શું જન્મ બાદ પોતાની કુંડળીમાં લખેલું બદલી શકાય છે? શું આપણે પોતાના ભવિષ્યને બદલી શકીએ છીએ

વાસ્તવિકતાની ખૂબ જ નજીક સુધી ભવિષ્યવાણી કરી શકાય છે. પરંતુ આવશ્યકતા છે જ્યોતિષના ગુઢ રહસ્યો ની જાણકારી તથા ગ્રહોની ચાલને સમજવાની. જો ભવિષ્યમાં થતી ઘટનાઓની જાણકારી આપણને વર્તમાનમાં મળી જાય તો આપણે ભવિષ્ય માટે ઘણી બધી તૈયારીઓ કરી શકીએ છીએ. ભવિષ્યમાં થતી દુર્ઘટનાઓને ટાળી શકાય છે અથવા તો તેના દુષ્પ્રભાવને ઓછો કરી શકાય છે. આ શતાબ્દીમાં જ્યોતિષ વિદ્યા ને નવો આયામ આપનાર ડોક્ટર વી.વી. રમન એ બેંગ્લોરમાં એક ઉદ્યોગપતિની જન્મકુંડળી જોઈ અને કહ્યું હતું કે તે વ્યક્તિ પોતાની આગલી સમુદ્ર યાત્રામાં ડૂબીને મરી જશે. ઉદ્યોગપતિએ મહિના બાદ સમુદ્રની યાત્રા કરી. તે સકુશળ પોતાના સ્થાન પર પહોંચી ગયો.

જે હોટલમાં તે રોકાયો હતો ત્યાં તેને ભોજનમાં માછલી પસંદ કરી. ભોજન કરતા સમયે માછલીના શરીરમાં ભૂલથી છૂટી ગયેલો કાંટો તેના ગળામાં ફસાઈ ગયો. તેને કાઢવા માટે કરવામાં આવેલા ઓપરેશન દરમિયાન ઉદ્યોગપતિનું મૃત્યુ થઈ ગયું. આ પ્રસંગમાં ભવિષ્યવાણીને ખોટી કહી શકાય નહીં અને સાચી પણ કહી શકાય નહીં. ખોટી એટલા માટે કહી શકાય નહીં કારણ કે મૃત્યુ સમુદ્ર યાત્રા પૂર્ણ થયા બાદ થયું અને તેના મૃત્યુના કારણોમાં જળચર પ્રાણી પણ હતું. અને સાચી એટલા માટે કહી શકાય નહીં કારણ કે તેનું મૃત્યુ સમુદ્રમાં ડૂબીને મરવાનું જણાવવામાં આવ્યું હતું.

મોટાભાગે જોવામાં આવે છે કે જ્યોતિષી લોકો પોતાની વિદ્યાઓનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી અથવા તો એવું કહી શકાય કે પૂર્ણ ઉપયોગ કરી શકતા નથી અને સાચી ભવિષ્યવાણી કરવામાં ઘણી વખત ચૂક થઈ જાય છે. હકીકતમાં જોવામાં આવે તો જ્યોતિષ વિદ્યા મનુષ્યના પાછલા કર્મોનું દંડ અને પુરસ્કાર જણાવનાર વિજ્ઞાન છે. પ્રોફેસર વી.વી. રમન ને કોઈએ પૂછ્યું હતું કે કર્મોનું પરિણામ અટલ છે. ભાગ્યમાં જે લખેલું છે તે થઈને જ રહે છે તો જાણવાથી શું લાભ? પોતાના ભવિષ્યને જાણીને તણાવમાં આવીને પોતાનું વર્તમાન શા માટે ખરાબ કરવામાં આવે?

પ્રોફેસર રમને ઉત્તર આપ્યો હતો કે તે જાણકારીના આધાર પર પોતાના ભવિષ્યને સુધારી શકાય છે. ઓછામાં ઓછું એવું તો કરી શકાય છે કે આપણે પોતાના કરેલા કર્મોનું પરિણામ ભોગવવા માટે માનસિક રૂપથી તૈયાર રહીએ. દુઃખદ સંભાવનાઓને ટાળી શકાય નહીં, તો ઓછામાં ઓછું તેનો સામનો કરવાની તૈયારી કરી શકીએ છીએ.

પ્રોફેસર રમન કહે છે કે ભવિષ્યને જાણી લીધા બાદ તેને બદલી પણ શકાય છે. નીચલી કોર્ટમાં અપરાધ સાબિત થયા બાદ અને સજા સંભળાવ્યા બાદ ઉપરની અદાલતમાં અપીલ કરવામાં આવે છે. ત્યાં પણ અપરાધ સાબિત થઈ જાય તો બે પરિસ્થિતિ ઉભી થાય છે. એક કે સજા જળવાઈ રહે અને બીજું કે તેમાં અમુક છૂટછાટ મળી જાય અથવા તો દંડનું સ્વરૂપ બદલી જાય. નીચલી કોર્ટમાં ફાંસીની સજા સંભળાવવામાં આવેલા લોકોને ઉપરની અદાલતમાં ઘણી વખત રાહત મળે છે. તેમની ફાંસીની સજા મોટેભાગે આજીવન કારાવાસમાં બદલી જાય છે. ભાગ્યમાં ઊલટો ફેર ની સંભાવના આવી જ રીતે થતી રહેશે. તે સંભાવનાઓનો ઉપયોગ કરવો જોઈએ.

