નવી દિલ્હી : વોટસએપ પર ઇઝરાયેલી ગૃપનાં સ્પાઇવેયર તરફથી ખતરો હોવાનાં બહાર આવેલ અહેવાલ બાદ ચોંકી ઉઠેલ ભારત સરકારે વોટસએપ પાસેથી આનો વિગતવાર ખુલાસો માગ્યો છે.
જાણવા મળેલ વિગતો મુજબ કેન્દ્ર સરકારે વોટસએપ તરફથી સ્પાઇવેયર – મેલવેયરની ગંભીરતા અને એનાં નિવારણ માટે ઉઠાવાયેલ સુરક્ષા ઉપાયો સંદર્ભે માહિતી માંગી છે. જેનાં આધારે સરકાર પોતાનાં અધિકારીઓને અમેરિકન એપનો વપરાશ ચાલું રાખવો કે બંધ કરવો તે મુદ્દે નિર્દેશ આપશે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ વોટસએપને પત્ર લખીને ભારતીય ઉપભોક્તાની સંખ્યા સહિતની જાણકારી માંગી છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘અમે વોટસએપમાં ઇ-મેઇલ મોકલીને એમને જણાવ્યું કે, તેઓ અમને મામલાની સંવેદનશીલતા સંદર્ભે માહિતી આપે. ઉપરાંત સમસ્યા દુર કરવા લીધેલાં પગલાંની જાણકારી આપે.
પાછલાં હપ્તા દરમિયાન કંપનીએ જાહેર કર્યું હતું કે, કહેવાતી એક ઇઝરાયેલ સાયબર ઇન્ટેલિજન્સ ગૃપે વોટસએપનાં કોલિંગ ફંક્શનમાં ફાચર મારીને યુઝર્સનાં ફોનમાં સ્પાઇવેયર નાખવાની કોશિશ કરી હતી. એનાથી યુઝર્સનાં ડિવાઇસની તમામ જાણકારી ખતરામાં મુકાઈ ગઈ હતી. આ મુદ્દે ઇકોનોમિક ટાઇમ્સે વોટસએપને ઇ-મેઇલ દ્વારા સવાલો મોકલેલ પરંતુ કંપનીએ એનો કોઈ જવાબ આપ્યો નહોતો.
વોટસએપ દ્વારા સાર્વજનિક તોર પર જારી કરાયેલ બયાનમાં કહેવામાં આવ્યું કે, સ્પાઇવેયરનો મુદ્દો આ મહિને ધ્યાનમાં આવ્યો હતો. અને તે પોતાનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સહાયથી એનો નિકાલ કરવામાં આવ્યો હતો. કંપનીએ સોમવારે જારી કરેલાં વોટસએપનાં લેટેસ્ટ અપડેટ્સ ઈન્સ્ટોલ કરી લેવાનો યુઝર્સ પર ખાસ ભાર મૂક્યો હતો. ઉપરાંત એમણે અમેરિકાની કાનુની એજન્સીઓને પહેલેથી સ્પાઇવેયર એટેક બારામાં સાવચેત કરી ચુકી હોવાનું જણાવ્યું હતું.
એક સરકારી અધિકારીનાં કહેવા પ્રમાણે મંત્રાલય કંપનીનાં પ્રતિભાવ બાદ સરકારી અધિકારીઓએ વોટસએપનો ઉપયોગ કરવો કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે. આનો ઉપયોગ સરકારી અધિકારીઓ પણ કરતાં હોઇ પ્રાઇવસી અને સિક્યુરિટીનો મુદ્દો ઉપસ્થિત થાય છે. ભારતમાં વોટસએપનાં અંદાજે 20 કરોડ ઉપભોક્તા છે. સરકાર સોશિયલ મીડિયા એપ મારફત ફેલાતી અફવાઓ અને હિંસક ઘટનાઓ રોકવા માટે આ પ્રકારની જાણકારી ઇચ્છે છે. સ્પાઇવેયર પ્રકરણ પછી સરકાર અને વોટસએપ વચ્ચે ખેંચતાણ વધે એવાં અણસાર દેખાય છે.
લેખ સંપાદક :મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)