નવી ટેકનોલોજીનું આગમન : હવે કેમેરા પરિણામ જાહેર કરી દેશે, તમે પાસ છો કે નાપાસ

Posted by

દિવસેને દિવસે નિતનવી ટેકનોલોજીનો આવિષ્કાર થતો રહે છે. સંભવ છે કે, આવતી કાલની ટેકનોલોજી બીજા દિવસે પુરાતન પણ બની શકે છે. ટેક્નોલોજી જમાનાની સાથે હરણફાળ ભરી રહી છે. એક નવી ટેકનોલોજીનાં લેટેસ્ટ સમાચાર મળ્યાં છે કે જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ વખતે કેમેરા જ તાબડતોબ પરિણામ બતાવી દેશે કે, તમે પાસ છો કે, નાપાસ…

જાણીને નવાઈ લાગે એવી આ વાત છે પરંતુ આપણાં દેશમાં બુધવારથી આવી ટેકનોલોજીનો આરંભ થઈ ચૂક્યો છે. દિલ્હી સરકારે ચાર ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર (ADTC) શરુ કરેલ છે. ગત બુધવારે દિલ્હી પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે આ નવી સુવિધા ખૂલ્લી મૂકી હતી. નવી દિલ્હીથી મળતી માહિતી મુજબ દેશની રાજધાની દિલ્હીમાં બીજા પ્રાંત કરતાં પણ વધારે માર્ગ અકસ્માત સર્જાય છે જે દરેક જાણે છે. આ હકીકત ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ચાર ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટરનો આરંભ કર્યો હતો. બુધવારે દિલ્હી પરિવહન મંત્રી કૈલાસ ગેહલોતે મયુર વિહાર સ્થિત ADTC પહોંચી રિમોટ મારફત સુવિધા ચાલું કરી દીધી હતી. સાથેજ ઝંડી બતાવીને ટેસ્ટ માટે ઉમેદવારોને ટેસ્ટ ટ્રેક ઉપર રવાના કરી દીધાં હતાં જ્યાં સીસીટીવીએ એમનો ટેસ્ટ લીધો.

આ નવી સુવિધા કઇ રીતે કામ કરે છે?

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરનાર વ્યક્તિ હવે ડ્રાઇવિંગ ટેસ્ટ પરિવહન અધિકારીને નહીં આપે પરંતુ ડાયરેકટ સીસીટીવી કેમેરા એનો ટેસ્ટ લેશે. ટેસ્ટ પૂરો થતાંજ એ વ્યક્તિનું પરિણામ તાત્કાલિક કેમેરા જાહેર કરી દેશે.

પરિણામની વિડિઓ પણ અરજદાર જોઇ શકશે.

જો કોઈ અરજદાર ટેસ્ટનું પરિણામ જોવાં ઇચ્છે તો એ કંટ્રોલ રુમમાં લાગેલ સ્ક્રીન ઉપર પરિણામ જોઇ શકશે. એ સેન્ટર મયુર વિહાર ફેજ-1, વિશ્વાસ નગર, સરાઇ કાલેખાં અને શકુરબસ્તીમાં બનાવવામાં આવેલા છે.

અકસ્માતો પર આવશે અંકુશ :

પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે જણાવ્યું કે, દિલ્હીમાં બનતાં રોડ અકસ્માતો બાબતે સરકાર ખુબ ચિંતિત છે એ ધ્યાનમાં રાખીને સરકારે પહેલી વખત સેન્ટર ચાલું કર્યું છે. અમેરિકામાં રોડ અકસ્માત ઓછાં હોવાનું કારણ એ છે કે ત્યાં ડ્રાઇવિંગ લાઇસન્સનાં નિયમો એકદમ કડક છે. આ સુવિધા ચાલું થતાં અકસ્માતોનું પ્રમાણ એકદમ ઘટી જશે. ઉપરાંત લાયસન્સ બનાવવાની પ્રક્રિયા પારદર્શક બની રહેશે.

દરરોજનાં 1300 ટેસ્ટ લેવાશે.

લાયસન્સની પ્રક્રિયા ઓનલાઈન હોવાથી લાઇનો લાગવાની કોઈ માથાકૂટ રહેશે નહીં. તેમણે જણાવ્યું કે, એક એકરની જમીન પર આ સેન્ટર બનાવેલ છે જેમાં દરરોજનાં1300 ટેસ્ટ લેવાશે. અરજદારો વધારે હશે તો સંખ્યા  આનાથી વધી શકે છે. આવાં આઠ બીજા કેન્દ્રો થોડાં સમયમાં ચાલું કરવાની ગણતરી છે. જો કોઇ અરજદાર કદાચ ટેસ્ટમાં નાપાસ થાય તો ગભરાવાની જરૂર નથી. એમને થોડાં દિવસમાં બીજો મોકો આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર વૈજ્ઞાનિક રૂપથી ડિઝાઇન કરવામાં આવી છે. ટેસ્ટમાં રીવર્સ, ઓવરટેકીંગ સહિતની બાબતો જોવામાં આવશે. સાથોસાથ ટ્રેક પર એક વિશેષ એક્જીટ બનાવવામાં આવશે જેથી જો કોઈ અરજદાર ટેસ્ટમાં અસફળ થાય તો તે બીજાં અરજદારને પરેશાન કર્યા વગર એક્જીટ દ્વારા નીકળી જશે.

સંપાદન – મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *