કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન ૪.૦ ની ઘોષણા કરી દેવામાં આવી હતી. લોકડાઉન ને હવે ૩૧ મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જેમાં દરેક રાજ્ય પોતાની ગાઇડલાઇન રજૂ કરશે, જેના અનુસાર જે તે રાજ્યમાં છૂટછાટ આપવામાં આવશે. જેમાં ક્યાં રોજગાર ધંધા ચાલુ કરવામાં આવશે તે અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
સૂત્રો અનુસાર માહિતી મળી હતી કે પાનના ગલ્લા ચાલુ કરવાનું સરકાર વિચારણા કરી રહી છે. જેને લઈને હાલમાં મોટા સમાચાર મળી રહ્યા છે કે, સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં ગ્રીન અને ઓરેન્જ ગ્રીન ઝોન વિસ્તારમાં પાનના ગલ્લા, ફરસાણની દુકાનો, ચાની કેન્ટીન વગેરે ધંધાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
આ સમગ્ર વેપાર-ધંધાને જે તે ધંધાર્થીએ સરકાર દ્વારા જણાવવામાં આવેલ ગાઇડલાઇનનું પાલન પોતે કરવાનું રહેશે અને ગ્રાહકો પાસે પણ કરાવવાનું રહેશે. સરકારે જાહેરમાં થૂંકીને ગંદકી ફેલાવનાર વ્યક્તિને ૨૦૦ રૂપિયાનો દંડ અને જાહેરમાં માસ્ક ના પહેરેલ વ્યક્તિને પણ ૨૦૦ રૂપિયાનો દંડ કરવાની જાહેરાત કરી છે.
હાલમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે લોકડાઉન કરવામાં આવેલ છે. જેના કારણે મોટાભાગના ધંધા-રોજગાર બંધ પડેલા છે. તેવામાં પોતાના વતનથી દૂર ધંધા રોજગાર માટે અન્ય શહેરમાં વસતા લોકો માટે કપરો સમય સાબિત થઇ રહ્યું છે. નોકરી ધંધા બંધ હોવાને કારણે ઘર ચલાવવું પણ કપરુ બની રહ્યું છે.
સુરતમાં વસતા લોકો હવે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ જઈ શકે તેના માટે બસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેની માહિતી કુમાર કાનાણી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવી છે. તેના માટેનું બુકિંગ કરાવવું જરૂરી છે, જે બુકિંગ ફક્ત ૩ દિવસ સુધી કરવામાં આવશે. તારીખ ૧૮ થી ૨૦ સુધી આ બસનું બુકિંગ કરવામાં આવશે.
ત્યારબાદ બસનું બુકિંગ ચાલુ રહેશે કે નહીં તેની હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી. આ બસ દ્વારા સુરતમાં વસતા લોકો ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જઈ શકશે તેવી જાહેરાત કુમાર કાનાણી દ્વારા કરવામાં આવી હતી.