એકવાર ઓફિસથી થાકેલો એક વ્યક્તિ પોતાના ઘરે પહોંચે છે. ઘરે જઈને જુએ છે કે તેનો પુત્ર એની રાહ જોઈને બેઠો હોય છે. પુત્ર પૂછે છે કે પપ્પા હું તમને સવાલ પૂછી શકું? પપ્પાએ કહ્યું, પુછ ને બેટા, તારે શું પૂછવું છે? દીકરા એ પૂછ્યું, પપ્પા તમે એક કલાકના કેટલા રૂપિયા કમાવો છો? પપ્પાએ કહ્યું, બેટા કેમ આવા સવાલ પૂછે છે? તને એનાથી શું મતલબ છે? પપ્પા એનાથી ગુસ્સે થઈ ગયા. પરંતુ તેમ છતાં તે બાળકે જીદ છોડી નહીં અને ફરીથી એ જ સવાલ કર્યો.
આખરે તેના પપ્પાએ તેને જવાબ આપ્યો, બેટા હું એક દિવસના સો રૂપિયા કમાવ છું. ત્યારે દીકરાએ ફરી સવાલ કર્યો, પપ્પા તમે મને પચાસ રૂપિયા ઉધાર આપી શકો છો? દીકરા ની આ વાત સાંભળી તેના પપ્પા ગુસ્સે થઈ જાય છે અને તેના દીકરાને કહે છે, કે તું મને આટલા માટે જ આવા ફાલતું સવાલ પૂછતો હતો જેથી કરીને તું મારી પાસેથી પૈસા લે અને બેકારનું રમકડું કે વસ્તુ ખરીદી શકે. ચૂપચાપ તારા રૂમ માં જઈ ને સુઈ જા. વિચાર તું કેટલો સેલ્ફીસ છે. દિવસ રાત મહેનત કરી પૈસા કમાઉ છું અને તું એને બેકાર ની વસ્તુમા બરબાદ કરવા માગે છે.
તેનો દીકરો રડતો રડતો પોતાના રૂમ માં જઈ ને સુઈ જાય છે. તેના પપ્પા હવે વિચારવા લાગ્યા કે, મારા દીકરાએ આજ સુધી કોઈ દિવસ આવી રીતે પૈસાની માંગણી નથી કરી. લાગે છે કે તેને ખરેખર પૈસાની જરૂર હશે.
તે તેના દીકરાના રૂમમાં જાય છે અને તેના દીકરાને કહે છે કે આજે ઓફિસમાં થોડું વધારે કામ હતું એટલે તારા પર આજે ગુસ્સે થઈ ગયો. મને માફ કર અને આ લે તારા 50 રૂપિયા. હવે પુત્ર ખુશ થઈ જાય છે અને તેની પાસે રહેલ પોકેટ મની ના પૈસા સાથે આને પણ ગણવા લાગે છે. આ જોઈને તેના પપ્પા ફરીથી ગુસ્સે થાય છે અને કહે છે કે તારી પાસે પૈસા હોવા છતાં તે મારી પાસેથી પૈસા કેમ લીધા? પુત્ર એ જવાબ આપ્યો કે પપ્પા મારી પાસે ઓછા પૈસા હતા હવે પૂરા છે. પપ્પા આ લો પુરા સો રૂપિયા અને કાલે તમે ઓફિસથી થોડા વહેલા ઘરે આવજો. કેમકે મારે તમારી સાથે બેસીને જમવું છે.
મિત્રો આ સ્ટોરી માં મોરલ ફક્ત એટલું જ છે કે આ ભાગદોડ ભર્યા જીવનમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે એ લોકો માટે સમય નથી ફાળવી શકતા જે આપણા જીવનમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે માટે જ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આ દોડધામમાં પણ આપણે પોતાના મા-બાપ, પત્ની, પુત્ર અને મિત્રો માટે થોડો સમય કાઢી શકીએ નહીં તો એક દિવસ આપણને અહેસાસ થશે કે નાની-નાની વસ્તુના ચક્કરમાં બહુ બધું ગુમાવી દીધું છે.