આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાણી વગર માનવ શરીરની કલ્પના નથી કરી શકાતી. તમને જણાવી દઈએ કે આપણા શરીરનો 50 થી 60 ટકા ભાગ પાણીનો બનેલો છે. એવામાં તમે અંદાજો લગાવી શકો છો કે પાણી શરીર માટે કેટલું જરૂરી છે. પાણી શરીર ના અંગો ની રક્ષા કરે છે અને શરીરની કોશિકાઓ સુધી ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડવાનું કામ કરે છે. આ સિવાય પાણી શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરે છે. જો તમે સમય સમય પર પાણીનું સેવન કરો છો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો.
ઘણા લોકો એવા હોય છે જેમને રાત્રે પાણીની તરસ નથી લાગતી જેના લીધે તેઓ રાતના સમયે પાણી પીતા નથી. તેવામાં લોકોએ સવારના ઉઠીને બે થી ત્રણ ગ્લાસ પાણી પીવું જોઈએ, કારણકે સવારના સમયે શરીરને પાણીની સૌથી વધારે જરૂર હોય છે. સવારના નરણા કોઠે પાણી પીવાના ઘણા ફાયદાઓ છે, જેને જાણી લીધા બાદ તમે પણ સવારે ઊઠીને નરણા કોઠે પાણી પીવા લાગશો. સ્વસ્થ રહેવા માટે આપણે ઘણી જાતની દવાઓનું સેવન કરીએ છીએ અને ઘણા ઉપાયો પણ અપનાવીએ છીએ પરંતુ મોટાભાગની બીમારીઓનો ઈલાજ પાણી માં છુપાયેલો છે.
સવારે ખાલી પેટ પાણી પીવાના ફાયદા
- જો તમે સવારે ઊઠીને પાણી પીવો છો તો તમને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનું સમાધાન મળી જશે. તેના લીધે પેટ પૂર્ણ રીતે સાફ થઈ જાય છે અને કબજિયાતની સમસ્યા રહેતી નથી.
- જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારું મગજ શાંત રહે છે તેવા સમયમાં જો તમે પાણી પીવો છો તો પાણી તમારા મગજને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે જેના લીધે મગજ તંદુરસ્ત રહે છે.
- સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરની સારી રીતે સફાઈ થઈ જાય છે. મતલબ કે એ શરીરમાં રહેલ હાનિકારક અને ઝેરી તત્વો મળ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે, જેના લીધે શરીર અમુક હદ સુધી વિષાણુથી બચી જાય છે.
- જો તમે વધતા વજનથી પરેશાન છો તો સવારે વહેલા પાણી પીવાની આદત અપનાવી જોઇએ. કારણકે સવારના પાણીથી મેટાબોલીઝમ વધે છે જેના લીધે તમારું વજન ઓછું થાય છે. જો પેટમાં ચરબી છે તો તે પણ ઓછી થવા લાગે છે.
- સવારના પાણીથી શરીર નું તાપમાન નિયંત્રિત રહે છે, તેવામાં નાની-મોટી બીમારીઓથી લડવામાં ખૂબ જ મદદ મળે છે.
- સવાર નું પાણી શરીરના હાનિકારક અને ઝેરી તત્વો ને મળ દ્વારા શરીરની બહાર કાઢે છે એટલે પેશાબ સંબંધી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. વળી તેની સાથે સમય સમય પર પાણી પીવાથી પેશાબમાં બળતરા અને ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
- જ્યારે તમે સવારે નરણાં કોઠે પાણી પીવો છો તો તેના લીધે ત્વચા પર તાજગી બનેલી રહે છે. કારણકે પરસેવાને લીધે હાનિકારક તત્વો ત્વચાની બહાર નીકળી જાય છે જેથી ત્વચા સાફ થઇ જાય છે.
- લોહીને સાફ કરવામાં પણ પાણીનો ખૂબ જ યોગદાન છે. જ્યારે લોહી શુદ્ધ હોય છે તો તે નવી કોશિકાઓ અને માસપેશીઓને નિર્માણ કરવામાં મદદ કરે છે.
- પાણી શરીરના લગભગ બધા જ અંગોને સ્વસ્થ્ય બનાવી રાખવા માટે ખૂબ જ મદદ કરે છે, જેના લીધે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને ઘણી બીમારીઓ શરીરથી દૂર રહે છે.
- શરીરના બધા અંગો ને પોતાનું કાર્ય કરવા માટે પાણીની જરૂર રહે છે. જ્યારે તમે સમય સમય પર પાણી પીવો છો તો શરીરના બધા જ અંગો પોતાનું કામ ખુબ જ સારી રીતે કરી શકે છે. એવામાં શરીર દિવસભર સ્ફૂર્તિ ભરેલું રહે છે.
તો હવે તમે સવારે નરણાં કોઠે પાણી પીવાના ફાયદા જાણી ગયા છો. હવે તમે પણ સવારે પાણી પીવાની આદત બનાવી લો. તમને જણાવી દઈએ કે જાપાનની મેડીકલ સોસાયટીના જણાવ્યા અનુસાર જો તમે સવારે ઊઠીને પાણી પીવો છો તો તમે ડાયાબિટીસ, કબજીયાત, કેન્સર, માથાનો દુખાવો, શરીરનો દુખાવો, હૃદયની બીમારીઓ, ઝાડા, પાઇલ્સ, કિડની તથા પેશાબની બીમારીઓ, વોમિટિંગ, ગેસ, ચરબી, અસ્થમા, ટીબી વગેરે જેવી બીમારીઓથી બચી શકો છો. જો તમે હંમેશા સ્વસ્થ રહેવા માંગો છો તો સવારે નરણાં કોઠે પાણી પીવાની આદત જરૂર અપનાવી જોઇએ.