એક રાજા ખુબ જ અહંકાર કરતો હતો. પરંતુ તે રાજા દાન આપવામાં પણ ખૂબ જ વિશ્વાસ કરતો હતો અને સમયે સમયે વસ્તુઓનું દાન પણ કરતો હતો. એક દિવસ રાજાએ વિચાર્યું કે, આવતીકાલે મારો જન્મદિવસ છે અને આ વખતે હું મારા જન્મદિવસ કોઈપણ એક વ્યક્તિની બધી ઈચ્છાઓ પુરી કરીશ. રાજાના જન્મદિવસ પર રાજમહેલમાં એક ખુબ જ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યના તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજ્યના તમામ લોકો એકસાથે રાજમહેલમાં આવ્યા અને રાજાને અભિનંદન પાઠવ્યાં. પ્રજાની સાથે એક સાધુ પણ રાજાને તેના જન્મદિવસ પર અભિનદન પાઠવવા આવ્યા હતાં.
આ સાધુને મળીને રાજા ને સારું લાગ્યું અને રાજાએ વિચાર્યું કે હું આ સાધુ ની જ બધી ઈચ્છા પૂરી કરી દવ. રાજાએ સાધુ ને કહ્યું, મે મારા જન્મદિવસ પર કોઈપણ એક વ્યક્તિની બધી જ ઈચ્છા પૂરી કરવાનું વિચાર્યું છે અને આ તક હું તમને આપું છું. તમે મને જણાવો કે તમારે શું જોઈએ છે? હું તમારી તમામ ને ઈચ્છા ને જલ્દી પુરી કરી દઈશ. સાધુએ રાજાની વાત સાંભળીને કહ્યું, મહારાજ મારે કંઇ નથી જોઈતું. મે તમને મળી લીધું તે જ મારા માટે ઘણું છે. પરંતુ રાજા એ તેની વાત ના માની અને સાધુને કહ્યું, હું તમને એક ગામ આપીશ. તમે આ ગામ પર રાજ કરો.
સાધુએ રાજાને કહ્યું, મહારાજ ગામ પર ત્યાં રહેતા લોકોનો અધિકાર છે. તમારો નહિ. તેથી હું તમારી પાસેથી ગામ લઈ શકું નહિ. રાજાએ આ સાંભળી વિચાર્યું કે, હવે સાધુ ને શું આપું ? રાજાએ ખુબ વિચાર કર્યા પછી સાધુને કહ્યું, તમે મારો મહેલ રાખો. સાધુએ કહ્યું, મહારાજ આ મહેલ પર તમારો અધિકાર છે અને આ મહેલ પ્રજાની સંપતિ છે. ત્યારબાદ રાજાએ સાધુને કહ્યું, તમે મને તમારો સેવક બનાવી લો. હું રાત દિવસ તમારી સેવા કરીશ.
સાધુએ રાજાને પોતાનો સેવક બનાવવા માટે પણ ઇન્કાર કરી દિધો અને કહ્યું, મહારાજ તમારા પર તમારી પત્ની તેમજ તમારા બાળકોનો અધિકાર છે અને તેની પાસેથી હું આ અધિકાર ના છીનવી શકું. તે માટે હું તમને મારા સેવક ના બનાવી શકું. છતાં પણ જો તમે મને કંઇક આપવા માંગો છો તો તમે મને તમારો અહંકાર દાનમાં આપી દો. જો તમે મને તમારો અહંકાર દાનમાં આપશો તો તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. આ અહંકારના લીધે જ ઘણા રાજાઓ જેમ કે, રાવણ, કંસ અને દુર્યોધન નો વિનાશ થયો હતો અને હું નથી ઈચ્છતો કે તમારો વિનાશ પણ આ રાજાઓની જેમ થાય. સાધુની વાત સાંભળીને રાજાએ તેનો અહંકાર ત્યાગવાનું વચન સાધુને આપ્યું અને સાધુને પગે લાગીને તેના આશીર્વાદ પણ લીધાં. ત્યારબાદ રાજા એ હંમેશા માટે પોતાના અહંકાર નો ત્યાગ કરી દિધો અને રાજ્યના પ્રજાની સેવામાં લાગી ગયાં.
શીખ
માણસે પોતાના જીવનમાંથી અહંકારનો ત્યાગ કરી દેવો જોઇએ. કારણકે અહંકાર જ માણસનો સૌથી મોટો શત્રુ છે અને તે જ તેના વિનાશનું કારણ બને છે.