સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીની ૫૪ ફુટ વિરાટ મુર્તિનું સ્થાપન કરાશે, “કિંગ ઓફ સાળંગપુર” તરીકે ઓળખાશે, જુઓ તસ્વીરો

Posted by

ગુજરાતનાં બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર ગામ કષ્ટભંજન હનુમાનજી દાદાના ધામ તરીકે ખુબ જ પ્રખ્યાત છે. સમગ્ર ભારત માંથી જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માંથી ભક્તો અહીંયા શ્રદ્ધા અને આસ્થાથી કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરવા માટે આવતા હોય છે. લોકો અહીંયા પોતાનું માથું નમાવીને કષ્ટભંજન પાસે પોતાના કષ્ટ દુર કરવાની પ્રાર્થના કરતા હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરે છે, તેની બધી જ ઈચ્છાઓ પુરી થઈ જતી હોય છે. એટલા માટે જ એવું પણ કહેવામાં આવે છે કે “કષ્ટભંજન દેવ સત્ય છે.”

હવે કષ્ટભંજન ધામ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં હનુમાનજીનું આ મંદિર “કિંગ ઓફ સાળંગપુર” નાં નામથી ઓળખાશે. કારણ કે હવે સાળંગપુર ધામમાં હનુમાન દાદાની ૫૪ ફુટ ઊંચી મુર્તિ ની સ્થાપના કરવામાં આવી રહી છે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત સાળંગપુર મંદિરમાં કષ્ટભંજન દેવની ૫૪ ફુટ મુર્તિ ની સ્થાપના કરવામાં આવી રહી છે, જેની તૈયારીઓ હાલના સમયમાં જોરશોર થી ચાલી રહી છે. હનુમાન દાદાની આ ૫૪ ફુટ ઊંચી મુર્તિ બનાવવાનું કામ હરિયાણા રાજ્યના માનસર ગામમાં ચાલી રહ્યું છે, જેમાંથી મુર્તિનો છાતીનો તથા પગ નો ભાગ સાળંગપુર ધામમાં સ્થાપિત કરવા માટે પહોંચી ચુકેલ છે.

સાળંગપુર ધામ માં હનુમાનજી ઉપર લોકોની આસ્થા જોડાયેલી છે, જેથી અહીંયા દર્શન કરવા માટે ફક્ત દેશમાંથી જ નહીં પરંતુ દુર દુર વિદેશોમાંથી પણ ભક્તો આવતા હોય છે, એટલા માટે સાળંગપુરના સંતો દ્વારા આગામી દિવસોમાં સાળંગપુર ને ફક્ત એક ધાર્મિક સ્થાન નહીં, પરંતુ પર્યટક સ્થળ પણ બનાવવામાં આવે એવો વિચાર કરવામાં આવેલો હતો. જેથી અહીંયા હનુમાનજીની વિરાટ ત્રાંબામાંથી બનેલી ૫૪ ફુટની મુર્તિ સ્થાપિત કરવાનું કામ પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે.

હનુમાનજીની આ વિરાટ મુર્તિની સાથો સાથ લાઈટ અને સાઉન્ડની સાથે હનુમાન ચાલીસા સાંભળવા મળે તથા સાળંગપુર મંદિરનો ઇતિહાસ લોકો સુધી પહોંચી શકે તેના માટે પણ સંતો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

હાલના સમયમાં મુર્તિના અમુક ભાગ સાળંગપુર ની નજીક આવેલ કુંડળધામમાં પહોંચ્યા હતા. જ્યાં દાદાની મુર્તિના મુખ નું વિધિવત પુજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની આરતી કરીને તેને સાળંગપુર મંદિર ખાતે લઈ જવામાં આવેલ. આ મુર્તિની ખાસ વિશેષતા એવી છે કે તેને “કિંગ ઓફ સાળંગપુર” પ્રોજેક્ટ અંતર્ગત ૧,૩૫,૦૦૦ સ્ક્વેર ફુટની વિશાળ જગ્યામાં આ મુર્તિને સ્થાપિત કરવામાં આવશે.

હનુમાનજીની આ વિશાળ મુર્તિનું વજન અંદાજે ૩૦,૦૦૦ કિલો હશે. સાથોસાથ આ મુર્તિની ખાસ વાત એ છે કે તે વેધર પ્રુફ અને ભુકંપ પ્રુફ હશે. એટલે કે ભારેમાં ભારે ભુકંપમાં પણ આ મુર્તિની કાંકરી પણ હલશે નહીં તથા આ મુર્તિની ખાસ વાત એ છે કે હનુમાનજીની આ વિશાળ મુર્તિને ૭ કિલોમીટર દુરથી પણ ભક્તો દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સાળંગપુર ધામમાં હનુમાનજીની આ મુર્તિની આસપાસ એક સાથે ૧૨,૦૦૦ લોકો બેસી શકે તેવા વિશાળ બગીચા નું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે. સાળંગપુર ધામમાં ફક્ત ધર્મ પ્રેમી લોકો જ નહીં, પરંતુ બાળકો અને યુવાનો પણ હરવા ફરવાના શોખથી આવી શકે તેના માટે પર્યટન સ્થળ તરીકે પણ સાળંગપુર ધામમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિકસાગર સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી નાં માર્ગદર્શન અંતર્ગત હનુમાન દાદાની વિશાળ મુર્તિ બનાવવાનું કામકાજ હરિયાણાનાં માનસર ખાતે ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં ખુબ જ ઝડપથી કામગીરી પુર્ણ થાય તેવી રીતે આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું અનાવરણ કરવામાં આવે તેના માટે પણ સાળંગપુર મંદિરના સંતો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *