ઇન્ડિયન પ્રીમિયર લીગના આયોજનને લઇને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આઇપીએલ-૧૩ ની શરૂઆત ૧૯ સપ્ટેમ્બર થી થશે અને ટુર્નામેન્ટની ફાઇનલ ૮ નવેમ્બરના રોજ રમાડવામાં આવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેન બ્રિજેશ પટેલે આ વાતની સત્તાવાર જાહેરાત કરી હતી. આ પહેલા બ્રિજેશ પટેલે ઘોષણા કરી હતી કે આ આ વર્ષે આઇપીએલ યુએઈમાં રમાડવામાં આવશે. કોરોના વાઇરસને કારણે આઇપીએલનું આયોજન નકકી કરેલ સમય પણ થઈ શક્યું ન હતું. પરંતુ વર્લ્ડ કપ રદ થવાને કારણે બીસીસીઆઇ માટે આઈપીએલના આયોજનનો રસ્તો ચોખ્ખો બની ગયો હતો.
ગુરુવારે આ આ બાબતનો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે ટુર્નામેન્ટનું આયોજન ૧૯ સપ્ટેમ્બર ના થઈ શકે છે. હકીકતમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે બીસીસીઆઈ એક દિવસમાં એક જ મેચ રમાડવાનું આયોજન કરવા માંગે છે, એટલા માટે ટુર્નામેન્ટને જલ્દી શરૂ કરવામાં આવી શકે છે. બ્રિજેશ પટેલે સ્પષ્ટ કરી દીધું કે આઈપીએલનું આયોજન ૫૧ દિવસ સુધી ચાલશે.
ખૂબ જ જલ્દી રજૂ થશે શેડ્યુલ
જોકે હજુ સુધી બોર્ડ તરફથી આઇપીએલ શેડ્યુલ અને મેચની સંખ્યા વિશે જાણકારી આપવામાં આવી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે આગલા એક સપ્તાહની અંદર બીસીસીઆઇ આઇપીએલનું શેડ્યુલ રજૂ કરી શકે છે. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક માં આ વાત પર નિર્ણય લેવામાં આવશે.
તે સિવાય એવા પણ સમાચાર આવી રહ્યા છે કે આઈપીએલની બધી જ ફ્રેન્ચાઇઝી પોતાના ખેલાડીઓની સાથે એક મહિના પહેલા જ યુએઈ પહોંચી શકે છે. આઈપીએલમાં ભાગ લેનાર મોટાભાગના ક્રિકેટર્સે પાછલા ૪ મહિનાથી મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા નથી. ખેલાડીઓએ પોતાની જૂની લય પ્રાપ્ત કરવા માટે ૩ થી ૪ સપ્તાહનો સમય લાગી શકે છે. એટલું જ નહીં ફ્રેન્ચાઇઝી પોતાના ખેલાડીઓની વચ્ચે પ્રેક્ટિસ મેચનું પણ આયોજન કરાવી શકે છે.
જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનનું આયોજન ૨૮ માર્ચથી થવાનું હતું, પરંતુ કોરોના વાયરસને કારણે પહેલા ટુર્નામેન્ટને ૧૫ એપ્રિલ સુધી પાછળ ધકેલવામાં આવી હતી અને પછી લોકડાઉન વધવાને કારણે અનિશ્ચિતકાળ માટે તેને સ્થાપિત કરી દેવામાં આવી હતી. જોકે ભારતમાં કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે, એટલા માટે બોર્ડ દ્વારા યુએઈને સૌથી સારો વિકલ્પ સમજવામાં આવ્યો છે. યુએઈમાં મેદાન પર દર્શકો હશે કે નહીં તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.