ભારત સદીઓથી સાધુ-સંતો અને ઋષિ-મુનિઓની ભુમિ રહેલી છે. ભારતમાં અનેક વિદ્વાન સાધુ-સંતો અને ઋષિ-મુનિઓ એ જન્મ લીધેલો છે અને ભારતની ધરતીને પવિત્ર તથા ધન્ય બનાવેલ છે. આ સંતોએ કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર લોકો માટે સેવા કાર્ય કરેલા છે અને સમાજમાં શાંતિ સ્થાપિત કરવા માટે પોતાના વિચારોથી લોકોનું માર્ગદર્શન કરેલ છે.
ભારતમાં લોકો આ સંતોની વાણી સાંભળે છે અને જીવનમાં તેનું અનુકરણ કરે છે. ભારતમાં એવા ઘણા સંતો છે, જેમણે સમાજ માટે કાર્ય કરેલા છે. આજે આપણે આવા જ એક સંત વિશે આજે વાત કરવાના છીએ, જેમણે પોતાના વિચારોથી લોકોના જીવન બદલી નાખ્યા છે તથા સમાજમાં ધર્મનો ફેલાવો કરવામાં ખુબ જ મોટું યોગદાન આપેલ છે.
તો આજના આ લેખમાં આપણે પરમ પુજ્ય સંત મોરારીબાપુ તથા તેમના પરિવાર વિશે જણાવીશું, જેઓ પોતાની કથાનાં રસપાનથી લોકોને ધન્યતા નો અનુભવ કરાવે છે. આજે અમે તમને મોરારી બાપુનાં પરિવાર વિશે અમુક એવી વાતો જણાવીશું, જે ખુબ જ ઓછા લોકો જાણે છે.
સૌપ્રથમ તમને જણાવી દઈએ કે મોરારીબાપુ નો જન્મ ૨૫ સપ્ટેમ્બર, ૧૯૪૬નાં રોજ ભાવનગર જિલ્લાનાં મહુવા પાસે આવેલ તલગાજરડા નાં એક વૈષ્ણવ પરિવારમાં થયેલો હતો. તેમના પિતાનું નામ પ્રભુદાસ હરિયાની છે, જ્યારે તેમના દાદા નું નામ ત્રિભોવનદાસ હતું.
તમને જણાવી દઈએ કે મોરારીબાપુ ને બાળપણથી જ રામાયણમાં ખુબ જ શ્રદ્ધા હતી. મોરારીબાપુ બાળપણમાં દરરોજ પાંચ ચોપાઈઓ યાદ કરતા હતા, જેના માટે તેમના દાદાએ તેમને પ્રોત્સાહન આપેલું હતું. એ જ કારણ છે કે આજના સમયમાં મોરારીબાપુને આખું રામાયણ કંઠસ્થ છે.
મોરારીબાપુ અભ્યાસ માટે પોતાના ગામથી મહુવા માં પગપાળા જતા હતા. પોતાની ડિગ્રી નો અભ્યાસ પુર્ણ કર્યા બાદ મોરારીબાપુએ જુનાગઢ ની શાહપુર કોલેજમાં શિક્ષક તરીકેની કામગીરીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ પારેખ સ્કુલમાં બધા જ વિષયો ભણાવતા હતા. મોરારીબાપુ પોતાના બાળપણથી જ રામાયણ પ્રત્યે રુચિ ધરાવતા હતા અને તેઓ રામાયણમાં હંમેશા લઈને રહેતા હતા. તેમણે વર્ષ ૧૯૬૬માં ૯ દિવસની રામકથાની શરૂઆત કરેલી હતી.
મોરારીબાપુ રામકથામાં ખુબ જ રુચિ ધરાવતા હતા અને એટલા માટે તેમણે પોતાની નોકરી પણ છોડી દીધી હતી. રામકથાને લીધે ધીમે-ધીમે મોરારીબાપુની ખ્યાતિમાં વધારો થતા ગયો હતો. લોકો પણ તેમની કથા ને ધ્યાનમગ્ન બનીને સાંભળતા હતા. મોરારીબાપુ મહુવા ઉપરાંત ગુજરાતના અનેક શહેરોમાં ધીરે ધીરે રામકથા કરવા લાગ્યા હતા. સમય પસાર થતાં ગુજરાતની બહાર પણ મોરારીબાપુની કથાનું આયોજન થવા લાગ્યું અને ધીમે ધીમે તેઓ વિદેશોમાં પણ રામકથા કરવા લાગ્યા હતા.
મોરારીબાપુ ના પિતા નું નામ પ્રભુદાસ બાપુ હરિયાણી અને માતાનું નામ સાવિત્રીબેન છે. મોરારીબાપુનાં ૬ ભાઈઓ અને ૨ બહેનો છે, જેમાંથી મોરારીબાપુ સૌથી નાના ભાઈ છે. મોરારીબાપુ પરિણીત છે અને તેમની પત્નીનું નામ નર્મદાબેન છે.
મોરારીબાપુને ૧ પુત્ર અને ૩ પુત્રીઓ છે, જેનું નામ પૃથ્વી હરિયાની, ભાવના, પ્રસન્નના અને શોભના છે. હાલના સમયમાં મોરારીબાપુ શ્રી ચિત્રકુટધામ ટ્રસ્ટ, તલગાજરડા, મહુવા ભાવનગર જિલ્લામાં રહે છે. તેઓ પોતાની કથાના આયોજન માટે દેશ અને વિદેશોમાં યાત્રા કરતા રહે છે.
રામચરિત્ર માનસને ખુબ જ સરળ અને સહજ રીતે પ્રસ્તુત કરનાર ૭૫ વર્ષનાં મોરારીબાપુ ખુબ જ સાદગી ભરેલું જીવન જીવવામાં વિશ્વાસ કરે છે અને તેઓ કોઈપણ ઉચ્ચ-નીચ તથા અમીર-ગરીબનો ભેદભાવ રાખ્યા વગર સામાન્ય લોકોની સાથે નીચે બેસીને પણ ભોજન કરતા હોય છે.
મોરારીબાપુ ના ખભા ઉપર રહેતી કાળી શાલ વિશે અનેક પ્રકારની માન્યતાઓ લોકોની વચ્ચે રહેલી છે. એક માન્યતા અનુસાર મોરારીબાપુને આ કાળી સાલ હનુમાનજીએ પોતે પ્રગટ થઈને ભેટ આપેલી છે. વળી અમુક લોકો એવું પણ માને છે કે મોરારીબાપુને આ કાળી શાલ જુનાગઢનાં કોઈ સંત દ્વારા આપવામાં આવેલ છે. જોકે આ શાલ વિશે મોરારીબાપુનું કહેવું છે કે તેમને કાળો રંગ પસંદ હોવાને લીધે તેઓ હંમેશા પોતાની સાથે આ કાળી શાલ રાખવાનું પસંદ કરે છે.
સમગ્ર વિશ્વમાં એવા ઘણા લોકો છે જે મોરારીબાપુની વાતોનું ખાસ આદર કરે છે અને તેમને સન્માન આપે છે. ભારત દેશના સૌથી મોટા અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનો પરિવાર પણ મોરારીબાપુમાં ખુબ જ શ્રદ્ધા ધરાવે છે અને તેમને ખુબ જ માન-સન્માન આપે છે.