ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉન ૪.૦ને નવા રૂપરંગ સાથે રજૂ કર્યું હતું. તેમણે પોતાના સંદેશમાં કહ્યું હતું કે ગુજરાતની જનતા અને કોરોના વોરિયર્સ યોદ્ધાઓ કોરોના સામે લડી રહ્યા છે. ગુજરાતની જનતાએ લોકડાઉન માં સારો સહકાર આપ્યો છે. લોકોને લોકડાઉનને કારણે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો તેમ છતાં પણ તેમણે સહકાર આપ્યો છે. સરકારી તંત્રના અધિકારીઓ, ડોક્ટરો, નર્સો, સફાઈ કર્મચારીઓ, પોલીસકર્મીઓ વગેરે એ પોતાના જીવની પરવા કર્યા વગર આ જંગમાં રાત-દિવસ પોતાની સેવા બજાવી છે, તે બદલ હું તમામનો ધન્યવાદ માનું છું અને તેમને અભિનંદન પાઠવું છું.
લોકડાઉન ૪.૦ વિશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ સિવાય કોઈપણ છૂટછાટ આપવામાં આવશે નહીં. તથા જે સ્વાસ્થ્ય સેવાઓ ત્યાં શરૂ રાખવામાં આવી હતી તે ચાલુ રહેશે. વળી આગામી સમયમાં તે વિસ્તારમાં આવતા કોરોના કેસોનાં આધાર પર તેનુ રિવ્યુ કરવામાં આવશે. આવશ્યક વસ્તુઓ માટે સવારે ૮ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં આરોગ્ય સેવાઓમાં પણ છૂટછાટ આપવામાં આવી છે.
તે સિવાય નોન કન્ટેન્ટ ઝોનમાં સવાર ના ૮ વાગ્યાથી લઈને બપોરના ૪ વાગ્યા સુધી દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. અગાઉ કેન્દ્ર સરકારે આપેલ ગાઈડલાઈન અનુસાર સવારના ૭ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી આવશ્યક ચીજ વસ્તુઓ અને જરૂરિયાત માટે બહાર નીકળી શકાશે. પરંતુ સાંજે ૭ વાગ્યાથી લઇને સવારે ૭ વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. વળી શાળા-કોલેજ અને કોચિંગ ક્લાસ બંધ રહેશે. તે સિવાય સ્વિમિંગ પૂલ, જીમ, પાર્ક, મલ્ટિપ્લેક્સ અને જાહેર કાર્યક્રમો પણ બંધ રાખવામાં આવેલ છે.
ખાનગી બસ સેવા અને સિટી બસ સેવાની મંજૂરી કન્ટેન્ટ વિસ્તારમાં આપવામાં આવી નથી. અમદાવાદ અને સુરત સિવાય કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર સમગ્ર રાજ્યમાં ઓટોરિક્ષા ચાલુ કરવામાં આવેલ છે. પરંતુ રીક્ષામાં વધુમાં વધુ બે પેસેન્જરને બેસાડવામાં આવશે. તે ઉપરાંત માર્કેટ ઍરિયા અને શોપિંગ કોમ્પ્લેક્ષને પણ ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ તેમાં ઓડ-ઈવન ના નિયમ પ્રમાણે દુકાન ખોલવાની રહેશે. મતલબ કે ૫૦% દુકાનો એક દિવસે ખુલ્લી રહેશે અને બાકીની ૫૦% દુકાનો બીજા દિવસે ખુલ્લી રહેશે. વળી એક દુકાનમાં ૫ થી વધારે ગ્રાહકો ન હોવા જોઈએ.
સાથોસાથ સરકારી સમગ્ર ગુજરાતમાં એસટી બસ શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી, પરંતુ એસટી બસને અમદાવાદમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. લોકો પાન-માવા ની દુકાન ખોલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે પણ હવે સારા સમાચાર આવી ગયા છે. કન્ટેન્ટ સિવાય પાન-માવાની દુકાન ખોલવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ દુકાન પર ટોળા ભેગા ન થવા જોઈએ. પાન-માવા ની દુકાનેથી વસ્તુઓ લઈને ગ્રાહકોએ ફટાફટ નીકળી જવાનું રહેશે. સાથોસાથ હેર સલૂન અને બ્યુટી પાર્લરને પણ ખોલવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ તેઓએ સામાજિક અંતરનો કડકાઇથી પાલન કરવાનું રહેશે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં શહેરની બહાર હાઇવે પર ધાબા અને રેસ્ટોરન્ટને પણ સામાજિક અંતરનું પાલન કરીને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જે ઓફિસો એક દિવસે ઝોનની બહાર છે, તેઓ ૩૩ ટકા કર્મચારીઓની સાથે પોતાની ઓફિસ ખોલી શકે છે. તમામ પ્રકારના ગેરેજ અને વર્કશોપ પણ ચાલુ કરી શકાશે. ટુ વ્હીલરમાં ૧ વ્યક્તિ અને ફોર વ્હીલર માં ડ્રાઈવર સિવાય ૨ વ્યક્તિ અવરજવર કરી શકશે.
સુરત શહેરમાં ટેક્સટાઇલને પણ પરવાનગી આપવામાં આવી છે, પરંતુ તેમાં લોકોએ સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે. સમગ્ર રાજ્યમાં ટ્રાન્સપોર્ટેશનને પણ છૂટછાટ આપવામાં આવી છે. મંગળવારથી આ બધી જ ગાઇડલાઇન નું પાલન કરવામાં આવશે. તે સિવાય મોઢા પર માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર વ્યક્તિને ૨૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે.