બાળકો હોય કે મોટા ખાવામાં ખૂબ જ આનાકાની રહેતી હોય છે. ગૃહિણીના રૂપમાં આજે પણ દરરોજ પરેશાની થાય છે કે આજે શું બનાવીને ખવડાવવામાં આવે? પરંતુ કહેવામાં આવે છે કે જે લોકો કંઈ નથી ખાતા તે ભીંડો જરૂરથી ખાતા હોય છે. એટલે કે જે લોકો વધારે શાકભાજી ખાતા નથી, તેમને ભીંડો જરૂર થી પસંદ હોય છે. આ ડીશમાં ભીંડા કરતા બમણી માત્રામાં ડુંગળી લઈને બનાવવામાં આવે છે. તેના સ્વાદ વિશે તો એટલું જ કહી શકાય છે કે તે અદ્ભુત હોય છે. મસાલા અને ડુંગળીનાં મિશ્રણને સાથે ભીંડાનો સ્વાદ મોઢામાં પાણી લાવે છે. તો આજે અમે તમને આ મસાલેદાર ભીંડો બનાવવાની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ કે કેવી રીતે બનશે આ સ્વાદિષ્ટ રેસીપી.
સામગ્રી
- ૨૫૦ ગ્રામ કાપેલો ભીંડો
- ૧ મોટી ડુંગળી
- ૧ કચુંબર કરેલ ટમેટું
- ૧ નાની ચમચી લસણની પેસ્ટ
- ૧ નાની ચમચી આદુની પેસ્ટ
- ૧ મોટી ચમચી દહીં
- ૧ મોટી ચમચી ધાણા પાવડર
- ૧ નાની ચમચી લાલ મરચાનો પાવડર
- ૧ નાની ચમચી જીરું
- ૧ ચપટી હળદર
- જરૂરિયાત અનુસાર મીઠું
- ૨ મોટી ચમચી સૂરજમુખી નું તેલ
ગાર્નીશિંગ માટે
- ૨ લીલી ડુંગળી
- થોડી કોથમીરનાં પાન
સ્ટેપ-૧
ભીંડાને યોગ્ય રીતે ધોઈ લીધા બાદ સુકવીને તેને સમારી લો. એક પૈન લો અને તેમાં તેલ નાખો. તેલ ગરમ થયા બાદ તેમાં ડુંગળી ઉમેરો. તેનો હળવો ભૂરો રંગ થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો અને તેને અલગ રાખી દો.
સ્ટેપ-૨
હવે તે પૈનમાં ભીંડો ઉમેરો અને ૧ અથવા ૨ મિનિટ માટે તેને ડીપ ફ્રાય કરો. ત્યારબાદ તેને પણ અલગ પ્લેટમાં કાઢી લો.
સ્ટેપ-૩
પછી એક કડાઈમાં થોડું તેલ ઉમેરો. તેલ ગરમ થવા પર જીરું નાખો. ત્યારબાદ કોથમીર નાંખવી, જે આપણે પહેલાથી જ સમારીને રાખેલી છે. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને તેને પકાવો. ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ ઉમેરો અને તેને યોગ્ય રીતે મિક્સ કરી લો.
સ્ટેપ-૪
હવે તેમાં સમારેલા ટમેટા ઉમેરો અને થોડો સમય માટે પાકવા દો. ત્યારબાદ તેમાં દહીં ઉમેરો અને પછી યોગ્ય રીતે મિક્સ કરી લો. હવે તેમાં મસાલો નાખવાનો સમય થઈ ગયો છે. સૌથી પહેલાં તેમાં સ્વાદ અનુસાર થોડું મરચું પાઉડર અને ધાણા પાઉડર ઉમેરો. સૌથી છેલ્લે તેમાં હળદર ઉમેરો. હવે મસાલો સંપૂર્ણ રીતે શેકાય જાય તો પૈનમાં થોડું પાણી નાખીને તેને પકાવો.
સ્ટેપ-૫
હવે પહેલાથી જ ફ્રાય થયેલા ભીંડાને તેમાં ઉમેરો અને ત્યાં સુધી પકાવો જ્યા સુધી ભીંડામાં મસાલો ભરાઈ ન જાય. હવે આંચ થોડી ધીમી કરો અને તેમાં ફ્રાય કરેલી ડુંગળી ઉમેરો અને તેને યોગ્ય રીતે મિક્સ કરી લો. હવે તમારો મસાલેદાર ભીંડો તૈયાર છે. તેને ગરમ રોટલી અથવા પરોઠા સાથે પીરસો.