જામનગરનાં યુવકનું બ્રેઇન ડેડ થતાં તેના પરિવારે અંગદાન કર્યું, અંગદાન થી ૬ લોકોને નવજીવન મળશે

ગુજરાતમાં પણ લોકો હવે અંગદાન નું મહત્વ સમજતા થઈ ગયા છે. રાજ્યમાં વધુ એક માનવતા મહેકાવે એવો કિસ્સો જામનગરમાં થી સામે આવી રહ્યો છે. જામનગરનાં રહેવાસી દીપકભાઈ નામનાં વ્યક્તિને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે ડોક્ટરોએ સારવાર દરમિયાન તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. જેથી તેમના પરિવારજનો દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જામનગરમાં દિપકભાઈ ત્રિવેદી નામનાં યુવકને બ્રેઈન સ્ટ્રોક આવ્યો, જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટમાં લઈ જવાયા હતા. પરંતુ ત્યાં ગયા બાદ તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. જેથી તેમના પરિવાર ઉપર આભ તુટી પડયું હતું. જોકે પોતાના નામ દિપક નાં અર્થને સાર્થક કરવા માટે તેમના પરિવારજનોએ અંગદાન કરીને બીજા લોકોના જીવનમાં પ્રકાશ પ્રજ્વલિત કરવાનો નિર્ણય કર્યો હતો.

ત્યારબાદ અમદાવાદની સીમ્સ હોસ્પિટલની ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને ત્યાં તેમનું ધબકતું હૃદય બહાર કાઢી લેવામાં આવ્યું હતું. બાદમાં સિનર્જી હોસ્પિટલ થી ગ્રીન કોરિડોર મારફતે તેમના ધબકતા હૃદય ને સાડા ૬ મિનિટનાં સમયમાં એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યાંથી આકાશ માર્ગે અમદાવાદ લઈ જવામાં આવ્યું હતું. તે ઉપરાંત લીવર, કિડની અને પોતાની આંખોનું દાન કરીને દીપકભાઈએ ૬ વ્યક્તિનાં જીવનમાં ઉજાસ ફેલાવી દીધો હતો.

દીપકને અચાનક માથું દુખવાની સાથે ઉલ્ટી થવા લાગી

જામનગરની પંચવટી સોસાયટીમાં રહેતા દીપક ત્રિવેદી નામના યુવકને સોમવારે સવારે અચાનક માથું દુખવા લાગ્યું હતું અને સાથોસાથ ઉલટી પણ થવા લાગી હતી. બાદમાં તેને જામનગરની જીજી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ. જ્યાંથી તેને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ રાજકોટમાં ટુંકી સારવાર બાદ તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવેલ. ત્યાર બાદ પરિવારજનો દ્વારા તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે દીપક નાં અંગો થકી બીજી ૬ જિંદગીને નવું જીવન મળી જશે. પરિવારજનોએ પુત્રને હંમેશા માટે જીવંત રાખવા માટે આ નિર્ણય લીધો હતો.

બીજાનાં શરીરમાં મારો દીકરો જીવંત રહેશે : પિતા

દીપક ત્રિવેદીનાં પિતા એ મીડિયા સાથે વાતચીત કરવા દરમિયાન જણાવ્યું હતું કે તેમનો દીકરો પોતાના નામને સાર્થક કરીને લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવશે. દીપકના અંગોનું દાન કરવામાં આવ્યું છે, જેના થકી તે અન્ય લોકોના જીવનમાં હંમેશા જીવંત રહેશે. તેના અંગો થકી અમે તેને બીજા લોકોના શરીરમાં કાયમ જીવંત જોઈ શકીશું. ભગવાન તેના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના છે.

બીમારીથી પીડાતા લોકોનું અંગદાન થઈ શકતું નથી

કોઇ પણ વ્યક્તિનો અંગદાન કરતા પહેલા ઘણી બધી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. કિડની, લીવર અને હાર્ટ નાં કેસમાં બ્લડ ગ્રુપ નું મેચિંગ કરવામાં આવે છે. હિપેટાઈટીસ-બી અને સી, એચઆઇવી પોઝિટિવ, સિફિલિસ અને રેબીજ જેવી બીમારીથી પીડાતા લોકો અંગદાન કરી શકવા માટે સક્ષમ હોતા નથી. બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું દાન કરવા માટે શરીરમાંથી બની શકે તેટલું જલ્દી અંગ કાઢી લેવાની કોશિશ કરવામાં આવે છે. વળી ખાસ વાત એ છે કે અંગ કાઢી લીધા બાદ ૬ થી ૧૨ કલાકની અંદર કોઈપણ વ્યક્તિ માં ટ્રાન્સફર થઇ જવું જોઇએ, નહીંતર તે અંગેનું ટ્રાન્સપ્લાન્ટ યોગ્ય રહેતું નથી.

અંગદાન છે અમર બનવાનો સાચો રસ્તો

જો લોકો પોતાના ગયા બાદ પણ અમર બનવા ઇચ્છતા હોય તો તેમણે અંગ દાન અવશ્ય કરવું જોઈએ. મોટાભાગના લોકો દેહ છોડી દીધા બાદ અમર બનવા ઇચ્છતા હોય છે, તેના માટે લોકો સમાધિ રસ્તા ઈમારત અને સંસ્થાઓ બનાવતા હોય છે. જુના જમાનામાં લોકો પોતાના પુર્વજોનાં નામથી મંદિર અને ધર્મશાળા બનાવતા હતા લોકોની ઇચ્છા હોય છે કે તેમના ગયા બાદ પણ તેઓ હંમેશા યાદ રાખવામાં આવે. પરંતુ જો મૃત્યુ બાદ પણ જીવિત રહેવા માંગતા હોય તો અમર બનવાનો સાચો રસ્તો અંગદાન જ છે. દુનિયામાં યાદ રહેવા માટે લાંબા જીવનની જરૂરિયાત નથી, પરંતુ એક પ્રભાવશાળી જીવનની જરૂરિયાત હોય છે.