ગુજરાતની આ જગ્યામાં તમને સ્વર્ગનો અનુભવ થશે, કુદરતી સોંદર્ય અને ખળ-ખળ વહેતા ધોધનો ખજાનો છે

અત્યારની શહેરી લાઈફસ્ટાઈલ થી દરેક લોકો કંટાળી ગયા હોય છે. પુરુષો નોકરીમાં આખો દિવસ વ્યસ્ત રહે છે, જ્યારે મહિલાઓ ઘરકામમાં વ્યસ્ત રહેતી હોય છે. એટલા માટે વીકેન્ડમાં લોકો બહાર ફરવા જવાનો પ્લાન બનાવે છે. પરંતુ સવાલ એવો ઉભો થાય છે કે શહેરથી દુર એવી કઈ જગ્યા છે જ્યાં કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકાય અને જેનાથી આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. જો તમે પણ ફેમિલી સાથે એક દિવસ બહાર ફરવાનો પ્લાન બનાવવા માંગો છો, તો અમે તમને જણાવીશું એક એવી જગ્યા વિશે જ્યાં તમને કુદરતના ખોળામાં હોવાનો અનુભવ થશે.

જો તમે પણ પોતાની રૂટિન લાઈફથી કંટાળીને કોઈ નવી જગ્યા પર જોવા માંગો છો તો તમારા માટે મહલ ઇકો કેમ્પસાઇટ એક ઉત્તમ જગ્યા છે.. મહલ ઉત્તર ડાંગ જંગલ વિભાગ આહવામાં પુર્ણા નદીના કાંઠે આવેલું છે. તે સુરત શહેરથી અંદાજે ૧૨૫ કિલોમીટર અને વાંસદા શહેરથી અંદાજે ૫૮ કિલોમીટર જેટલું દુર આવેલું છે. અહીંયા કુદરતી ખોળામાં તમને સ્વર્ગનો અનુભવ થશે. અહીં લીલોતરી દરેક વ્યક્તિનું મન મોહી લેતી હોય છે.

આપણે શહેરમાં ભાગદોડથી ભરેલું જીવન પસાર કરીએ છીએ, જેથી આપણે સપ્તાહમાં એક દિવસ શાંતિ શોધવાનો પ્રયાસ કરીએ છીએ. સાથોસાથ જો તમે પ્રકૃતિનો આનંદ મેળવવા માંગો છો તો સાહસિક પ્રવૃત્તિઓને માણવા માટે પુર્વા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી પણ સૌથી ઉત્તમ જગ્યા માનવામાં આવે છે. અહીંયા તમને પ્રકૃતિની સાચી સુંદરતા જોવા મળશે.

અહીંયાનું મુખ્ય આકર્ષણ ઠેર-ઠેર આવેલ ધોધ અને નદીઓ છે. લીલાછમ જંગલ અને કુદરતી વાતાવરણમાં અહીંયા દરેક જગ્યાએ નદી અને ધોધ જોવા મળે છે. અમુક ધોધ એવા છે જેને જોઈને તમને એવું લાગશે કે સ્વર્ગ અહી જ છે. કુદરતની આવી સુંદરતા ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળી શકે છે. સ્વચ્છ હવા અને ચોખ્ખું વાતાવરણ તમારા મનને પ્રફુલ્લિત કરી નાખશે.

સામાન્ય રીતે તો અહીંયા જવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસાનો છે, પરંતુ દરેક ઋતુમાં આ જગ્યા નો આનંદ માણી શકાય છે. જો તમે કોઇ વાહન દ્વારા અહીં જવા માંગો છો તો પ્રવેશ માટે વાહન દીઠ ૨૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. મહલ ઇકો કેમ્પસાઇટ માં પ્રવેશ કર્યા બાદ કોટેજ સુધી પહોંચવા માટે ૧.૫ કિલોમીટરનું અંતર કાપવું પડે છે. અહીંયા અંદર જવા માટે કોઇ વાહનની વ્યવસ્થા નથી એટલે તમને સુચન કરવામાં આવે છે કે પોતાના વાહન દ્વારા જ અહીં જવું.

જો તમે કેમ્પ સાઇટમાં રાત્રી રોકાણ કરવા માંગો છો તો હવે અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. અહીંયા તમે રાત્રી રોકાણ કરીને જંગલના કુદરતી વાતાવરણની મજા માણી શકો છો. તમે અહીંયા જંગલ વિસ્તારમાં કેમ્પિંગ નો આનંદ પણ માણી શકો છો. રાત્રી રોકાણ માટે અહીંયા તંબુ તથા એસી કોટેજ પણ બનાવવામાં આવેલ છે.

કોટેજ ની દીવાલો ઉપર ડાંગની પરંપરાગત આર્ટક્રાફ્ટ ની ઝાંખી પણ જોવા મળે છે. અહીં તમે પોતાના પરિવાર તથા મિત્રો સાથે રાત્રિના સમયે કેમ્પ ફાયર ની મજા પણ લઈ શકો છો. મહલમાં ટ્રેકિંગ પોઇન્ટ પણ છે, જે કરંજવા ટ્રાયલ નામથી જાણીતું છે. સુંદર અને ઊંચા વૃક્ષોથી ઘેરાયેલ, આ ટ્રેકિંગ પોઇન્ટ પુર્વા નદીના કિનારે આવેલું છે.