મનુષ્યને કઈ ઉંમર સુધી તેના પાપની સજા મળતી નથી, ભગવાન પણ આ ઉંમર સુધીનાં બધા જ પાપ માફ કરી આપે છે

Posted by

મિત્રો જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવો નથી, જેણે પોતાના જીવનકાળમાં ક્યારેય પણ એક નાની ભુલ ન કરેલી હોય. પરંતુ શું તમે જાણો છો કે આપણા જીવનમાં અમુક એવી ભુલો અથવા પાપની સજા આપણે ભોગવવી પડે છે. આપણા જીવનકાળમાં અમુક સમય એવો આવે છે જે સમયમાં જો આપણે કોઈ ભુલ કરેલી હોય અથવા તો પાપ કરીએ છીએ તો તેની સજા આપણને મળતી નથી. તો ચાલો જાણીએ કે આપણા જીવનમાં એવો કયો સમય આવે છે, જે સમયે કરવામાં આવેલ પાપ અથવા ભુલની સજા આપણે ભોગવી પડતી નથી.

Advertisement

પૌરાણિક કથાઓ અનુસાર એક સમયે પૃથ્વી પર એક માંડવ નામના ઋષિ હતા. તે ખુબ જ મોટા તપસ્વી અને ધર્માત્મા હતા. એક દિવસ તેમના આશ્રમમાં અમુક લોકો ભાગીને આવી રહ્યા હતા અને તેમણે ઋષિ પાસે શરણ માંગી. તે લોકો ચોર હતા, જે કોઈ રાજ્યમાં ચોરી કરીને ભાગી રહ્યા હતા અને તેમની પાછળ રાજ્યના સૈનિકો તેમનો પીછો કરી રહ્યા હતા. ચોર મહર્ષિ માંડવ નાં આશ્રમમાં શરણ આપવા માટે તેમને વિનંતી કરવા લાગ્યા. મહર્ષિને જાણ હતી નહીં કે આ લોકો ચોરી કરીને આવી રહ્યા છે અને આ બધા ચોર છે. મહર્ષિ એ તેમની વિનંતી સાંભળીને તેમને શરણ માટે પોતાના આશ્રમમાં સ્થાન આપ્યું.

ત્યારબાદ તે રાજ્યના સૈનિકો પણ તે ઋષિના આશ્રમ સુધી આવી પહોંચ્યા અને મહર્ષિના આશ્રમમાં તલાશ કરવા લાગ્યા, પરંતુ બધા ચોર પોતાનો લુંટેલો ખજાનો તે આશ્રમમાં છુપાવીને ભાગી ચુક્યા હતા અને જ્યારે સૈનિકોને ત્યાંથી છુપાયેલો ખજાનો ઋષિના આશ્રમમાંથી મળ્યો તો તે ઋષિને ચોર માનીને તેને રાજાના દરબારમાં લઈ ગયા. ત્યારે સૈનિકોએ રાજાને સમગ્ર ઘટના જણાવી. ત્યારબાદ રાજાએ મહર્ષિને ચોર માનીને તેમને ફાંસી પર ચડાવવાની સજા સંભળાવી. જ્યારે મહર્ષિને ફાંસી પર ચઢાવવામાં આવ્યા તો તેમનું મૃત્યુ થયું નહીં અને તેમણે પીડા સહન કરવી પડી. આ દ્રશ્ય જોઈને તે રાજાને અહેસાસ થઈ ગયો કે તે કોઈ ચોર નહીં પરંતુ સામાન્ય ઋષિ છે. ત્યારે રાજા ક્ષમા માંગવા લાગ્યા કે, “હે ઋષિ શ્રેષ્ઠ, અમને માફ કરી દો. અમારાથી ખુબ જ મોટી ભુલ થઈ ગઈ છે.”

ત્યારે મહર્ષિ એ કહ્યું કે, “હે રાજા, હું તમને તો માફ કરી દઈશ પરંતુ તે ધર્મરાજ ને માફ નહીં કરું.” એટલું જ નહીં તેમણે પોતાના તપોબળથી યમલોક તરફ પ્રસ્થાન કર્યું અને ત્યાં પહોંચીને યમરાજને પુછ્યું કે, હે ધર્મરાજ, મે મારા જીવનમાં કોઈપણ પાપ નથી કર્યું. મેં હંમેશા પરમાત્માની ભક્તિ, ધર્મ અને આચરણ કરીને જીવન પસાર કર્યું છે, તો મારે જીવનમાં આવો કષ્ટદાયક સમય શા માટે ભોગવવો પડ્યો?” ત્યારે યમરાજે ઋષિ માંડવને કહ્યું કે, હે મહર્ષિ, તમે પોતાના બાળપણમાં પતંગિયા ને પકડીને તેની પાંખમાં સોઈ ખુંચાડતા હતા. આ તે પાપનું પરિણામ હતું.”

આ સાંભળીને માંડવ ઋષિએ ધર્મરાજ ને કહ્યું કે, ધર્મશાસ્ત્રો અનુસાર જન્મથી લઈને ૧૨ વર્ષની ઉંમર સુધી બાળક જે પણ કર્મ કરે છે તે પાપ માનવામાં આવતું નથી. કારણ કે જન્મથી લઈને ૧૨ વર્ષ સુધી પાપ પુણ્યનું જ્ઞાન હોતું નથી. જેથી તમારાથી મોટી ભુલ થયેલી છે, તેનું પરિણામ તમારે પણ ભોગવવું પડશે.” ત્યારે મહર્ષિ માંડવે યમરાજ ને શ્રાપ આપીને કહ્યું હતું કે, “તમારે પૃથ્વી લોક ઉપર જઈને માનવ રૂપમાં જાણતા અજાણતામાં ભુલ થશે અને જ્યારે તમે વિદ્વાન થશો, ત્યારે તમારી નીતિ કોઈ માનશે નહીં.” આ શ્રાપને લીધે યમરાજે દ્વાપર યુગમાં વિદુરના રૂપમાં જન્મ લીધો હતો.

તો શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે ભગવાન પણ બાળપણમાં જાણતા અજાણતામાં થયેલી ભુલોને માફ કરી દેતા હોય છે. તો મિત્રો આ કથાથી આપણને સમજમાં આવી ગયું હશે કે જન્મથી લઈને ૧૨ વર્ષની ઉંમર સુધી વ્યક્તિએ કરેલા કર્મોનું ફળ તેને ભોગવવું પડતું નથી. કારણ કે તે અબુધ હોય છે. જેના કારણે તેના બધા કર્મ માફ થઈ જાય છે અને ત્યારબાદ જ્યારે ધીરે ધીરે તેની અંદર જ્ઞાનનો પ્રભાવ થવા લાગે છે, તો તે ધર્મ-અધર્મ કર્મોથી પરિચિત થવા લાગે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.