સૌથી અમીર વ્યક્તિએ કરી ભવિષ્યવાણી – આવનારા સમયમાં મનુષ્ય અંતરીક્ષમાં જન્મ લેશે અને ધરતી પર રજાઓમાં ફરવા આવશે

દુનિયામાં બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસ દ્વારા અંતરીક્ષ પર રાજ કરવા માટે પોતાનો ખજાનો ખોલી નાખ્યો છે. બ્લુ ઓરિજિન નાં ભવિષ્યને લઈને આયોજિત એક ચર્ચામાં બેજોસ દ્વારા કંપનીની યોજનાઓ, અંતરિક્ષમાં શોધ અને ધરતીને બચાવવા જેવા મુદ્દા પર પોતાનું મંતવ્ય રાખ્યું હતું. તેમણે અંતરિક્ષમાં રહેવાને લઈને કહ્યું હતું કે તે એક પ્રકારથી તરતા ઘરની જેવું હશે, જ્યાં પૃથ્વીનાં વાતાવરણ અને ગુરુત્વાકર્ષણની નકલ કરવામાં આવશે. આ તરતા ઘરમાં ૧૦ લાખ લોકો રહી શકશે અને ત્યાં નદીઓ, જંગલ અને વન્ય જીવ પણ હશે.

બેજોસે કહ્યું હતું કે સદીઓ સુધી સ્પેસમાં લોકો જન્મ લેશે અને અહીંયા તેમનું પહેલું ઘર હશે. તેઓ અંતરિક્ષમાં જન્મ લેશે અને ત્યાર બાદ તેઓ ધરતી પર યાત્રા કરવા માટે આવશે. આ કઈક એવું હશે જ્યારે આપણે રજાઓ ગાળવા માટે આપણા નજીકના નેશનલ પાર્કમાં જતા હોઇએ છીએ. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના એક ભાષણમાં પહેલી વખત અંતરિક્ષમાં માનવ વસ્તી વસાવવાની યોજના પર વિચાર શેર કર્યો હતો.

એમેઝોન કંપની નાં માલિક જેફ બેજોસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અન્ય કોઈ ગ્રહ પર જઈને જીવન ફરીથી શરૂ કરવાથી વધારે યોગ્ય છે કે અંતરિક્ષમાં માનવજીવન વસાવવામાં આવે. તેમણે કહ્યું હતું કે જો મંગળ ગ્રહને બદલી નાખીએ છીએ અથવા તો આ પ્રકારનું કંઈક નાટકીય કરીએ છીએ તો તે ખુબ જ પડકારજનક હશે અને એક રીતે બીજી પૃથ્વી બનાવવા જેવું હશે. ત્યારબાદ ત્યાં ૧૦ થી ૨૦ અબજ લોકો રહી શકશે.

જણાવી દઈએ કે ધરતીની બહાર જીવનને કેવી રીતે વિકસિત કરી શકાય તેને લઈને બેજોસ અને તેના વિરોધી અબજપતિ એલન મસ્ક ની વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. એલન મસ્ક બેજોસ ને પછાડીને હાલના સમયમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એલન મસ્ક ની સ્પેસ કંપની સ્પેસએક્સ નું મુખ્ય લક્ષ્ય મંગળ ગ્રહ પર માનવ વસ્તી વસાવવાનું છે. આ રીતે બેજોસ દ્વારા અંતરિક્ષમાં માનવ વસ્તી વસાવાનો દાવ ખેલીને એલન મસ્ક પર નિશાન સાધવામાં આવેલ છે.