જો વોડાફોન આઇડિયા બંધ થઈ ગઈ તો તેના ૨૮ કરોડ ગ્રાહકોનું શું થશે!

ભારે કર્જમાં ડુબેલી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા ની મુશ્કેલીઓ દરરોજ વધતી જઈ રહી છે. કંપની પર ૧.૮૦ લાખ કરોડ રૂપિયાનું કર્જ છે. તે આદિત્ય બિરલા ગ્રુપ અને બ્રિટનનાં વોડાફોન ગ્રુપ PLC નું જોઇન્ટ વેન્ચર છે. બંને પ્રમોટરો એ કંપનીમાં હવે કોઈ મુડીનું રોકાણ ન કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીની મુડી એકઠી કરવાની યોજના પણ આગળ વધી રહી નથી. તેવામાં હવે તેના બંધ થવાનો ખતરો ઉભો થઈ ગયો છે. સવાલ એ છે કે જો કંપની બંધ થાય છે તો તેના ૨૮ કરોડ ગ્રાહકોનો શું થશે.

કંપની પર કુલ કર્જ

વોડાફોન આઈડિયા પર કુલ ૧.૮૦ લાખ કરોડ રૂપિયાનું કર્જ છે. તેના પર ડેફર્ડ સ્પેક્ટ્રમનાં રૂપમાં ૯૬,૨૭૦ કરોડ રૂપિયા અને એજીઆર નાં રૂપમાં ૬૦,૯૬૦ રૂપિયા બાકી છે. સાથોસાથ તેની ઉપર બેંકોનું પણ ૨૩,૦૮૦ કરોડ રૂપિયાનું કર્જ છે. આવતા ૧૦ મહિનામાં કંપનીએ ૩૨,૨૬૧ કરોડ રૂપિયાનું ચુકવણું કરવાનું છે. કંપનીનાં બોર્ડ દ્વારા પાછલા વર્ષે ૨૫,૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધીમાં તેની બધી કોશિશ નિષ્ફળ રહી છે.

કંપની પર એજીઆર બાકી છે

ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશનનાં જણાવ્યા અનુસાર વોડાફોન આઇડિયા પર એજીઆર લેણા નાં રૂપમાં ૫૮,૨૫૪ કરોડ રૂપિયા બાકી છે. બીજી તરફ કંપનીનું કહેવું છે કે તેનું એજીઆર લેણું ૨૧,૫૩૩ કરોડ રૂપિયા છે. તેને વર્ષ ૨૦૨૨ થી ૧૦ વર્ષના વાર્ષિક હપ્તે ચુકવવાનો છે. વોડાફોન આઇડયા અને એરટેલનાં કેલ્ક્યુલેશન માં સુધારો કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે હાલમાં જ તેમની અરજી નામંજુર કરી દીધી છે. જેનાથી વોડાફોન આઈડિયા મુશ્કેલીઓ વધી ગઈ છે.

બેંકોનું કર્જ

કંપની પર એસબીઆઇ સહિત ૮ બેંકોનું કુલ ૨૩,૦૮૦ કરોડ રૂપિયાનું ફરજ છે. ટકાવારીના હિસાબથી જોવામાં આવે તો IDFC બેંક, યશ બેંક, ઇન્ડસ બેન્ક ટોપ પર છે. કંપની પર એસબીઆઈ નું ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનું કર્જ છે, જે તેના લોન બુકનું ૦.૫% છે. એવી જ રીતે IDFC બેંકનું કંપની પર ૩,૨૪૦ કરોડ રૂપિયાનું કર્જ છે, જે તેના લોન બુકનાં ૩ ટકા છે. તે સિવાય યસ બેન્કનું ૪,૦૦૦ કરોડ રૂપિયા, PNB બઁક ૩,૦૦૦ કરોડ રૂપિયા, એક્સિસ બેન્કનું ૧,૩૦૦ કરોડ, ICICI બેન્ક ૧,૭૦૦ કરોડ અને HDFC બેન્કનું ૧,૦૦૦ કરોડ રૂપિયાનું કર્જ છે.

કંપની બંધ થઈ તો ગ્રાહકોનું શું થશે

વોડાફોન આઇડિયા નાં દેશમાં અંદાજે ૨૮ કરોડ ગ્રાહકો છે. સવાલ એ છે કે જો કંપની બંધ થઈ તો ગ્રાહકોનું શું થશે? ગ્રાહકોએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી. જો કંપની પોતાનું કામકાજ બંધ કરે છે તો ગ્રાહકોને બીજી ટેલિફોન કંપનીઓમાં પોર્ટ કરવા માટે પર્યાપ્ત સમય આપવામાં આવશે. નિયમો અનુસાર ટેલિકોમ કંપનીઓને ભારતમાં પોતાનું કામકાજ બંધ કરતા પહેલા ગ્રાહકોને ઓછામાં ઓછા ૩૦ દિવસની એડવાન્સ નોટિસ આપવાની હોય છે. આ બાબતમાં ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ ને ૬૦ દિવસ પહેલાં નોટિસ આપવાની હોય છે.

ગ્રાહકો પાસે શું વિકલ્પ છે

જો કોઈ ગ્રાહક પોતાનો નંબર રિટેન કરવા માંગે છે તો તેની પાસે અન્ય કોઈ સર્વિસ પ્રોવાઇડરની પાસે જવાનો વિકલ્પ છે. તે નવું મોબાઈલ કનેક્શન પણ લઈ શકે છે. ૨૦૧૮માં જ્યારે એરસેલ દ્વારા પોતાની સર્વિસ બંધ કરવામાં હતી ત્યારે સબ્સ્ક્રાઇબર્સને અન્ય ઓપરેટર શોધવા પડ્યા હતા. ટ્રાય દ્વારા તેમને યુનિક કોડ આપવામાં આવ્યો હતો, જેના દ્વારા તેઓ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી પસંદ કરી શકતા હતા. ગ્રાહકોને બીજા નેટવર્કની પસંદગી કરવા માટે ઓક્ટોબર ૨૦૧૯ની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી, જે લોકો ત્યાં સુધીમાં પોર્ટિંગ રિક્વેસ્ટ મોકલવામાં નિષ્ફળ રહ્યા તેમણે પોતાનો નંબર સરેન્ડર કરવો પડ્યો.