયા. ગણેશજીએ પણ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. બધા દેવી-દેવતા જ્યારે બ્રહ્માંડનું ચક્કર લગાવી રહ્યા હતા, ત્યારે ગણેશજીને એક વિચાર આવ્યો અને તેમણે પોતાના માતા-પિતાના સાત ચક્કર લગાવી દીધા. બધા દેવતાઓ બ્રહ્માંડનું ચક્કર લગાવીને જ્યાં સુધી ભગવાન શિવ પાર્વતી પાસે પહોંચ્યા, ત્યાં સુધીમાં ગણેશજી પ્રતિયોગિતા જીતી ચુક્યા હતા.

બધા દેવતા અને ગણેશજીનાં ભાઈ કાર્તિક અચંબિત થઈ ગયા. ત્યારે શિવજીએ કહ્યું આ સંસારમાં માતા-પિતાને સમસ્ત બ્રહ્માંડ અને લોકમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત છે. માતાનાં ચરણોમાં જ સમસ્ત સંસારનો વાસ હોય છે. જેના કારણે ગણેશજીએ પોતાના માતા-પિતાનાં ચક્કર લગાવ્યા અને આ પ્રતિયોગિતા જીતી ગયા. આ પ્રકારથી સૌથી પહેલા ભગવાન ગણેશજીની પુજા કરવામાં આવે છે.

કેમ સૌથી પહેલા લખાય છે “શ્રી ગણેશાય નમઃ”

ગણ શબ્દ વ્યાકરણ માં પણ આવે છે. અક્ષરોને ગણ કહેવાય છે. અક્ષરોનાં ઈશ એટલે કે દેવતા હોવાના કારણે પણ ગજાનંદને “ગણેશ” કહેવામાં આવે છે. છંદ શાસ્ત્રમાં મગણ, નગણ, ભગણ, યગણ, જગણ, રગણ, સગણ, તગણ આ આઠ પ્રકારનાં ગણ હોય છે. તેના સ્થાપક દેવતા હોવાને કારણે તેમને ગણેશ કહેવામાં આવે છે. એટલા માટે લેખન, કવિતા, વિદ્યારંભ સમય ગણેશની સૌથી પહેલા પુજા કરવામાં આવે છે. જ્યારે ભોજન થી લઈને ચિઠ્ઠી આમંત્રણ પત્રિકામાં સૌથી પહેલા “શ્રી ગણેશાય નમઃ” લખાય છે, જેથી લેખનમાં કોઈ ભુલ ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *