રાક્ષસ, અસુર અને દૈત્ય આ દુનિયામાં કેવી રીતે આવ્યા? જાણો તેમના જન્મની કહાણી

કુદરતનો જૂનો નિયમ છે કે કઈક સારું હોય છે ત્યાં દુષ્ટતા પણ હોય છે. જેવી રીતે દુનિયામાં પોઝિટિવ એનર્જી હોય છે તો તેવી જ રીતે નેગેટિવ એનર્જી પણ હોય છે, દિવસમાં પ્રકાશ હોય છે તો રાત્રિમાં અંધકાર પણ હોય છે, જીવનમાં સુખ છે તો દુઃખ પણ આવે છે, પરોપકારી લોકો હોય છે તો લોકોને પણ કમી નથી. આવી જ રીતે પહેલાના સમયમાં દેવતા હતા તો રાક્ષસ પણ હતા.

હિન્દુ ધર્મમાં ઘણી પૌરાણિક કથાઓ, ગ્રંથ અને શાસ્ત્ર છે, તેમાં આપણે ઘણી વખત રાક્ષસોનું વર્ણન સાંભળ્યું હશે. આવી ઘણી વાર્તાઓમાં જેમાં ભગવાન રાક્ષસોનો વધ કરવા માટે ધરતી પર જન્મ લે છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રાક્ષસો, અસુર અથવા દૈત્યોનો જન્મ આખરે કેવી રીતે થયો હતો? તેઓ આ સંસારમાં કેવી રીતે આવ્યા? આજે અમે તમને તેના પાછળની એક દિલચસ્પ કહાની કહેવા જઈ રહ્યા છીએ.

આવી રીતે થયો રાક્ષસોના પિતા ઋષિ કશ્યપનો જન્મ

તમે જાણતા હશો કે આ સૃષ્ટિની રચના સ્વયં બ્રહ્માજીએ કરી છે. એમના કારણે આ સંસારમાં આજે દરેક વસ્તુઓ રહેલી છે. જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનું નિર્માણ કરી રહ્યા હતા તો તેમણે પોતાની મદદ માટે પોતાના માનસ પુત્રોને જન્મ આપ્યો હતો. તેમાંથી એક હતા મરીચિ પુત્ર ઋષિ કશ્યપ. એવું માનવામાં આવે છે કે ઋષિ કશ્યપ જ હતા જેમના વંશજ આ સૃષ્ટિનાં વિસ્તારમાં સહાયક સિદ્ધ થયા હતા.

૧૭ સ્ત્રીઓ સાથે કર્યો હતો ઋષિ કશ્યપે વિવાહ

સંસારની રચનામાં મદદ કરવા માટે ઋષિ કશ્યપે દક્ષ પ્રજાપતિની ૧૭ પુત્રીઓ સાથે વિવાહ કર્યા હતા. આ પુત્રીઓના નામ અદિતિ, દિતી, દનું, કાષ્ઠા, અરીષ્ઠા, સુરસા, ઇલા, મુનિ, ક્રોધવશા, તામ્રા, સુરભિ, તિમિ, વિનતા, કદ્રુ, પતંગી અને યામિની છે. માન્યતા છે કે ઋષિ કશ્યપ અને તેમની ૧૭ પતિઓના માધ્યમથી જ આ સંસારમાં ઘણાં પ્રાણીઓનો જન્મ થયો છે.

કઈ પત્નીથી કોણ પેદા થયું?

ચાલો હવે જાણીએ કે ઋષિ કશ્યપની કઈ પત્નીથી ક્યાં પ્રાણીનો જન્મ થયો. અદિતિ થી સૂર્ય નો જન્મ થયો, દિતી થી દૈત્ય, દાનું થી દાનવ દુનિયા મા આવ્યા, કાષ્ઠા થી અશ્વોનો જન્મ થયો, અનિષ્ઠા થી ગંધર્વ જ્યારે સુરસા થી રાક્ષસ જનમ્યા. ત્યારબાદ ઇલા થી વૃક્ષ બન્યા, મુનિ થી અપ્સરાગણ પધારી, ક્રોધવશા થી સાંપનો જન્મ થયો તો સુરભિ થી ગૌ માતા પ્રકટ થયા. મહિષસરમા નામક પત્ની થી શ્વાપદ (હિંસક પશુઓ), તામ્રા થી જળજંતુ આવ્યા, વિનતા થી ગરુડ અને અરુણનો જન્મ થયો, કદ્રુ થી નાગની ઉત્પત્તિ થઈ, પતંગી થી પતંગ તો યામિની થી શલભ આવ્યા.

પર્વત જેવા વિશાળ દૈત્યોનો જન્મ કેવી રીતે થયો?

કહાનિયો અનુસાર કશ્યપ અને દિતી એ બે જોડિયા પુત્રો હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષને જન્મ આપ્યો. આ બંને પર્વત જેવા વિશાળ હતા. બસ તેમના માધ્યમથી બધા જ દૈત્યની ઉત્પત્તિ થઈ હતી.