વિશ્ર્વપ્રસિદ્ધ કાષ્ઠ ઉદ્યોગે ગુજરાતનું નામ રોશન કર્યું છે. કાષ્ઠ ઉદ્યોગનું નામ પડતાં જ સંખેડા યાદ આવી જાય છે. સંખેડાનું ફર્નિચર ઘરમાં હોયતો આખો લૂક બદલાઈ જાય છે. લાકડાનાં વિવિધ Shape અને colour વાળાં સંખેડાનાં ફર્નિચર વસાવવા એ ગૌરવની વાત ગણાય છે. ગુજરાતનાં આ ગામમાં કાષ્ઠ ઉદ્યોગની શરૂઆત ક્યારથી અને કઇ રીતે થઈ એનો રોચક ઇતિહાસ છે. આજે એનાં ઉપર એક નજર ફેરવી લઇએ.
દેખાવમાં આકર્ષક લાગતાં સંખેડાનાં ફર્નિચર સાગનાં લાકડામાંથી બને છે. લાખ નામનો એક પદાર્થ કિડામાંથી પેદા થાય છે. જે લાક્ષા નામથી પ્રખ્યાત છે. મહાભારતમાં લાક્ષાગૃહનો ઉલ્લેખ કરવામાં આવ્યો એજ આ પદાર્થ… જે પ્રાકૃતિક છે. લાખ આ સિવાય પણ અનેક ઉપયોગમાં લઈ શકાય છે. સંખેડા નામનું ગામ વડોદરાથી લગભગ ૪૫ કિલોમીટરનાં અંતરે આવેલું છે. આ ઉદ્યોગે સંખેડાની આખી રોનક બદલી નાખી છે. સંખેડામાં જ્યાં જુઓ ત્યાં તમને રંગબેરંગી આકર્ષક ફર્નિચર જોવાં મળશે. આમ એ ગૃહઉદ્યોગ બની ગયો છે. લાખો લોકોને એ રોજગારી તો આપે છે એમ કિંમતી હૂંડિયામણ કમાઇ આપે છે.
સત્તરમી સદીમાં ફ્રાંસિસી લેખક જ્યોર્જ રોક્કેસ અને એક બ્રિટિશર જેમ્સ ફોર્બસ આ ઉદ્યોગની સ્થાપના કરવામાં નિમિત્ત બની ગયાં હતાં. એમ કહેવાય છે કે, એ જમાનામાં ટીકવૂડ લાકડાને વલસાડથી મંગાવવામાં આવતું હતું અને ઉત્પાદનોને સુરત અને ખંભાત બંદરથી નિકાસ કરવામાં આવતાં. એવી હતી આ ઉદ્યોગની જાહોજલાલી… સંખેડા કાષ્ઠ ઉદ્યોગની પાછળ અનેક દંતકથાઓ વણાયેલી છે. એક રહસ્યમય વ્યક્તિએ સંખેડા ગામમાં કાષ્ઠકલાનો સદીઓ પહેલાં આરંભ કર્યો એ પછી તે કાયમી ઓળખ બની રહી. લાકડા અને લાખ કોટીંગનાં ઉપયોગ થકી એ ઉદ્યોગ વિશ્વભરમાં મશહૂર બની ગયો. આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ ખાતે એક પ્રશિક્ષણ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.
ઘરસજાવટનાં આકર્ષક ફર્નિચર ઉપરાંત હેંગીંગ ઝૂમર, ખુરશી, પેનસ્ટેન્ડ, રંગબેરંગી ફૂલો, રમકડાં, કિચનવેર, વાસણો દેવ-દેવીઓની મુર્તિ સહિત અઢળક વેરાઇટીઓ બનાવવામાં આવે છે. બીજા ધાતુની જેમ લાકડાની બનાવેલી વસ્તુઓ તકલાદી નહીં પણ ટકાઉ હોય છે. લગ્નપ્રસંગ જેવાં પ્રસંગોએ કાષ્ઠની બનેલી વસ્તુઓ લોકો ભેટ આપવાં હોંશે હોંશે ખરીદે છે.
ગત ૫ જુલાઇ ૨૦૦૭ નાં રોજ “સંખેડા ફર્નિચર” નામથી આ ઉદ્યોગની પેટન્ટ ડિઝાઇન અને ટ્રેડમાર્કને નિયંત્રક જનરલ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યાં હતાં. તથા હસ્તશિલ્પ કક્ષાની સુચિમાં એનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ લેખમાં સંખેડા ઉદ્યોગની ફક્ત પ્રાથમિક માહિતી આપવામાં આવી છે. પરંતુ નાનકડાં એવાં સંખેડા ગામમાં આ ઉદ્યોગે કેવું કાઠું કાઢ્યું છે તે તમે નજરે જોશો ત્યારે જ ખ્યાલ આવશે. સંખેડા ગામમાં ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેન્કોની અનેક શાખાઓ આવેલી છે. હસ્તઉદ્યોગને કારણે ગામ આર્થિક રીતે ઘણું સદ્ધર છે. કોઇ વસ્તુ ખરીદ કરો કે ના કરો પણ એકવાર સંખેડાની મૂલાકાત લેવાં જેવી ખરી.
લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર સુરત)