સત્યઘટના : દયામણો ચહેરો ધરાવતાં એ માસુમ બાળકે દસની નોટ લેવાનો ઇન્કાર કર્યો, દિલ કંપાવી દેનાર સ્વમાની બાળકનો આ કિસ્સો વાંચવાનું ચૂકશો નહીં

Posted by

એ સગીર કિશોરની આંખમાં લાચારી ટપકતી દેખાઇ. આમતો એ પહેરેલાં કપડાં ઉપરથી સુખી ઘરનો હોય એવો દેખાવમાં લાગતો હતો. એણે કહ્યું, ‘ ના, મારે દસ રુપિયા જોતાં નથી. હું કી-ચેઇન વેંચુ છું એ તમારે જોઇતું હોય તો લ્યો.’ મેં કી-ચેઇનની કિંમત પૂછી તો એણે વીશ રુપિયા કહ્યાં.

મારાં પુત્ર અમિતે ખિસ્સામાંથી પચાસની નોટ કાઢીને એ કિશોર સામે ધરી એટલે પેલો કહે, ‘ સાબ મારી પાસે છુટ્ટા નથી.’ અમિતે કહ્યું’ લાવ, બે કી-ચેઇન. પેલો છોકરો છુટ્ટા લેવાં પાણી-પુરી વાળા પાસે ગયો અને બે કી-ચેઇનની સાથે દસની નોટ અમિતને આપી દીધાં. અમિતે પેલાને કહ્યું, આલે દસ રુપિયા. આની તું પાણી-પુરી ખાઇ લેજે.

અમને એમ લાગ્યું કે,હવે આ પાણી-પુરીનું નામ સાંભળીને દસ રુપિયા લઇ લેશે અને ચૂપચાપ પાણી-પુરી ખાઇ લેશે. અમારાં આશ્ચર્ય વચ્ચે પેલાએ કહ્યું ‘નહીં, મારે પાણી-પુરી નથી ખાવી. આ લ્યો તમારાં દસ રુપિયા.’

આટલું કહી એ કિશોર અમિતનાં હાથમાં દસની નોટ પકડાવી સડસડાટ જતો રહ્યો. અમે તાજ્જુબ થઈ ગયાં. મેં મારી જીંદગીમાં આવો સ્વમાની કિશોર જોયો નહોતો. આ કિસ્સો લખતી વખતે  પેલાં કિશોરનો માસૂમ ચહેરો મારી નજર સમક્ષ તરવરી રહ્યો છે. ભીખ માગતાં નાની વયનાં બાળકો આપણે ઘણીવાર જોઇએ છીએ તો, સ્વમાન અને ખુમારીથી રોડ ઉપર ચીજવસ્તુઓ વેંચતા બાળકો પણ અવારનવાર જોવાં મળે છે ત્યારે આ કિસ્સો મારાં જીવનમાં અમિટ છાપ છોડી જશે. સંસ્કાર એ કોઇનો ઇજારો નથી. પેલાં કિશોરને મા-બાપે એવાં સંસ્કાર આપ્યાં હશે તોજ આટલી પ્રમાણીકતા એનામાં હશેને.

પરંતુ, એ છોકરાનાં ચહેરા ઉપર લાચારીનાં ભાવ શેનાં લીધે હશે ? એવું પણ બન્યું હોય કે, આખાં દિવસની રઝળપાટ પછી કી-ચેઇન વેંચાયા નહીં હોય એટલે એ છોકરાનો ચહેરો દયામણો લાગતો હશે. આ સત્યઘટના સુરતનાં વરાછામાં આવેલ ડી-માર્ટની બહાર અમે અનુભવી હતી. ડી-માર્ટની બહાર એ માસુમ બાળક કી-ચેઇન વેંચતો હતો.

મેં આ કિસ્સાનું વર્ણન લંબાણથી એટલાં માટે કર્યું છે કે, તમે પણ રોડ ઉપર ફુગ્ગા કે રમકડાં વેંચતા આવાં બાળકો પાસેથી વસ્તુઓ ભાવમાં બાંધછોડ કર્યા વગર જરૂર ખરીદો. આ વાંચીને ઘણાં કહેશે કે, આવી પ્રવૃત્તિ ઉપર સરકારે અંકુશ લાવવો જોઈએ. આપણે આને પ્રોત્સાહન નહીં આપવું જોઈએ. પરંતુ સરકાર કે આપણે ગમે એટલાં ધમપછાડા કરીએ. આની ઉપર અંકુશ નહીં લાવી શકાય. ગમે તે સમાજ કે જ્ઞાતિ હોય. બીજા દાન-દક્ષીણા પાછળ નાણાં વેડફવા કરતાં આવાં ગરીબ પરિવારોને મદદ કરશો તોય ઇશ્વર આપણાં ઉપર રાજી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *