બેંગલોર : દરેક વ્યક્તિ હંમેશા સોશિયલ મીડિયા નેટવર્કનો ઉપયોગ કરતી હોય છે. એમાં ગુગલ સહિતનાં અનેક વેબસાઈટનો સમાવેશ થઈ જાય છે. આવી નામાંકિત સાઇટ્સ તમારાં મહત્ત્વનાં ડેટા ચોરી જાય તો?
વાંચીને આંચકો લાગ્યો ને? હવે એક વધું લોકલ સર્ચ સર્વિસનો કરોડો યુઝર્સ શિકાર બની ગયાનો અહેવાલ સામે આવ્યો છે. એ પ્રતિષ્ઠિત સર્ચ સર્વિસનું નામ છે જસ્ટડાઇલ…
ભાંડો કઇ રીતે ફૂટ્યો?
તાજેતરમાં એક ઇન્ડિપેન્ડન્ટ સિક્યોરીટી રિસર્ચરે પોતાની ફેસબુક પોસ્ટ મારફતે આનો ઘટસ્ફોટ કર્યો હતો. એમણે ફેસબુક પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, લોકલ સર્ચ સર્વિસ જસ્ટડાઇલ ગત બુધવારે ડેટા બ્રિચનો શિકાર બની ગઈ હતી. જેમાં જસ્ટડાઇલનાં દસ કરોડ ઉપરાંતના યુઝર્સનાં નામ, ઇ-મેલ આઇડી, મોબાઈલ નંબર, બર્થડેટ અને સરનામા સાર્વજનિક રૂપે સામેલ છે.
આનો ખૂલાસો કરનાર રાજશેખર રાજહરીયાનું કહેવું છે કે, આમાં જે યુઝર્સનાં ડેટા લીક થયેલાં છે તેમાં 70 ટકા યુઝર્સનાં ડેટા લીક થયાં હતાં કે જેમણે જસ્ટડાઇલનાં કસ્ટમર કેર 88888 88888 ઉપર કોલ કર્યાં હતાં. તેમણે વિશેષમાં જણાવ્યું કે, અગર કોઈ યુઝરે જસ્ટડાઇલ એપનાં કસ્ટમર કેર નંબર પર એકવાર પણ કોલ કર્યો હશે તો સંભવ છે કે એમનાં ડેટા લીક થઈ ગયાં હોય. એવું પણ કહેવાય છે કે આ ડેટા બ્રીચ જસ્ટડાઇલની વેબસાઈટનાં જુનાં વર્જન મારફત થઈ છે કે જે 2015 થી એક પણ વખત ચેક કરવામાં આવી નથી. અને આ ચાર વર્ષ દરમિયાન ચાર એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસને અનપ્રોટેક્ટેડ જ રાખવામાં આવેલ.
આ સાથે જ તેમણે ઉમેર્યું કે, જસ્ટડાઇલે આ મુદ્દે તેમનો સંપર્ક પણ કર્યો હતો. પરંતુ હજી સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
ડેટાલીકનાં મામલે વધું જાણકારી માટે જસ્ટડાઇલ સાથે ઇ-મેઇલ પણ કરવામાં આવેલ પરંતુ હજુ સુધી કંપની તરફથી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી. થોડાં મહિના પહેલા કંપનીએ પોતાની વેબસાઇટનાં નવાં વર્જનમાં થોડો બદલાવ કર્યો હતો જેનાથી આ વેબસાઈટનાં યુઝર્સનાં ડેટા લીક થયાં નહોતાં.
એ જણાવી દઈએ કે જસ્ટડાઇલ મુંબઈની એક ઓનલાઈન ડિરેકટરી સર્વિસ છે કે જે બિલ પેમેન્ટ, રિચાર્જ, ફુડ-ગ્રોસરી, હોટેલ, મુવી ટિકિટ વગેરે ઉપલબ્ધ કરાવી આપે છે.
લેખસંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)