પાછલા ૮૦ વર્ષ કરતાં પણ વધારે સમયથી અન્ન અને જળ વગર જીવતા પ્રહલાદભાઈ જાની (ચુંદડી વાળા માતાજી)નું નિધન

ગુજરાતમાં પાછલા ૮૦ વર્ષો થી પણ વધારે સમયથી અન્ન અને જળનો ત્યાગ કરીને જીવતા પ્રહલાદભાઈ જાનીનું નિધન થઇ ગયું છે. લોકો તેમને ચુંદડીવાળા માતાજી ના નામથી બોલાવતા હતા. પ્રહલાદભાઈ જાની વૈજ્ઞાનિકો માટે પણ એક કોયડો બની ગયા હતા. DRDO દ્વારા પણ તેમના પર રિસર્ચ કર્યું હતું, જેથી સૈનિકોને વિષમ પરિસ્થિતિઓમાં પણ ખાધા-પીધા વગર રહેવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી શકે.

જાણકારી અનુસાર ૨૩ ઓગસ્ટ, ૧૯૨૯ના દિવસે જન્મેલા પ્રહલાદભાઈ જાનીએ ૧૦ વર્ષની ઉંમરમાં જ આધ્યાત્મિક જીવન જીવવા માટે પોતાનું ઘર છોડી દીધું હતું. એક વર્ષ બાદ તેઓ અંબા માતાજીનાં ભક્ત બની ગયા હતા. ભક્તિ રસથી તરબોળ થયેલા પ્રહલાદભાઈ જાનીએ સાડી, સિંદૂર અને નાકમાં નથણી સહિત સમગ્ર મહિલાઓનો શૃંગાર કરતા હતા. પાછલા ૫૦ વર્ષ થી તેઓ અમદાવાદ થી ૧૮૦ કિલોમીટર દૂર એક પહાડી પર પ્રખ્યાત અંબાજી માતાજીનાં મંદિર પાસે ગુફામાં રહેતા હતા.

મધરાતે ૨:૪૫ વાગ્યે તેઓએ તેમના વતન ચરાડા ગામ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. મોડી રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની વાત સામે આવી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગબ્બર ખાતે તેમના પાર્થિવ દેહને લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ૨૮મી તારીખે ગુરુવારના દિવસે તેમના આશ્રમમાં જ સવારે ૮ વાગ્યે તેમને સમાધિ આપવામાં આવશે. ચુંદડીવાળા માતાજીનાં નામથી ઓળખાતા પ્રહલાદભાઈ જાનીનું નિધન થતા તેમના ભક્તોમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

તમને જણાવી દઈએ કે, તેમના અંતિમ દર્શન માટે જે કોઈ પણ ભક્તો આવશે, તેમને સામાજિક અંતરનું પાલન કરાવવામાં આવશે. પ્રહલાદભાઈ જાની ની તબિયત પાછલા થોડા દિવસોથી થોડી નાદુરસ્ત હતી. જેને લઇને તેઓને મેડિકલ તપાસ માટે અમદાવાદ પણ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોનાવાયરસ નો રિપોર્ટ પણ કરવામાં આવેલ હતો, બાદમાં તે રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.

તમે પણ બધા તેમને શ્રદ્ધાંજલી આપવા માટે કોમેન્ટમાં “જય માતાજી” જરૂરથી લખજો.