લોકડાઉન પછી ક્યાં ધંધામાં આવશે સૌથી વધારે તેજી? જાણો નિષ્ણાંતોનો મત

વિશેષજ્ઞોનું માનવું છે કે લોકડાઉન ખતમ થયા બાદ એવા ક્ષેત્ર જે મોટાભાગે લોકોના વિચાર અને વ્યવહાર પર નિર્ભર કરે છે, તેમાં સુધારો આવવામાં સૌથી વધારે સમય લાગશે. જ્યારે જે ક્ષેત્રોને સરકારે કોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે બંધ કરેલ છે, તેમાં સૌથી ઝડપથી સુધારો આવશે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ફાર્મા, ચિકિત્સા, સ્વાસ્થ્ય ઉપકરણ અને ડિજિટલ કંપનીઓ એવા ક્ષેત્રોમાં સામેલ છે, જેમના કારોબારમાં કોરોના વાયરસ મહામારી બાદ ઉછાળો જોવા મળશે.

પૂર્વ દૂર સંચાર અને આઇટી સચિવ આર ચંદ્રશેખરનું કહેવું છે કે ડિજિટલ દુનિયા સાથે જોડાયેલી અને તેનાથી સંબંધિત સેવાઓ આપવાવાળી કંપનીઓ જેમકે મનોરંજન, ઓફિસ સિસ્ટમ અને લોજિસ્ટિક સપ્લાય ચેન જેવી સેવાઓ પૂરી પાડતી કંપનીઓ સારુ પ્રદર્શન કરશે.

તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે અમુક હદ સુધી આવશ્યક વસ્તુઓની માગમાં વૃદ્ધિ થઇ છે અને તેમાં ફરીથી તેજી આવશે. ઉદ્યોગના એક અધિકારીએ કહ્યું કે પરિવહન, વેરહાઉસીંગ જેવા ક્ષેત્રોમાં લોકડાઉન ખતમ થયા બાદ ઝડપથી સુધારો જોવા મળશે. જ્યારે યાત્રા, હોટલ, વિદેશયાત્રા અને શોપિંગ મોલ જેવા ક્ષેત્રોમાં ઝડપથી સુધારો થવાની આશા નથી. એક કોર્પોરેટ ફર્મના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, ઇ-કોમર્સ અને હોમ ડિલીવરીમાં આગળ વધુ તેજી જોવા મળશે.

તેમણે કહ્યું કે, ઉદાહરણ તરીકે હોટલ અને યાત્રા ક્ષેત્રમાં સુધારો થવામાં સમય લાગશે. લોકો જરૂરિયાત વગર યાત્રા કરવાનું પસંદ કરશે નહીં. તેઓ હોટલમાં પણ રોકાવાનું પસંદ કરશે નહીં, કારણકે હોટેલમાં તેમની પહેલાં કોણ રોકાયેલું હોય તેની તેમને જાણ હોતી નથી. પર્યટન ક્ષેત્રને સુધારો થવામાં લાંબો સમય લાગશે. તેની ગતિવિધિઓમાં નાટકીય રૂપથી ઘટાડો જોવા મળશે.

ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, “લોકો જોખમ લેવા માંગતા નથી. જે ક્ષેત્રો માનવ વ્યવહારને કારણે પ્રભાવિત થાય છે, તેમાં સુધારો આવવામાં સૌથી વધારે લાંબો સમય લાગશે. જેમના પર સરકારી આદેશોનું અંકુશ લાગેલ છે, તેમાં (લોકડાઉન હટાવ્યા બાદ) તુરંત ઉછાળો આવશે. એસોચૈમના મહાસચિવ દિપક સુદે કહ્યું હતું કે દેશના આરોગ્ય અને તબીબી માળખાને મોટા પ્રમાણમાં વિકસિત કરવાની જરૂરિયાત છે, જેના માટે પ્રતિબદ્ધતા અને પુષ્કળ પ્રમાણમાં સંસાધનોની જરૂરિયાત રહેશે.