આગામી જાન્યુઆરીથી ટ્રેનમાં બેઠાં બેઠાં યાત્રાળુઓ ઘરગથ્થું સામાન અને સૌંદર્ય ઉત્પાદન સહિતની ચીજવસ્તુઓ ખરીદ કરી શકાશે. રેલ પ્રશાસન દ્વારા આ માટે સંબંધિત ફર્મને ઇજારો આપી દેવામાં આવ્યો છે. અલબત શરૂઆતમાં પસંદગીની ટ્રેનોમાં આ સુવિધા પ્રાપ્ત થશે. ત્યારબાદ ક્રમ:શ અન્ય ટ્રેનોમાં આ સુવિધા આપવામાં આવશે. આ પ્રકારની સેવાઓ માત્ર વિમાન મુસાફરો પૂરતી મર્યાદિત હતી પરંતુ હવે ટ્રેન યાત્રાળુઓ પણ વીઆઈપી સુવિધાનો લાભ લઈ શકશે.
જાણવાં મળતી વિગતો મુજબ વિમાન યાત્રા દરમિયાન યાત્રાળુઓ ઘરેલું સામાન તેમજ સૌંદર્ય ઉત્પાદન સહિતની ચીજવસ્તુઓ ખરીદી શકે છે. એજ રીતે રેલ વ્યવહાર મંત્રાલય આગામી જાન્યુઆરીથી પસંદગીની ટ્રેનોમાં વિમાનોની જેમ સૌંદર્ય પ્રસાધનો, ઘર-રસોઇ ઉપકરણો, ફિટનેસને લગતાં સરસામાન ટ્રેનની અંદર ખરીદી કરી શકશે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ર્ચિમ રેલવેનાં મુંબઈ ખંડ દ્વારા એક સંબંધિત ફર્મને પાંચ વર્ષ માટે ૧૬ જેટલી મેલ તથાં એક્સપ્રેસ ટ્રેનોમાં યાત્રા દરમિયાન યાત્રિકો આ વસ્તુઓ ખરીદી શકે તે માટેનાં ઇજારો આપવામાં આવ્યો છે. આ ઇજારદાર ફર્મ પાસે ઘરગથ્થું સામાન અને સૌંદર્ય ઉત્પાદન સહિતની તમામ નિયત ચીજવસ્તુઓ વેંચવાનું લાયસન્સ હશે.
પરંતુ લાયસન્સધારક ફર્મને આ વસ્તુઓ સિવાય ટ્રેનોમાં કોઇપણ ખાદ્યપદાર્થો, સિગારેટ, ગુટકા કે શરાબ વેંચવાની છૂટ આપવામાં નહીં આવે. વધુમાં મળતી વિગતો મુજબ આ વસ્તુઓ સવારે આઠ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી વેંચી શકાશે. અને વર્દીધારી બે કર્મચારીઓ પાસે આની જવાબદારી રહેશે.
યાત્રાળુઓ ડેબિટ-કાર્ડ તેમજ ક્રેડિટ-કાર્ડ મારફતે સરસામાન ખરીદ કરી શકશે. શરુઆતનાં પ્રથમ તબક્કામાં આ સુવિધા બે ટ્રેનમાં આપવામાં આવશે એ પછી આ સુવિધામાં બે-બે ટ્રેનોનો ઉમેરો કરવામાં આવશે.
રેલવેની પસંદગીની ટ્રેનોમાં વિમાનોની જેમ યાત્રા દરમિયાન ચીજવસ્તુઓ જાન્યુઆરીથી ખરીદ કરવાની રેલવે પ્રશાસકો દ્વારા અમલ કરવામાં આવશે એ સમાચારથી રેલ યાત્રાળુઓમાં હર્ષની લાગણી વ્યાપી જવાં પામી છે. કેમકે, આ સુવિધા માત્ર વિમાન યાત્રાળુઓ પુરતી મર્યાદિત હતી. હવે રેલવે યાત્રાળુઓ પણ આ વીઆઈપી સુવિધાનો લાભ લઈ શકશે.
સંપાદક : મહેન્દ્ર સંઘાણી, વરિષ્ઠ પત્રકાર – સુરત