એક સામાન્ય કુટુંબના છોકરાના લગ્ન એક સામાન્ય કુટુંબની છોકરી સાથે થયાં. છોકરી દેખાવમાં સારી હતી પણ છોકરીની આર્થિક સ્થિતિ થોડી નબળી હતી. પરંતુ છોકરા વાળાને એનાથી કોઈ જ પ્રોબ્લેમ નહોતો. છોકરા વાળાએ તો લગ્ન માં દહેજ પણ લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. લગ્ન ધામ ધૂમથી થઈ ગયાં. લગ્ન બાદ પણ છોકરી પોતાના સાસરિયામાં ભળી ગઈ હતી.
પોતાના પતિ તેમજ સાસુ સસરાની સેવા કરતી. લગ્નના થોડા સમય બાદ છોકરાએ નોકરી છોડી અને પોતાનો ધંધો ચાલુ કર્યો અને ભગવાનની દયા થી ધંધો પણ ખુબ જ સારો ચાલતો હતો. થોડા જ સમયમાં ધંધો સારો ચાલવાના લીધે છોકરા વાળાએ ગાડી અને પોતાનો બંગલો લીધો. પૈસા ની સારી એવી આવક થઈ ગઈ હતી. બધા જ શાંતિ થી અને ખુશી થી રહેતા હતાં પરંતુ એક દિવસ છોકરાનું એક્સીડન્ટ થયું. છોકરાને કંઈ ના થયું ફક્ત ગાડીને જ નુકશાન થયું એટલે ઘરના બધા લોકો આને ખરાબ સપનું સમજીને ભુલી ગયાં.
પરંતુ થોડા સમય બાદ ફરી છોકરાનું એક્સીડન્ટ થયું અને આ વખતે છોકરાને પણ થોડું લાગ્યું હતું. આવું એક્સીડન્ટ ૨/૩ વાર થયું પરંતુ દર વખતે છોકરાને થોડું લાગતું. ઘરના બધા લોકો ગભરાઈ ગયા હતાં.
સારી એવી આવકના લીધે હવે ઘરના લોકોમાં પણ અભિમાનનું થોડું બીજ ઊગવા લાગ્યું હતું અને આ એક્સીડન્ટ થવાના ભયના લીધે અને અભિમાનના બીજ ના લીધે બધા લોકોના મગજમાં એક વાત રમવા લાગી કે જ્યાર થી લગ્ન થયા છે ત્યારથી છોકરાનું એક્સીડન્ટ થાય છે. ઘરના બધા જ સદસ્ય છોકરીને બદનસીબ સમજવા લાગ્યાં હતાં. ઘરના લોકોના મનમાં એક જ વાત રમવા લાગી હતી કે છોકરાના નસીબ સારા છે કે દર વખતે બચી જાય છે પરંતુ ઘરના લોકોના મનમાં એક ભય એ પણ હતો કે ક્યારેક નસીબે સાથ ના આપ્યો તો શું થશે. આ જ ભયના કારણે છોકરા વાળા ના ઘરના બધા લોકોએ નક્કી કર્યું કે છોકરાના છૂટાછેડા લઈ લઈએ.
છોકરી વાળાએ ખુબ જ કોશિશ કરી રોકવાની પણ છોકરાના ઘરના લોકો માન્યા જ નહિ અને એક દિવસ છૂટાછેડા લઈ લીધાં. છૂટાછેડાના લીધે છોકરીને ખુબ જ આઘાત લાગ્યો પરંતુ થોડા સમય બાદ છોકરીના સારા એવા કુટુંબમાં ફરીથી લગ્ન થઈ ગયાં. આ બાજુ છોકરાવાળા ને હજુ છોકરી મળી ના હતી.
એક દિવસ છોકરાનું ફરી એક્સીડન્ટ થયું પણ આ વખતે એક્સીડન્ટ માં છોકરાનું મૃત્યુ થયું. છોકરાવાળા ના ઘરના લોકોને ખુબ જ મોટો આઘાત લાગ્યો. છોકરાનું મૃત્યુ થયા બાદ ધંધો પણ ઠપ્પ થઈ ગયો અને એક દિવસ ધંધો બંધ કરવાનો ટાઈમ આવી ગયો. ધંધો બંધ થઈ ગયા બાદ લોકોનું અભિમાન પણ ઓગળી ગયુ ઘરના લોકોમાં હવે એવા વિચાર આવવા લાગ્યા હતાં કે છોકરીના નસીબના લીધે છોકરો એક્સીડન્ટ માં બચી જતો હતો. હવે છોકરા વાળા ખુબ જ પસ્તાવા લાગ્યા હતાં પરંતુ હવે કંઈ થઈ શકે એમ હતું નહિ.
સાર : મિત્રો, આપણે આપણા જીવનમાં ફક્ત નેગેટિવ જ વાત લઈએ છીએ. પોઝિટિવ વાત આપણે જીવનમાં ઉતારતા જ નથી. કોઈને બદનસીબ કહેતા કે સમજતા પહેલા એટલું યાદ રાખવું કે નસીબ ગમે ત્યારે બદલાઈ શકે છે. ક્યારેક એવું પણ બને છે કે પરિવારના કોઇ સદસ્ય ના નસીબના લીધે આપણે આગળ આવીએ છીએ અને આપણે એને આપણું નસીબ સમજી લઈએ છીએ.