પ્રોફેસર એસ.કે. સુબ્રમનિયમ સ્વામી “એસ્ટ્રો ડેસ્ટીની એન્ડ વિલનેસ” પુસ્તકમાં લખે છે કે જ્યોતિષીએ દુઃખદ ભવિષ્યવાણી કરવાથી બચવું જોઈએ. બની શકે છે કે નિયતિનું વિધાન અન્ય કોઈ રીતે કામ કરે અને ભવિષ્યમાં જે થવાનું છે તે ટળી જાય. પરંતુ એક વખત જો દુઃખદ ભવિષ્ય વાણી કરી દીધી અને વ્યક્તિએ તેને માની લીધી તો દુઃખની સંભાવના વધી જાય છે. વળી જો સંભાવના ટળી રહી હોય તો પણ તેને આમંત્રણ મળે છે.

રોગ, નુકસાન, મૃત્યુ, વિગ્રહ વગેરે ભવિષ્યવાણીઓ સાચી સાબિત થવામાં ફક્ત મજબૂત કારણો હોતા નથી પરંતુ તેની ઘોષણા પણ એક અંશમાં જવાબદાર હોય છે. જે દુર્ઘટનાઓ માટે આવશ્યક પૃષ્ઠ ભૂમિ ની રચના કરે છે. આ પ્રકારની ઘોષણાઓ ક્યારેક ક્યારેક વ્યક્તિના મનમાં પ્રતિરોધ ક્ષમતા ઉત્પન્ન કરે છે. તે વ્યક્તિ તેને રોકવા માટે કમર કસે છે, તેને ટાળે પણ છે, પરંતુ હંમેશા આવું થતું નથી. ભાગ્યને જાણી લીધા બાદ તેને બદલવાનો ઉપક્રમ કરવામાં આવે તો તે જ્યોતિષનો સાચો ઉપયોગ છે. હવે સવાલ એવો ઉભો થાય છે કે ભાગ્યને કેવી રીતે બદલી શકાય?

વારાણસીની એક ભક્ત મહિલાએ જ્યોતિષને પોતાની કુંડળી બતાવી. જ્યોતિષી એ કહ્યું કે વૈધવ્ય યોગ છે. તારા પતિની સાથે દુર્ઘટના થઈ શકે છે અને તેના પ્રાણ સંકટમાં ફસાઈ શકે છે. તે મહિલા ગભરાઈ ગઈ કારણ કે તેને અનુભવ હતો કે આ જ્યોતિષીની વાત સાચી સાબિત થાય છે. પોતાની જન્મ કુંડળી લઈને તે મહિલા દેવરહા બાબા પાસે ગઈ, જે એક સિધ્ધ પુરુષ હતા. તેની સામે પોતાની સમસ્યા રાખી. બાબાએ જન્મકુંડળી માંગી. થોડો સમય પોતાના હાથમાં રાખી અને મંચ ઉપર બેઠા બેઠા તેમણે જન્મ કુંડળી પર આંગળીથી કંઈક લખવાનો ઉપક્રમ કર્યો અને મહિલા પાસે એક મંત્ર બોલાવ્યો.

જન્મ કુંડળી પરત આપીને તેમણે કહ્યું કે, “તારા સૌભાગ્યમાં વાસુદેવને પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જા, હવે કંઈ થશે નહીં.” થોડા વર્ષો બાદ તે મહિલાનું નિધન થયું. મરતા સમયે તેને પોતાના પતિને સામે ઊભા રાખ્યા અને તેને જોઈને પોતાના પ્રાણ ત્યાગ કરી દીધા. આત્મબળ સંપન્ન દિવ્યદ્રષ્ટિમાં તે શક્તિ છે, જે ભવિષ્યમાં થતી ઘટનાઓને પણ ટાળી શકે છે અથવા તો તેને હળવી કરી શકે છે.

ભવિષ્યમાં થતી દુર્ઘટનાઓ અને નિયતિને બદલવાના મુખ્ય ત્રણ ઉપાય છે – એક ઈચ્છા શક્તિ, બીજું વિનય અને ત્રીજું નિયતિને સમજવાની અને તેના અનુકૂળ પોતાને ઢાળી લેવાનું જ્ઞાન. પોતાની જાતને બદલવી અને વિશ્વને વધારે સુંદર અને વ્યવસ્થિત બનાવવા માટે સમર્પણ નો નિર્ણય કરી લેવામાં આવે તો નિયતિમાં બદલાવ આવવા લાગે છે. ત્યારે પ્રકૃતિ એક અવસર આપે છે. જે લોકોની નિયતિમાં બદલાવ આવ્યો છે, તેમના માટે નિયતિએ ઉદ્દેશ્યપૂર્ણ ઉદારતા દાખવેલી હતી.

તે વાત સ્પષ્ટ છે કે જન્મકુંડળીના માધ્યમથી આપણે આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં થતી ઘટનાઓના સંબંધમાં મહત્વપૂર્ણ વાતો જાણી શકીએ છીએ. જો આપણી સાથે કોઈ દુર્ઘટના થવાની હોય તો આપણે તેના બચાવ માટે ઉપાય કરી શકીએ છીએ અથવા તો ઓછામાં ઓછું તે દુર્ઘટનાના પ્રભાવને ઓછો કરી શકીએ છીએ. પરંતુ તેના માટે આવશ્યકતા છે તો દૃઢ ઈચ્છાશક્તિ ની અને ગુરુદેવના સાનિધ્યની.