પરપ્રાંતિયો માટેની સ્પેશિયલ ટ્રેનમાં જો કોઈ વ્યક્તિ ચેઇન ખેંચશે તો ….

કોરોના વાયરસને કારણે દેશભરમાં ફસાયેલા પરપ્રાંતીઓ પોતાના ઘરે જવા માટે આતુર બની રહ્યા છે. તેમના દ્વારા સરકારને અવારનવાર માંગણીઓ કરવામાં આવી રહી છે કે તેમને ઘરે જવા માટે પરવાનગી આપવામાં આવે. તેમની માગણીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે શુક્રવારે વિભિન્ન રાજ્યોમાં ટ્રેન ચલાવવાની મંજૂરી આપી દીધી છે. પહેલા એવી શંકા રાખવામાં આવી હતી કે સ્પેશિયલ ટ્રેનમાં ચેઇન ખેંચવાની હરકતો થઈ શકે છે, પરંતુ હવે તેવું થશે નહીં.

યાત્રા માટે જે નિયમો બનાવવામાં આવી રહ્યા છે, તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે દરેક બોગીમાં ચેઇનની સામે સીઆરપીએફ જવાન બેસેલો રહેશે. જો કોઈ વ્યક્તિ ચેઇન ખેંચવાનો પ્રયાસ કરે છે, તો આરોપીની વિરુદ્ધ તે જ સમયે કાર્યવાહી કરવામાં આવશે. દરેક બોગીમાં ૨ જવાન અલગથી તૈનાત રહેશે, જેમનું કામ સામાજિક અંતરને જાળવી રાખવાનું રહેશે.

રેલવે મંત્રાલયના સૂત્રો જણાવે છે કે, અમુક શ્રમિક સ્પેશિયલ ટ્રેન એવી હશે જેને લાંબા રૂટ પર ચલાવવામાં આવશે. બાકી ટ્રેનોને એક રાજ્યના ઘણા સ્ટેશનો પર રોકી શકાય છે. તે એ વાત પરથી નક્કી થશે કે તે વિસ્તાર અથવા સ્ટેશન કયા ઝોનમાં આવેલ છે. સાથોસાથ ગાડીમાં યાત્રીઓની સંખ્યાનાં હિસાબે પણ સ્ટોપેજ નક્કી કરવામાં આવશે.

ખાસ વાત એ છે કે આવા કોઈ પણ સ્ટેશન પર જ્યારે ગાડી રોકાશે તો તેમાંથી ફક્ત યાત્રીઓ ઉતરશે, ચડવા માટેની પરવાનગી કોઈને પણ મળશે નહીં. જોકે તે દરમિયાન સંબંધિત જિલ્લાના પ્રશાસન પણ ત્યાં હાજર રહેશે. તેમની પાસે પહેલાથી જ ઉતરનારા લોકોની સૂચિ હશે. તેઓ સ્થળ પર જ તે લોકોના રિપોર્ટ કરશે. ત્યારબાદ તેમને બસમાં બેસાડીને તેમના ઘર સુધી છોડી આપવામાં આવશે. ટ્રેનમાં લોકોને ભોજન પણ આપવામાં આવશે.