સુરતમાં રહેતા રત્ન કલાકાર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીનાં સમાચાર, કાલથી વતનમાં જવા માટે મળશે પરવાનગી

Posted by

કોરોના વાયરસને લઈને હાલમાં ઘણા વ્યક્તિ પોતાના નિવાસસ્થાનેથી દુર અન્ય સ્થળે ફસાયેલા છે. જ્યાં તેઓને જમવાની અને રહેવાની પણ સગવડ ન હોવાથી તેઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. હાલમાં જ સરકાર દ્વારા પરપ્રાંતીય લોકોને વતન જવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. જેના માટે સરકાર દ્વારા બસ અને ટ્રેનની સગવડતા પણ કરવામાં આવી હતી. જેમાં પરપ્રાંતીય લોકો અન્ય રાજ્યોમાં જવા માટેની પ્રશાસન પાસેથી મંજૂરી લઈ ને પોતાના ઘરે જઈ રહ્યા છે.

તેવામાં સુરતમાં રહેતા રત્નકલાકારો અને અન્ય લોકો દ્વારા કે જેઓ પોતાના વતનથી દુર ફસાયેલા છે તેઓ દ્વારા પણ વતનમાં જવા માટે અવારનવાર માગણી કરવામાં આવી રહી હતી. જેને લઇને સુરતમાં આજે બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, વતનમાં જવા માંગતા રત્ન કલાકારોને પરવાનગી આપવામાં આવશે.

તેવામાં હવે સુરતમાં રહેતા રત્નકલાકારો અને વતનમાં જવા માગતા લોકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગણપત વસાવાએ જાહેરાત કરી છે કે, સુરતમાં રહેતા રત્નકલાકારો પોતાના વતનમાં જવા માટે કલેકટરને ઓનલાઈન અરજી કરીને મંજુરી મેળવી શકે છે. પરંતુ તેઓએ ત્યાં ૧૫ દિવસ ક્વોરંટાઈનમાં રહેવું પડશે તથા ૧ મહિનો વતનમાં પોતાના ઘરે રહેવું પડશે. મતલબ કે દોઢ મહિના સુધી તેઓ પરત આવી શકશે નહીં.

ઓનલાઈન અરજી કરવા માટે ૬ મે થી શરૂઆત કરવામાં આવશે તથા ૭ મે થી વતનમાં મોકલવામાં આવશે. આ સમાચાર મળતાની સાથે જ સુરતમાં રહેતા રત્નકલાકારો તથા વતનથી દૂર ફસાયેલા લોકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વતનમાં જવા માગતા લોકોએ કલેકટર પાસેથી મંજૂરી લેવાની રહેશે અને તેઓને ફક્ત આંતર રાજ્યમાં જ અવર-જવરની મંજૂરી આપવામાં આવશે. આ લોકોની અવરજવર માટે હાલમાં ફક્ત ખાનગી બસોને જ મંજૂરી આપવામાં આવી છે અને તેઓએ પણ કલેકટર પાસેથી મંજૂરી લેવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *