મોબાઇલ અને મોબાઇલ ટાવર રેડિયેશનનાં દુષ્પ્રભાવ વિશે અગાઉ જાણકારી આપવામાં આવી હતી. જેમાં છેલ્લે એનાં હાનિકારક રેડીએશનની પ્રકૃતિ ઉપર કેવી ઘાતક અસરો જોવાં મળે છે એની હવે પછી માહિતી અપાશે એવું જણાવેલું. હવે આજનાં લેખમાં રેડીએશનની ચોંકાવનારી જાણકારી પેશ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
વિશ્વનાં અનેક દેશો આની લપેટમાં આવી ચૂક્યાં છે. ભારતની વાત કરીએ તો હાલમાં ભારતમાં પક્ષીઓની ૪૨ જેટલી પ્રજાતિઓ નાશ થવાને આરે છે. વિશ્વનાં અલગ અલગ પ્રકારના પક્ષીઓ, જીવજંતુ વગેરે મોબાઇલ ટાવરમાંથી નીકળતા હાનિકારક રેડીએશનનો ભોગ બની રહ્યા છે. મનુષ્ય કરતાં પણ વધારે નાના-મોટાં પ્રાણી-પક્ષી-જંતુઓ-છોડ-વૃક્ષો-વન્ય જીવો ભોગ બની રહ્યાં છે.
એક સર્વે મુજબ વન્ય પ્રાણીઓ ની હાર્મોનલ બેલેન્સ પર રેડીએશનની ખતરનાક અસરો દેખાવાં લાગી છે. જે પક્ષીઓમાં મેગ્નેટીક સેન્સ હોય છે તે વિદ્યુત તરંગોનાં પ્રતિકૂળ પ્રભાવમાં આવીને સહનશકિત ગુમાવી બેસે છે. તરંગોનાં ઓવર લેપીંગને કારણે પક્ષી પોતાનાં પ્રવાસ માર્ગમાંથી બહાર ભટકવા માંડે છે. વૈજ્ઞાનિકોનો અભ્યાસ જણાવે છે કે, મોબાઈલ ટાવર આસપાસ અનેક પ્રકારના પક્ષીઓ બહું ઓછાં જોવાં મળે છે. ઉપરાંત એવાં પક્ષીઓની પ્રજનન ક્ષમતા અને નર્વસ સિસ્ટમ ઉપર વિપરીત અસર પડે છે. ચોંકાવનારી વાત એ છે કે, વિશ્વનાં માનીતાં એવાં મેના, ગોરૈયા, પોપટ અને ઉચ્ચ હિમાલયન પક્ષીઓ ઉપર સૌથી વધારે ખતરો દેખાય છે. ખાસ કરીને ગોરૈયાની સંખ્યા ઘટવામાં મોબાઇલ ટાવરનો સારો એવો ફાળો મનાય છે. આયુર્વેદમાં જેનાં ગુણગાન ગવાય છે તે મધ પેદા કરતી મધમાખી માટે રેડીએશન વિનાશકારી છે.
એ ઉપરાંત ફળ-ફુલો, વનસ્પતિ, શાકભાજી અને દુધ પણ એમાંથી બાકાત નથી. જ્યાં ટાવર લાગેલ હશે એની નીચે આવેલ વૃક્ષો ફક્ત છાંયા આપશે, ઉત્પાદન નહીં… એવાં વૃક્ષો પર પક્ષીઓ અસ્તિત્વ ગુમાવે છે. પરાગકણ પદ્ધતિ થકી ફળ-ફુલ, કઠોળ અને ખાસ પ્રકારના ફસલોનાં ઉત્પાદનમાં મઘમાખીનો ફાળો ૫૦ થી ૮૦ ટકા હોય છે. જો આનાથી વધુ પ્રમાણ ઘટશે તો એનું પરિણામ કેવું ખરાબ આવશે એની કલ્પના કંપાવી દેનારી છે.
દુનિયામાં રેડિયેશનનાં ખરાબ પ્રભાવ બાબતે વિરોધ બુલંદ બનતો જાય છે કેમકે ટાવરો પર અંકુશ લગાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં સૃષ્ટિનું પતન થતાં વાર નહીં લાગે. અૉલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ અૉફ મેડિકલ સાયન્સે નોંધ્યું હતું કે, મોબાઈલ રેડીએશન બ્રેઇન ટ્યુમર માટે જવાબદાર છે. પરંતુ મોબાઇલ ટાવર કંપનીઓ આ મત સાથે સહમત નથી. ૧૯૯૬ થી ૨૦૧૬ વચ્ચે દુનિયામાં ૨૨ અધ્યયનો થયાં જેમાં ૪૮, ૪૫૨ વ્યક્તિઓને હિસ્સો બનાવી સર્વે હાથ ધરાયો હતો. પર્યાવરણ મંત્રાલયે ટાવર બાંધકામનાં મુદ્દે ખાસ માર્ગદર્શન દુરસંચાર મંત્રાલયને આપેલ તેમાં એક કિલોમીટરની હદમાં એક ટાવરથી વધારે ટાવર ન લગાવવાં સુચન કર્યું હતું. હવે તો ભારતનાં ગામડાથી લઇને દિલ્હી – મુંબઇ જેવાં મહાનગરોમાં દૈનિક લાખોની સંખ્યામાં બિમાર લોકો હોસ્પિટલમાં ચક્કર લગાવતાં જોવાં મળે છે. બેલગામ-ભ્રષ્ટ સત્તાધીશો અને લાલચુ વહીવટી તંત્રની બેદરકારી ઉપરાંત આંખ આડા કરવાની જનતાની વૃત્તિ કે અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ વગેરે કારણોસર દેશમાં મોબાઇલ ટાવરોની સંખ્યા વધી રહી છે. ટાવરથી માત્ર નેટવર્ક નહીં કેન્સર, બ્રેઇન ટ્યુમર, ચામડીનાં રોગ, હાર્ટ એટેક વગેરે સોગાદમાં મળી રહ્યાં છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ કેન્સર રિસર્ચ સેન્ટર, ચિતરંજન કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સહિત જાણીતી સંસ્થાઓનાં અનેક સર્વેલન્સ પછી વસાહતો વાળી જગ્યા પર ટાવરો નહીં લગાવવાની સલાહ આપી હતી. પરંતુ કમનસીબે આવી સલાહો કોઈ માનતું નથી.
ટેક્નોલોજીનો વિકાસ એક રીતે સૃષ્ટિ માટે વિનાશકારી સાબિત થતો જાય છે. ૨જી, ૩જી,૪જી મોબાઇલ ટાવર કંપનીઓ અને મલ્ટીનેશનલ કંપનીઓનાં સામ્રાજ્ય થકી આપણાં સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ કમજોર બની છે. આવી કંપનીઓ કાયદા-કાનૂની હાંસી ઉડાવી રહી છે. જ્યાં સુધી આની સામે સમાજમાં ક્રાંતિ નહીં આવે ત્યાં સુધી આપણે સહન કરવાનું રહેશે.
લેખ સંપાદક : મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)