દેશને સંબોધન કરતાં પ્રધાનમંત્રી મોદીએ લોકડાઉન ૪.૦ ની જાહેરાત કરી, લોકોને લોકલ પ્રોડક્ટ ખરીદવા અને પ્રચાર કરવા આગ્રહ કર્યો

ભારતમાં કોરોના વાયરસનો વ્યાપ સતત વધી રહ્યો છે, જેને લઇને લોકડાઉનનું ત્રીજું ચરણ ચાલી રહ્યું છે. લોકડાઉન ૩.૦ ની અવધિ ૧૭ મે નાં રોજ પૂર્ણ થવાની છે. એવામાં વડાપ્રધાન મોદી દ્વારા ૫૪ દિવસમાં પાંચમી વખત દેશને સંબોધન કરવામાં આવ્યું હતું. તેમના આ સંબોધનને લઈને ઘણી અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી હતી. જેમાં લોકડાઉનને વધારવું કે હટાવવું તેને લઈને સૌથી વધારે અટકળો લગાવવામાં આવી રહી હતી.

પ્રધાનમંત્રી મોદીએ લોકોને લોકલ પ્રોડક્ટ ખરીદવા અને તેનો પ્રચાર કરવા માટે આગ્રહ કર્યો હતો. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ પરોક્ષ રીતે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાનું કહ્યું હતું. આ પહેલા પણ મોદીએ ખાદી અને હેન્ડલૂમનો ઉપયોગ કરવા માટે કહેલું હતું જેના લીધે તેનું વેચાણ રેકોર્ડ સ્તર પર પહોચી ગયું હતું. સાથો સાથે તેમણે લોકડાઉન ૪.૦ ની જાહેરાત પણ કરી હતી. લોકડાઉન ૪.૦ નું ચોથું ચરણ નવા રૂપરંગ વાળું હશે અને સંપૂર્ણપણે નવા નિયમો વાળું હશે. જેના વિશે વધુ માહિતી દરેક રાજ્ય દ્વારા ૧૮ મે પહેલા આપી દેવામાં આવશે. હાલમાં લોકડાઉન વિશે વધુ કઈ કહેવાયું ના હતું પરંતુ લોકડાઉન ૪.૦ ની જાહેરાત કરી દેવામાં આવી હતી.

ત્યારે આ બધી અટકળોની વચ્ચે પ્રધાનમંત્રી મોદી દ્વારા દેશને કરવામાં આવેલ સંબોધનમાં કહ્યું હતું કે, વિશ્વભરમાં કોરોનાથી ૪૨ લાખથી વધારે લોકો સંક્રમિત થયા અને ભારતમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેમણે કહ્યું હતું કે સમગ્ર દુનિયા જિંદગી બચાવવાની જંગમાં લાગી ગઈ છે. કોરોનાનો મુકાબલો કરતાં ૪ મહિનાથી વધારેનો સમય પસાર થઈ ગયો.

તેમણે કહ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસ પહેલા પીપીઇ કીટ અને N-95 માસ્ક બનતા ના હતા, પરંતુ હવે ભારતમાં હાલમાં દરરોજ ૨ લાખ પીપીઇ કીટ અને N-95 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. ભારતે આફતને અવસરમાં બદલી નાંખી છે. આત્મનિર્ભર બનવું એજ આપણું સપનું છે.

તેમણે પોતાના સંબોધનમા કચ્છનાં ભૂકંપની વાત કરી હતી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું હતું કે કચ્છનાં ભુકંપ વખતે એવું લાગી રહ્યું હતું કે જાણે બધુ સમાપ્ત થઈ ગયું છે પરંતુ તેમ છતાં પણ આપણે તેમાથી ઊભા થયા હતા અને મુશ્કેલીઓને હરાવી હતી.

સંબોધનમાં તેમણે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે સંબોધનમાં કુલ ૨૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કર્યું હતું કે આ આર્થિક પેકેજ ભારતની GDP નાં ૧૦% છે. આ આર્થિક પેકેજ દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપશે. આ આર્થિક પેકેજ દેશનાં કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ અને MSME એકમો માટે છે તથા દેશનાં મધ્યમ વર્ગના લોકો માટે છે. વળી, આર્થિક પેકેજ દિવસ રાત મહેનત કરતાં ખેડૂતો અને મજૂરો માટે છે. આ પેકેજથી દેશનાં બધા સેક્ટરને આગળ વધવામાં મદદ મળશે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે આ આર્થિક પેકેજ વિશેની વધુ માહિતી આવનારા દિવસોમાં નાણાંપ્રધાન આપશે.