લગ્ન અને છુટાછેડા. સાતફેરા ના આ બંધનને તોડતા પહેલા આટલું વિચારવું.

લગ્ન અને છુટાછેડા. આ બે એવા શબ્દ છે જે ઘણું બધું કહી જાય છે. લગ્ન શબ્દ જ્યારે આપણી સામે આવે ત્યારે એવું લાગે કે ઘણું બધું ભેગું કર્યું હોય, આ શબ્દ માં બે દિલ જોડાયા હોય છે જ્યારે છુટાછેડા જેવો શબ્દ આપણી સામે આવે ત્યારે બે દિલ છુટા પડતાં હોય એવું લાગે છે. બે વ્યકિતના પરસ્પર સ્નેહ થી લગ્નજીવન બંધાય છે. આ સમયની ખુશી જ કઈક અલગ હોય છે. પણ જ્યારે આ સંબંધમાં છુટાછેડા જેવો શબ્દ ઉમેરાય ત્યારે આ પરિસ્થિતિ સાવ વિપરીત બની જતી હોય છે. ક્યારેક ક્યારેક આપણે ભગવાનને દોષ આપીએ છીએ કે જ્યારે અલગ જ કરવા હતા તો બે વ્યક્તિને ભેગા શા માટે કર્યા ?

લગ્નજીવન શરૂ થયા પહેલા દરેક વ્યક્તિ સુખી સંસારની અપેક્ષા રાખે છે. પરંતુ મોટાભાગના લોકોના જીવનમાં કોઈ એક વ્યક્તિના અહમના લીધે આવતી છુટાછેડા ની પરિસ્થિતિ એક કાળા ડાઘ સમાન બંને વ્યક્તિને લાગી જાય છે. આ કાળા ડાઘને લુંછીને આગળ વધવાનું નામ જ જીંદગી છે. સ્ત્રી હોય કે પુરુષ. પોતાના જીવનસાથી થી છુટું ના પડી જવાય એ માટે સતત ચિંતા કરતું હોય છે. પરંતુ ક્યારેક બંને માંથી એક વ્યક્તિ ની અલગ વિચારશૈલી ના લીધે લગ્નજીવન વિખેરાઈ જતું હોય છે.

છુટાછેડા બાદ પતિ હોય કે પત્ની પોતાનું જીવન તો ફરી શરૂ કરી લે છે પરંતુ ખરેખર જો આ પરિસ્થિતિમાં કોઈ પીડાતું હોય છે તો એ હોય છે તેમનું બાળક. બંને પક્ષ જ્યારે લડે, જગડે કે કોર્ટ કચેરીમાં જાય, છુટા પડે પરંતુ આ બંને માં બાળક શું કરે ? ઘણીવાર એવું પણ બનતું હોય છે કે બાળક નાનું હોય તો સમજી ના શકે. એ બાળકને એ પણ ખબર નથી હોતી કે તે શું ગુમાવી રહ્યું છે. માં કે બાપ ?

કાયદાની વાત કરીએ તો બાળકનો કબ્જો માં ને સોંપવામાં આવે છે જો માં કબ્જો લેવાની ના પાડે તો જ બાળક તેના પિતાને સોંપવામાં આવે છે. પરંતુ બાળકને કોઈ એક વ્યક્તિને ખોવાનું તો હોય જ છે. પુરુષ ને બીજી પત્ની કે સ્ત્રીને બીજો પુરુષ તો મળી જાય છે પણ એ બાળકને બીજા માં બાપ તો ના જ મળે. ખરી માતા કે ખરા પિતા જેવો પ્રેમ એ બાળકને જીવનમાં ક્યારેય મળતો નથી. બાળક થોડું પણ જો સમજતું હોય તો એ કઇ સમજી પણ ના શકે કે એને કોની પાસે રહેવું. એક તરફ માં નો પ્રેમ હોય છે તો બીજી તરફ બાપ નો વહાલ એને ખેંચી રહ્યું હોય છે.

છતાં પણ આપણા સમાજમાં કોર્ટ અને કેટલાક લોકોના કહ્યા મુજબ બાળકને કોઈ એક વ્યક્તિને સોંપી દેવાય છે. તે સમયે બાળક ખુબ જ પીડાતું હોય છે. તે બંને વચ્ચે પીસાય જાય છે. પણ આ સમયે તેની પરિસ્થિતિ ખરેખર કોઈ સમજી શકતું નથી. તેના માં બાપ પણ તેના દિલની વાત સમજી શકતા નથી. કારણકે બંને ને પોતાના બાળક કરતાં પોતાનો અહમ વહાલો હોય છે. મોટાભાગના લોકોમાં આવું જોવા મળે છે. પરંતુ જો એક વ્યક્તિ પણ અહમ છોડીને બાળકનો વિચાર કરે તો સમાધાન પણ થઈ શકે છે. પરંતુ આ સમયે બંને વ્યક્તિ વચ્ચે અહમ એટલો હોય છે કે બંને માંથી કોઈ વ્યક્તિ નીચું નમવા તૈયાર થતું નથી. છુટા પડ્યા બાદ ગમે તે એક વ્યક્તિ તો દુઃખી હોય જ છે પરંતુ એ બંને માં જો સૌથી કોઈ દુઃખી હોય તો તે હોય છે તેમનું બાળક. કારણકે એ તો બધું જોવા છતાં પણ કંઇ સમજી કે બોલી નથી શકતું.