કળિયુગનાં અંતમાં ભગવાન વિષ્ણુનાં કલ્કિ અવતારનો આ જગ્યા પર થશે જન્મ, આ હશે તેમની વિશેષતાઓ

હિન્દુ શાસ્ત્રોમાં ચાર યુગ બતાવવામાં આવેલ છે, જેમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ છે. આ ચારેય યુગોનો ઉલ્લેખ કરતા લખવામાં આવ્યું છે કે કળિયુગમાં ભગવાન વિષ્ણુના અવતારમાં જન્મ લેશે અને આ તેમનો છેલ્લો અવતાર હશે, જે કલિયુગના અંતિમ ચરણમાં આવશે. પુરાણોમાં કલયુગ અને કલ્કિ અવતાર વિશે લખવામાં આવ્યું છે કે કલકી અવતાર ૬૪ પ્રકારની કળામાં નિપુણ હશે અને તે સફેદ ઘોડા પર સવાર થઈને સંસારમાંથી પાપીઓનો નાશ કરશે.

આ જગ્યાએ લેશે જન્મ

કલ્કિ અવતારનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કરવામાં આવેલ છે અને એક શ્લોક દ્વારા જણાવ્યું છે કે આખરે તે કઈ જગ્યાએ અને કોને ત્યાં જન્મ લેવાના છે.

सम्भलग्राममुख्यस्य ब्राह्मणस्य महात्मनः। भवने विष्णुयशसः कल्किः प्रादुर्भविष्यति।।

આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે શંભલ ગામમાં વિષ્ણુયશ નામના એક બ્રાહ્મણ હશે. તેમનું હૃદય ખૂબ જ મોટું હશે અને તેઓ ભગવતભક્તિ પૂર્ણ હશે. તેમના ઘરે જ કલ્કી અવતાર નો જન્મ થશે.

વળી કલ્કિ પુરાણમાં પણ લખવામાં આવ્યું છે કે તેમનો જન્મ શંભલ નામના ગામમાં વિષ્ણુયશ નામના એક બ્રાહ્મણને ત્યાં જન્મ લેશે. તેમની પત્નીનું નામ સુમતિ હશે. આ બંનેનો જે પુત્ર હશે તે કલ્કિ હશે. કલ્કી નાની ઉંમરમાં જ વૈદિક શાસ્ત્રનો પાઠ કરીને મહાપંડિત બનશે. ત્યારબાદ તે મહાદેવની ઉપાસના કરીને અસ્ત્રવિદ્યા પ્રાપ્ત કરશે અને ધર્મની પુનઃ સ્થાપના કરશે. કલ્કિ પુરાણ માં તેમના વિવાહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે તેમના વિવાહ બૃહદ્રથ ની પુત્રી પદ્માદેવી સાથે થશે. તમને જણાવી દઈએ કે શંભલ મુરાદાબાદ જિલ્લાનું એક ગામ છે.

કલ્કિ અવતારનું વર્ણન અને ચિત્રણ

ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર દેખાવમાં કેવો હશે તેનો ઉલ્લેખ અગ્નિ પુરાણના ૧૬માં અધ્યાયમાં મળે છે અને આ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે તેમની પાસેથી તીર-કમાન હશે અને તેઓ ઘોડા પર સવાર હશે. જ્યારે કલ્કિ પુરાણ અનુસાર તેમના હાથમાં ચળકતી તલવાર હશે અને તેઓ સફેદ ઘોડા પર સવાર હશે. બૌદ્ધ, જૈન અને મલેચ્છોને પરાજિત કરી સનાતન રાજ્યની બીજી વખત સ્થાપના કરશે.

આ દરમિયાન લેશે જન્મ

વાયુ પુરાણના ૧૮માં અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે કલિયુગ જ્યારે પોતાના ચરમ પર હશે ત્યારે કલ્કિ અવતાર આ ધરતી પર જન્મ લેશે. વળી વૈષ્ણવ બ્રહ્માંડ વિજ્ઞાનમાં લખવામાં આવ્યું છે કે કલ્કી અવતાર હિંદુ ભગવાન વિષ્ણુનો ૧૦મો અવતાર હશે અને તે પાપીઓનો સંહાર કરશે. તેનો સંહાર કર્યા બાદ તેઓ સનાતન ધર્મની ફરીથી સ્થાપના કરશે.

કેવી રીતે થશે કળિયુગની ઓળખ

કળિયુગ વિશે શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે કળિયુગમાં માનવતાનું પતન થવા લાગશે. ધરતી પર અધર્મ વધવા લાગશે. લોકો પાપી બની જશે. દરેક જગ્યાએ ફક્ત અંધકાર હશે અને નિર્દોષ લોકો પર ખૂબ જ અત્યાચાર થશે. ધરતી પર વધતા આ અધર્મને રોકવા માટે ભગવાન વિષ્ણુ જન્મ લેશે અને અધર્મને ખતમ કરી દેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે હાલના સમયે ધરતી પર કલિયુગ ચાલી રહ્યો છે અને જેવો તે પોતાના ચરમ પર પહોંચશે, ત્યારે ભગવાન વિષ્ણુ આ અવતારમાં ધરતી પર જન્મ લેશે.